ટ્યૂબહાઉસ: ગરીબો માટેની ખાસ ડિઝાઈનના મકાનનું બાળમરણ

લેખકઃ હેમંત વાળા | 



સ્થા પત્યનો ઇતિહાસ જાેતાં જણાશે કે તેમાં વિશાળ મંદિર-ચર્ચ, મહેલ, સંસ્થાકીય મકાન, સ્મારક, ખેલ-ક્રીડા સંકુલ કે જાહેર સ્થાનની વાતો જ કરાઈ છે. ક્યાંક ધનિક વર્ગના આવાસનો ઉલ્લેખ પણ જાેવા મળે. જ્યારે ઇતિહાસકારોને પરંપરાગત આવાસની રચનામાં એક પ્રકારની પરિપક્વતા દેખાઈ ત્યારે સ્થાપત્યના ઇતિહાસમાં તેની માટે એક પ્રકરણ ફાળવવામાં આવ્યું. અહીં વંચિત માનવીના આવાસને ક્યાંથી સ્થાન મળે?

વિશ્વમાં આર્થિક રીતે નબળા ગણી શકાય તેવા લોકોના આવાસ તથા આવાસ-સમૂહ નિર્ધારિત કરવા સ્પર્ધાઓ યોજાતી રહી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા સન ૧૯૬૧-૬૨માં પણ સમાજના આર્થિક રીતે નબળા લોકો માટે આવાસ નિર્માણની યોજના બનાવાઈ હતી જેના માટે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનું આયોજન કરાયેલું. આ સ્પર્ધામાં મુંબઈના સ્થપતિ ચાર્લ્સ કોરિયાની રચના પસંદ કરાઈ હતી. આ રચના બે સમાંતર દીવાલો વચ્ચે નિર્ધારિત થયેલ હોવાથી સ્થપતિએ તેનું નામ “ટ્યુબ હાઉસ” રાખેલું. પ્રાપ્ય ભંડોળમાં જરૂરી ગીચતા લાવી શકાય તેવું તથા સ્થાનિક આબોહવાને અનુરૂપ આ મકાન સ્થાપત્યના ક્ષેત્રમાં એક ઉલ્લેખનીય રચના ગણાય છે.

આ મકાનના માપમાં પ્રાપ્ય જમીન પ્રમાણે થોડી વધઘટ થઈ શકે તેમ હતી. પણ તેની પહોળાઈ ૧૩ ફૂટ અને ઊંડાઈ ૫૫ ફૂટ જેટલી હોય તો વધુ યોગ્ય રહે. અંદરના સ્થાનોના અસરકારક આયોજન માટે આ માપ જરૂરી હતું. આ મકાનની ઉત્તર તથા દક્ષિણ તરફ રોડનું સૂચન કરાયું હતું જેને કારણે પૂર્વ અને પશ્ચિમની લાંબી દીવાલો બે ઘર વચ્ચે સામાન્ય બની જતી અને આવાસમાં ગરમીનો પ્રવેશ ઓછો રહેતો.

