મુંબઇ
લોકડાઉન દરમિયાન બીમાર પડેલા એક્ટર આશીષ રોય (55) હવે આ દુનિયામાં રહ્યા નથી. કિડનીની બીમારીથી પીડિત એક્ટરે પોતાના જ ઘરે અંતિમ શ્વાસ લીધા છે. CINTAAના સીનિયર જોઈન્ટ સેક્રેટરી અમિત બહેલે આ વાતની પુષ્ટિ કરી છે. અમિતે કહ્યું કે, 'આશીષનું નિધન તેના ઘરમાં થયું છે. ડિરેક્ટર અરવિંદ બબ્બલે મને ફોન કરીને આ વિશે માહિતી આપી હતી'.
સીનિયર એક્ટ્રેસ ટિના ઘાઈએ પણ આશીષ રોયનું નિધન થયું હોવાની વાતને કન્ફર્મ કરી છે. 'એક્ટરના નિધનથી અમે દુઃખી છીએ. એક્ટરનું નિધન ઘરે થયું હોવાથી ડેટ સર્ટિફિકેટ મેળવવામાં પણ મુશ્કેલી થઈ રહી છે'
જોગેશ્વરીમાં આવેલી પાટલીપુત્ર બિલ્ડિંગ કે જ્યાં આશીષ રોય રહેતા હતા, ત્યાંના સિક્યુરિટી ગાર્ડે જણાવ્યું હતું કે, 'આશીષ સાહેબ વહેલી સવારે 3.45 કલાકે મૃત્યુ પામ્યા. તેમના ઘરે કામ કરતો નોકર દોડતો-દોડતો નીચે આવ્યો હતો અને જણાવ્યું હતું કે, એક્ટરે થોડી હેડકી આવી હતી અને તેઓ નીચે પડી ગયા હતા. તેમને હેલ્થને લગતી સમસ્યા તો ચાલી જ રહી હતી પરંતુ નોકરે કહ્યું કે, ગઈકાલે તેમની તબિયત થોડી સારી હતી. હકીકતમાં આજે તેઓ ડાયાલિસિસ માટે પણ જવાના હતા'.
થોડા સમય પહેલા આશીષને જૂહુની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમનું ડાયાલિસિસ કરવામાં આવી રહ્યું હતું, આ સાથે તેમની આર્થિક સ્થિતિ પણ ખરાબ હતી. તેમને થોડું કામ મળવાનું શરૂ થયું હતું પરંતુ વચ્ચે લોકડાઉન નડી જતાં તેમની આર્થિક સ્થિતિ વધારે કથળી ગઈ.
મે મહિનામાં એક્ટરને ICUમાં ખસેડવામાં આવ્યા હતા. તેમણે ફેસબુક પર આ અંગેના ન્યૂઝ શેર કર્યા હતા. તેમજ પ્લેટફોર્મ દ્વારા શુભચિંતકોને આર્થિક મદદદ કરવાની પણ વિનંતી કરી હતી. તેમની પાસે હોસ્પિટલના બિલ ચૂકવવાના પણ પૈસા નહોતા.