સીતામઢી-
બિહારના સીતામઢીમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર દિનેશ રામ મર્ડર કેસમાં પોલીસે મોટી કાર્યવાહીને અંજામ આપ્યો છે. સીતામઢી પોલીસની સ્પેશિયલ ટીમે હત્યાના આરોપી ટુકટુકસિંહની ગુજરાતમાંથી ધરપકડ કરી છે. જેને સ્થાનિક કોર્ટ તરફથી ટ્રાન્ઝિટ રિમાન્ડ પર સીતામઢી લાવવામાં આવી રહ્યો છે. પકડાયેલા ગુનેગારની ઓળખ સહિયારા પોલીસ સ્ટેશન વિસ્તારના મહાદેવ ગામના રહેવાસી સન્દ્રસિંહના પુત્ર શિવમસિંહ ઉર્ફે ટુકટુક તરીકે થઈ છે.
પોલીસે જણાવ્યું, ગુપ્ત માહિતીના આધારે એસપી સીતામઢીના નેતૃત્વમાં બનાવવામાં આવેલી સ્પેશિયલ ટીમે ગુજરાતમાંથી ટુકટુકસિંહની ધરપકડ કરી હતી. હવે તેને સીતામઢી લાવવામાં આવી રહ્યો છે. સમગ્ર ઘટના અંગે મેજરગંજ પોલીસ સ્ટેશનમાં ૩૪/૨૧નો ગુનો નોંધવામાં આવ્યો હતો. ધરપકડની માહિતી સીતામઢીના એસપીએ આપી છે.
૨૪ ફેબ્રુઆરીના રોજ પોલીસને બાતમી મળી હતી કે, સીતામઢી જિલ્લાના મેજરગંજના કુંવારી ગામે ગેરકાયદેસર દારૂની દાણચોરી કરવામાં આવી રહી છે. તેની તપાસ માટે એક ટીમ કુંવારી ગામમાં દોડી ગઈ હતી. સબ ઇન્સપેક્ટર દિનેશ રામ ટીમને લીડ કરી રહ્યા હતા. દરોડા દરમિયાન ગુનેગારોની ગોળીથી તત્કાલીન એસઆઈ દિનેશ રામ શહીદ થયા હતા. જ્યારે ચોકીદાર લાલબાબુ પાસવાનને ગોળી વાગતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
ઈન્સ્પેક્ટર દિનેશ રામ હત્યા કેસમાં ત્રણ નામના અને કેટલાક અજાણ્યા ગુનેગારો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. જેમાં ઘટનાને તુરંત બાદ કાર્યવાહી કરતા એક ગુનેગારને ઠાર મરાયો હતો. જ્યારે કેટલાક ગુનેગારોને પોલીસે પકડીને જેલમાં મોકલી દીધા. ઘટના બાદ એક આરોપી શિવમ ઉર્ફે ટુકટુક ફરાર હતો. જેથી હવે પોલીસે તેની ગુજરાતમાંથી ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.