આ મકાનની એક ૧૩ ફૂટ પહોળી બાજુ પરથી મકાનમાં બે પગથિયાં બાદ સીધો પ્રવેશ અપાયો હતો. આ પગથિયાં બાદ બારણા સાથે રોડ પર ખુલતી બારી પણ હતી. અહીં આગળના ઓરડાને બે સ્તરીય એ રીતે બનાવાયેલો કે તે એક રીતે વિભાજિત હોવા છતાં તેની અનુભૂતિમાં એકપણું જળવાઈ રહે. ત્યારબાદ રસોઈ સ્થળ તથા જમવા માટેનું અને કૌટુંબિક મેળાપ માટેનું અનૌપચારિક સ્થાન નિર્ધારિત કરાયું હતું. આ બે સ્થાનની વચ્ચે દાદરનું આયોજન કરાયું હતું જેની નીચે ગોપનીયતા લાવી શકે તેવો સ્ટોર બનાવી શકાય. ત્યારબાદ મકાનની અંદર એક નાનો ખુલ્લો ચોક આવે જેની ઉપર પરગોલા ગોઠવાયાં હતાં અને નીચે લાદી ન જડતા માટી જ રખાઈ હતી. આ પરગોલા સલામતી આપવા સાથે તડકાના પ્રવેશને પણ નિયંત્રિત કરતાં હતાં. વળી નીચેની જમીનમાં ફૂલ છોડ ઉગાડી અંદરનું વાતાવરણ પણ રમ્ય બનાવી શકાય. આ ચોક પછી પાછળના રસ્તા તરફ સંડાસ તથા નાવણીયું આવે. આ નાવણીયામાંથી પાછળના રસ્તા પર નીકળવા માટે બારણું રખાયું હતું. રસોઈ તથા જમવાના સ્થાન ઉપર માળીયા જેટલી ઊંચાઈ પર એક સ્લેબ ભરી સૂવાનું સ્થાન બનાવાયું હતું. દાદર ચડીને અહીં પહોંચ્યા પછી મળતા વિસ્તારને પણ બે સ્તરમાં બનાવાયું હતું, જેમાં ઉપરનું સ્તર આપમેળે પલંગ બની રહે. આ સ્થળના ઉપરના ભાગમાં છાપરામાંથી એક નીચે તરફ બારી રખાઈ હતી, જ્યાંથી ગરમ હવા બહાર ધકેલાતા સમગ્ર મકાનમાં હવાની અવરજવર સહજ બને. આ પ્રકારની રચનાને કારણે આવાસની અંદર ખુલ્લાપણાની અનુભૂતિ રહેતી અને હવા તથા પ્રકાશ જરૂરી માત્રામાં જળવાઈ રહેતાં. એક રીતે જાેતા આ મકાન પૂર્ણ આવાસ હતું, જેમાં વિવિધ કાર્યસ્થાનોને બંધિયાર બનાવ્યા વગર તેમને નિર્ધારિત કરાયાં હતાં. વળી અમુક સ્થળને માળીયા જેટલી ઊંચાઈ અપાઈ હોવા છતાં ઢળતા છાપરાને કારણે જગ્યા ગીચ તેમજ નાની ન લાગે તેનું ધ્યાન રખાયું હતું. વળી અહીં આડી દીવાલો ન હતી. આખા મકાનમાં સંડાસ સિવાય ક્યાંય આંતરિક બારણા ન હતાં. આ મકાનની અન્ય એક ખાસિયત એ કહેવાય કે અહીં સ્થાપત્યની રચના થકી જ મૂળભૂત રીતે જરૂરી ગણી શકાય તેવું રાચરચીલું આપી દેવાયું હતું. આ મકાનની રચનામાં તલ-દર્શન અર્થાત પ્લાન કરતા આડો છેદ અર્થાત સેક્શનના નિર્ધારણમાં વધુ સર્જનાત્મકતા દેખાય છે. આ રચનામાં ભવિષ્યમાં જરૂરી બની રહે તેવો આવાસનો વિસ્તાર સંભવ ન હતો. વળી આ આવાસ આંતર્ભીમુખ બની રહેતું જે લાભાર્થીઓને માન્ય ન હતું. વળી અહીંની આબોહવામાં ઉનાળામાં ખુલ્લામાં - અગાસી પર સૂવાનું જે મહત્વ છે તે બાબત આ સમગ્ર રચનામાં જાણે નજરઅંદાજ થઈ ગઈ હતી. આમ આ મકાનમાં નવીનતા હોવા છતાં ક્યાંક અધુરાશ રહી ગઈ હતી. જાે કે આ બધી બાબતોનું નિરાકરણ શક્ય હતું. રાષ્ટ્રીય સ્પર્ધામાં પસંદ પામેલ આ મકાનનો એક નમૂનો અમદાવાદમાં નહેરૂનગર વિસ્તારમાં બનાવાયો હતો, પણ રસ્તાની પહોળાઈ વધારવાની જરૂર જણાતાં તે નમૂનાને તોડી પડાયો. આમ આર્થિક રીતે નબળા વર્ગના મકાન માટેના એક ઉલ્લેખનીય પ્રયાસનું બાળમરણ થયું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution