આપણને ગણેશ પૂજાની એક સામાન્ય વાતની તો જાણ હોવી જોઇએ કે ભગવાન ગણેશની પૂજામાં તુલસી પત્ર વાપરવામાં આવતા નથી. ભગવાન વિષ્ણુ સાથે લગ્ન કરનાર તુલસી સામાન્ય રીતે દરેક શુભ કાર્યમાં વાપરવામાં આવે છે. તુસલી અને ભગવાન ગણેશની એક પ્રચલિત કથા છે. તો આજે આપણે તે કથામાં સંક્ષિુપ્તમાં જાણીશું એટલે આપણને ખબર પડે કે તુલસી પત્ર બાપ્પાની પૂજામાં વર્જિત કેમ છે. તુલસીજી એક દિવસ નારાયણ પરાયણ થઈને તપસ્યા માટે તીર્થોનું ભ્રમણ કરતા ગંગાના કિનારે પહોંચ્યાં. ત્યાં તેમણે તરુણ અને યુવા ગણેશજીને જોયા. તેઓ અત્યંત સુંદર પિતાંબરમાં અને સુંદર આભુષણોથી સુશોભિત હતા.
ગણપતિ પણ તે સમયે ઈશ્વરભક્તિમાં લીન હતાં. તેમને જોઈ તુલસી દેવી તેમના તરફ આકર્ષિત થયાં. તુલસી તેમનો ઉપહાસ કરવા લાગ્યા જેનાથી ગણપતિનું ધ્યાનભંગ થયુ. જે બાદ ગણપતિએ તેમનો પરિચય પૂછ્યો અને તેના આગમનનું કારણ પૂછ્યું. પછી ગણપતિએ તેમને કહ્યું કે, માતા તપસ્વીઓને ધ્યાનભંગ કરવું સદાય માટે અમંગળકારી હોય છે છતાં પરમાત્મા તમારું કલ્યાણ કરે અને મારા ધ્યાનભંગથી ઉત્પન્ન થયેલો દોષ આપના માટે અમંગલકારી ન રહે. ત્યારે તુલસીજીએ કહ્યું કે, હું ધર્માત્મજની પુત્રી છું અને હંમેશા તપસ્યામાં મગ્ન રહું છું. મારી તપસ્યા પતિની પ્રાપ્તિ માટે છે. આથી તમે મારી સાથે વિવાહ કરી લો.
તુલસીની વાત સાંભળીને બુધ્ધિશ્રેષ્ઠ ગણપતિજી એ કહ્યું કે માતા, હું બ્રહ્મચારી છું. લગ્નથી તપસ્યાનો નાશ થાય છે તે ભવબંધનમાં બાંધનારા હોય છે. તમે મારા પરથી આપનું ધ્યાન હટાવીને અન્યને પતિના રૂપમાં શોધી કાઢો. રે તુલસી ગુસ્સે થાય છે અને તેમણે ગણેશજીને શ્રાપ આપતા કહ્યું કે, તમારા લગ્ન થશે જ. આ સાંભળીને ગણેશજી પણ ગુસ્સે થઈ ગયા અને તેમણે તુલસીને શ્રાપ આપ્યો કે તેઓ અસુરોથી ગ્રસ્ત બનીને વૃક્ષ બની જશે. આ શ્રાપથી તુલસીજી વ્યથિત થઈ ગયા. તેમણે ભગવાન ગણેશની વંદના કરી. તેમની વંદનાથી ગણેશજી પ્રસન્ન થયાં. તેમણે તુલસીને કહ્યું કે, તમે છોડમાં સર્વશ્રેષ્ઠ ગણાશો અને તમે નારાયણની પ્રિયા બનશો. દરેક દેવતાઓ આપના માટે સ્નેહ રાખશે પણ નારાયણને આપ વિશેષ પ્રિય રહેશો. તમારી પૂજા મનુષ્યો માટે મુક્તિદાયિની નિવડશે પણ મારી પૂજામાં આપનો ક્યારેય ઉપયોગ નહીં થાય. આમ કહીને ગણેશજી ફરીથી તપમગ્ન થયાં.