શ્રાવણ મહિનો લગભગ અડધો પૂરો થવા આવ્યો છે. આ સમયે શક્ય છે કે તમે બટાકાવડા, સાબુદાણાની ખીચડી અને સૂકી ભાજીથી કંટાળ્યા હશો. જો આવું જ હોય તો આજે તમે તમારા લંચ કે ડિનરમાં ફરાળી આલુ પરાઠા ટ્રાય કરી શકો છો. તેનાથી તમને અલગ ટેસ્ટ મળશે અને કંઈ નવું ખાવાનો આનંદ પણ મળશે. આ પરાઠા પણ સામાન્ય પરાઠા જેવા જ ટેસ્ટી લાગે છે. તેને તમે દહીં સાથે સરળતાથી ખાઈ શકો છો. ગરમાગરમ પરાઠા શ્રાવણમાં એક યોગ્ય અને હેલ્ધી ફૂડ બની શકે છે. તો નોંધી લો રેસિપી અને કરી લો ફટાફટ ટ્રાય.
સામગ્રી
:
એક નંગ મોટું બાફેલું બટાકું,બે ટીસ્પૂન મોળું દહીં ,એક ટીસ્પૂન તેલ ,પાંચ નંગ લીલાં મરચાં ,એક ટીસ્પૂન કોથમીર ,એક ટીસ્પૂન તલ ,એક ટીસ્પૂન મોળી શેકેલી શિંગનો ભૂકો ,એક ટીસ્પૂન લાલ મરચું ,એક ટીસ્પૂન ખાંડ ,સિંધવ ફરાળી મીઠું સ્વાદ અનુસાર ,રાજગરાનો લોટ જરૂર મુજબ ,તેલ તળવા માટે
રીત
:
ફરાળી આલુ પરાઠા બનાવવા માટે સૌ પ્રથમ બટાકાને બાફીને છીણી લો. લીલા મરચાને ઝીણા સમારી લો. શેકેલી શિંગનો ભૂકો કરી લો. બટાકાના છુંદામાં તેલ, દહીં, સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું, તલ, શેકેલી શિંગનો ભૂકો, ઝીણી સમારેલી કોથમીર, લીલુ મરચુ અને લાલ મરચુ નાંખી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં જરૂર પ્રમાણે રાજગરાનો લોટ નાંખી તેમાંથી પરોઠા જેવો લોટ બંધો. હવે લોટમાંથી લુઆ કરી ઉપર અને નીચે પ્લાસ્ટિક મૂકી પરોઠું વણી લો. તૈયાર પરોઠાને તવી પર તેલ લઇ શેલો ફ્રાય કરી લો. ગરમ-ગરમ ફરાળી આલુ પરાઠા મસાલા દહીં સાથે સર્વ કરો.