અમરાઈવાડીમાં જૂના ઝઘડાની અદાવતમાં યુવકની હત્યા કરનાર બે આરોપી ઝડપાયા

અમદાવાદ અમરાઈવાડીમાં સામાન્ય ઝઘડાની અદાવતમાં યુવક પર ઉપરાછાપરી છરીના ઘા મારી હત્યા કરનાર બે આરોપીને પોલીસ તથા એલસીબીની ટીમે ઝડપી પાડ્યા છે. ગત સોમવારે સામાન્ય ઝઘડાની અદાવતમાં બન્નેએ ભેગા થઈ યુવક પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું પૂછપરછમાં સામે આવ્યું હતુ. હાલ પોલીસે બંન્ને આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે મૃતક અને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પણ તપાસ મા ખુલાસો થયો હતો. અમરાઈવાડીમાં રહેતો ૨૬ વર્ષીય ભાવેશ પરમાર ટ્રક ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. અમરાઈવાડી આદર્શનગરમાં રહેતા સાગર રાઠોડ સાથે થોડા મહિના પહેલા ભાવેશને ઝઘડો થયો હતો. આ દરમિયાન ગત સોમવારે ભાવેશ આંટો મારવા ઘરની બહાર નિકળ્યો હતો ત્યારે સાગર રાઠોડ અને તેનો મિત્ર વિનય પરમાર બન્ને અગાઉના ઝઘડાની અદાવત રાખીને ભાવેશ સાથે ઝઘડો કર્યો હતો. જે બાદ આ બન્નેએ ભેગા થઈને ભાવેશને સાથળ તથા પીઠના ભાગે ઉપરા છાપરી છરીના ત્રણ ઘા મારીને લોહીલુહાણ કરીને ફરાર થઈ ગયા હતા. બીજી બાજુ ઈજાગ્રસ્ત ભાવેશનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. અમરાઈવાડી પોલીસે હત્યાનો ગુનો નોંધી બન્ને આરોપીઓની શોધખોળ હાથધરી હતી. આ દરમિયાન અમરાઈવાડી પોલીસ તથા ઝોન ૫ એલસીબીની ટીમે સંયુક્ત બાતમીના આધારે સાગર રાઠોડ અને વિનય પરમારને ઝડપી પાડ્યા છે. આરોપીની પૂછપરછ દરમિયાન સાગર છુટક મજુરી કરતો હોય અને સામાન્ય બાબતે ભાવેશ સાથે ઝઘડો થતા વિનય સાથે મળી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતુ.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution