લેખકઃ પાયલ શાહ |
આપણા દેશના વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધારે છે. આ કારણે જો સ્વચ્છતા જાળવવા માટે સજાગ ન રહીએ તો શરીરમાંથી દુર્ગંધ આવવાની સમસ્યા રહે છે. આધુનિક યુગમાં યુવાન-યુવતીઓ શરીરની કાળજી વધારે રાખે છે. તેમને સ્વચ્છતા પસંદ છે. છતાં પણ કામગીરીના પ્રકાર અને વાતાવરણની અસરોના કારણે ઘણી વખત શરીરની દુર્ગંધ પરેશાનીનું કારણ બની રહે છે. આજના સમયમાં વાતાવરણમાં પ્રદુષણનું પ્રમાણ પણ વધારે છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને શરીરમાંથી દુર્ગંધ ન આવે તે માટે વિશેષ પ્રયત્નો કરવા જરૂરી છે. સામાન્ય રીતે પરસેવો વધારે થતો હોય તેવા વ્યક્તિમાં આ સમસ્યા વધારે જાેવા મળે છે. શરીરની દુર્ગંધ દૂર કરવા માટે કેટલાક ઉપાયો અજમાવી શકાય છે. આ ઉપાયો શારીરિક સ્વચ્છતા જાળવી રાખવામાં અને દુર્ગંધ ઘટાડવામાં મદદ કરી શકે છેઃ
(૧) નિયમિત સ્નાનઃ દિવસમાં ઓછામાં ઓછું એકવાર સ્નાન કરવું, ખાસ કરીને ગરમ અને ભેજવાળા વાતાવરણમાં તો તે અત્યંત જરૂરી બની જાય છે. સ્નાન કરતી વખતે એન્ટીબેક્ટેરિયલ સોપનો ઉપયોગ કરવો.
(૨) સ્વચ્છ વસ્ત્રોઃ નિયમિતપણે કપડાં ધોવાય અને સ્વચ્છ અને સૂકા કપડાં પહેરવાથી શરીરની દુર્ગંધની તકલીફ ઓછી થશે. ખાસ કરીને ગરમીમાં બહાર જઈને આવ્યા હોઈએ કે પછી વ્યાયામ કર્યો હોય તે પછી કપડાં બદલી લેવા જરૂરી છે.
(૩) ડિયોડોરન્ટ વાપરોઃ ખાસ કરીને એન્ટીપર્સ્પિરન્ટ ડિયોડોરન્ટ વાપરો. એન્ટીપર્સ્પિરન્ટ તમારા શરીરની દુર્ગંધને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને ડિયોડોરન્ટ આ સાથે ખુશ્બુ ઉમેરે છે.
(૪) આહારમાં ફેરફારઃ કાંદા, લસણ અને મસાલેદાર ખાદ્યપદાર્થો ઘટાડો, કારણ કે એ તત્વો શરીરની દુર્ગંધમાં ફાળો આપી શકે છે.
(૫) શરીરની સ્વચ્છતાઃ શરીરના એ ભાગ ખાસ કરીને સારી રીતે સાફ કરો, જ્યાંથી વધુ દુર્ગંધ આવે છે,જેમ કે બગલ,પગ. અહીં બેક્ટેરિયા વધુ વિકસે છે,જે દુર્ગંધનું કારણ બને છે.
(૬)પ્રાકૃતિક ઉપાયોઃ
- બેકિંગ સોડાઃ બગલ અને પગ પર બેકિંગ સોડા લગાવો, જે બેક્ટેરિયાને નિયંત્રિત કરવામાં અને આલ્કલાઈન પ્રભાવને કારણે દુર્ગંધ ઘટાડવામાં મદદ કરે છે.
- લેમનઃ લેમનનો રસ બગલમાં લગાવવાથી તે બેક્ટેરિયાને મારવા અને દુર્ગંધ ઘટાડવામાં મદદ કરી શકે છે.
- નારિયેળ તેલઃ નારિયેળ તેલમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે, જેનો ઉપયોગ બગલમાં કરી શકાય છે.
(૭) સમયસર કપડાં બદલોઃ કસરત, ભારે મજુરીનું કામ અથવા ઘણી ધૂળમાં રહેવું પડે તેવા કામ પછી તરત કપડાં બદલો.
(૮) સુતરાઉ કપડાંઃ કુદરતી ફાઇબરવાળા કપડાં પહેરો, જેમ કે સુતરાઉ,ખાદી, જે પરસેવાને શોષી લે છે અને ત્વચાને શ્વાસ લેવા દે છે.
આ ઉપાયો અજમાવવાથી શારીરિક દુર્ગંધને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે.