મુંબઈ
૨૦૨૦નું વર્ષ બોલિવૂડ અને ટેલિવૂડ માટે ખુબ જ ખરાબ રહ્યું છે. ચાલુ વર્ષમાં બોલિવૂડે દિગ્ગજ અભિનેતાઓ ખોયા છે. જેમાં ઈરફાનખાન હોય કે પછી ઋષિ કપૂર કે પછી સુશાંતસિંહ રાજપૂત દિગ્ગજ અભિનેતાઓએ આ દુનિયાને અલવિદા કહી દીધી છે. ત્યારે આજે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. જેમાં ટીવી અભિનેત્રી લીના આચાર્યનું શનિવારે દિલ્હીમાં નિધન થઈ ગયું છે. લીનાનું મોત કિડની ફેલ થવાના કારણે થયું હતું. લીના આચાર્યએ ઘણા જાણીતા ટીવી શો અને વેબ સિરીઝમાં કામ કર્યું છે.
અભિનેત્રી લીના આચાર્યએ વેબ સિરીઝ ક્લાસ ઓફ ૨૦૨૦ અને ટીવી શો સેઠ જી, આપકે આને સે, અને મેરી હાનિકારક બીવીમાં કામ કર્યું હતું. આ સિવાય લીના આચાર્યએ રાની મુખર્જીની ફિલ્મ હિચકીમાં પણ કામ કર્યું હતું. જણાવી દઈએ કે લીના આચાર્ય છેલ્લા એક વર્ષથી કિડનીની બિમારીથી પીડિત હતી. લીનાનો જીવ બચાવવા માટે તેમની માંને તેને કિડની ડોનેટ પણ કરી હતી. પરંતુ તો પણ તે જીવીત ન રહી શકી.