ઓઈલ ચોરી કૌભાંડનો પર્દાફાશ બે આરોપીઓની અટકાયત કરાઈ

વડોદરા : શહેર નજીક રાયપુર ગામની સીમમાંથી પસાર થતી ઓએનજીસીની ક્રૂડ ઓઇલની પાઇપ લાઇનમાં પંકચર કરી ઓઇલ ચોરી કરવાના ચાલી રહેલા કૌભાંડનો પીસીબી બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. ઓઇલચોરીનું કૌંભાડ ચલાવતા ટ્રાન્સપોર્ટ માલિક સહિત બે વ્યક્તિઓની ધરપકડ કરી રૂા ૪૩.૧૫ લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

ઓએનજીસીની પાઇપ લાઇનમાં પંકચર કરી ક્રૂડ ઓઇલની ચોરી કરવામાં કુખ્યાત અમરસિંહ રાઠોડે (રહે. શ્રીજી ટેનામેન્ટ, ગોરવા) શહેર નજીકના રાયપુર ગામની સીમમાંથી પસાર થતી ઓઇલની પાઇપ લાઇનમાં ક્રૂડ ઓઇલની ચોરી કરીને ટેન્કરોમાં રણોલી ખાતે યાદવ ટ્રાન્સપોર્ટમાં લાવવામાં આવે છે અને ટ્રાન્સપોર્ટ ઓફિસના કમ્પાઉન્ડમાં ચોરીનું ઓઇલ લાવ્યા બાદ અન્ય ટેન્કરોમાં ખાલી કરવામાં આવે છે. યાદવ ટ્રાન્સપોર્ટમાં ઓઇલચોરીનું કૌંભાડ ચાલતું હોવાની ખાતરી થતાં પોલીસે રણોલી યાદવ ટ્રાન્સપોર્ટમાં દરોડો પાડી ક્રૂડ ઓઇલચોરીના કૌંભાડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ક્રૂડ ઓઇલ ભરેલી બે ટેન્કરો, ઓઇલ ભરવાના સાધનો મળી ૪૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત પોલીસે યાદવ ટ્રાન્સપોર્ટના સંચાલક શશીકાંત દયારામ યાદવ (રહે.૧૧૨, વૃંદાવન સોસાયટી, કરચીયા રોડ) અને ટ્રાન્સપોર્ટ કમ્પાઉન્ડમાંથી મળી આવેલા ટેન્કરચાલક હનુમાન રંગલાલ વણઝારાની (રહે. રાજસ્થાન, હાલ રણોલી સ્થિત યાદવ ટ્રાન્સપોર્ટ)ની ધરપકડ કરી હતી. જ્યારે ઓએનજીસીની પાઇપ લાઇનમાં ભંગાણ કરીને ઓઇલ ચોરી કરવામાં કુખ્યાત અને અગાઉ અનેક વખત પકડાઇ ચૂકેલા અમરસિંહ રાઠોડ, સંજય ઉર્ફ કાલિયો અને મદનલાલ લક્ષ્મણ વણઝારા (રહે. મૂળ રાજસ્થાન, હાલ રણોલી યાદવ ટ્રાન્સપોર્ટ)ને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. જવાહરનગર પોલીસે આ અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજુ રણોલી સ્થિત યાદવ ટ્રાન્સપોર્ટમાં પોલીસે દરોડો પાડી ઓઇલ ચોરીના ચાલી રહેલા નેટવર્કનો પર્દાફાશ કરતા રણોલી પંથકમાં ચકચાર મચાવી મુકી હતી.

પોલીસની પૂછપરછમાં એવી વિગત બહાર આવી કે રાયપુરની સીમમાંથી પાઇપલાઇનમાં ડ્રીલથી પંકચર કરીને ક્રૂડ ઓઇલચોરી કરીને ટેન્કરોમાં ઠાલવવામાં આવતું હતું. ચોરી કરેલું ઓઇલ રણોલી યાદવ ટ્રાન્સપોર્ટ ઓફિસના કમ્પાઉન્ડમાં લાવવામાં આવતું હતું, ત્યાંથી અન્ય ટેન્કરોમાં ખાલી કરી ખૂલ્લા બજારમાં વેચી દેવામાં આવતું હતું. કાળા સોના તરીકે ઓળખાતા ક્રૂડ ઓઇલચોરીમાં માહિર અમરસિંહ રાઠોડ અગાઉ કડી, આણંદ, સિધ્ધપુર, પાટણ, જંબુસર, રાજસ્થાન કિશનગઢ પોલીસ મથકમાં પકડાયો છે. અમરસિંહ રાઠોડ જેલમાંથી બહાર આવ્યા પછી પુનઃ ઓએનજીસીની પસાર થતી લાઇનમાં ભંગાણ કરીને વાલ્વ બેસાડીને ચોરી કરે છે. તેણે ઓઇલ ચોરી કરવા માટે હાઇવા ટ્રકની બોડીમાં ક્રૂડ ઓઇલ ભરવા માટેની ટાંકીઓ બેસાડી છે. ઓઇલ ચોરીની હેરાફેરી કરવા માટે હાઇવા ટ્રકને ટેન્કરમાં ફેરવી છે.

--------------

દુબઈ સુધીના આતંકીઓ સાથેની સાંઠગાંઠની શંકા

કાલા સોનાના સોદાગર શરીકાંત દયારામ યાદવ ટ્રાન્સપોર્ટરની આડમાં અંધારીઆલમ સાથે પણ સંપર્કો ધરાવે છે અને છેક દુબઈ સુધીના આતંકી સાથે કોન્ટેક્ટ હોવાનું કહેવાય છે. અગાઉ ફાયરિંગ પ્રકરણમાં પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. જ્યારે અમરસિંહ રાઠોડ જે આ ગુનામાં ફરાર છે એ અગાઉ અસંખ્યવાર ઓઈલચોરીમાં પકડાયો છે અને વિસ્ફોટ થાય એવી શક્યતા હોવા છતાં ક્રૂડ ઓઈલની ચાલુ પાઈપલાઈનમાં પંકચર પાડવામાં માસ્ટર ધરાવતો હોવાથી ઘણીવાર જેલવાસ પણ ભોગવી ચૂકયો છે. પરંતુ છૂટીને પાછો આ ધંધામાં સક્રિય થયો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution