અમેરીકામાં હિંસામાં ચારનાં મોત બાદ અનેક રાજ્યોમાં કરફ્યુ

વોશિંગ્ટન -

અમેરીકામાં આખરે જેની આશંકા હતી એ જ થઈ રહ્યું છે. ત્રણેક માસથી ચાલી રહેલી ચૂંટણીની જટીલ પ્રક્રિયાઓમાંથી પસાર થઈને હવે અમેરીકી સંસદના બંને ગૃહોએ જ્યારે ચૂંટાયેલા નવા રાષ્ટ્રપતિ જાે બાયડેનના નામ પર મહોર મારવાની તૈયારી કરવાની સાથે જ ટ્રમ્પના ટેકેદારોએ જાણે વોશિંગ્ટનને માથે લીધું છે. અનેક ટેકેદારો કેપિટલ હિલ ખાતેના સંસદભવનમાં ઘૂસીને હોબાળો મચાવતાં પરિસ્થિતી વણસી હતી અને ત્યાં સુધી કે,વોશિંગ્ટનમાં કરફ્યુ લાગુ કરવો પડ્યો છે અને નિયંત્રણ મેળવવા માટે પોલીસે ગોળીબાર કરતાં એક મહિલા સહિત ચારનાં મોત થયા છે.

પરિસ્થિતી એટલી હદે ખરાબ થઈ હતી કે, કેપિટલ હિલની અંદર અને બહાર સશસ્ત્ર પોલીસને તૈનાત કરવી પડી હતી. પોલીસના ગોળીબારમાં એકનું મોત થયું હતું, જ્યારે અન્ય ત્રણ જણાંના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા. પોલીસે આ કેસોમાં 52 જેટલાં હિંસક પ્રદર્શનકારીઓની ધરપકડ કરી છે. અમેરીકામાં આ તોફાનો બાદ ગૃહયુદ્ધ જેવી સ્થિતી થઈ ગઈ છે અને તેને પગલે વોશિંગ્ટન સહિત અનેક રાજ્યોમાં કરફ્યુ લાગુ કરી દેવાયો છે. 

કેટલાંક કલાકો પછી પ્રતિનિધિગૃહ યાને હાઉસ ઓફ રીપ્રેઝેન્ટેટીવ્ઝ-એચઓપીના સ્પીકર નેન્સી પેલોસીએ કહ્યું હતું કે, અમે ડર્યા વિના અમારું કામ ચાલુ રાખીશું. આ સમાચાર લખાય છે ત્યાં સુધી હજી નક્કી નથી કે, અમેરીકી પ્રમુખની ચૂંટણીના પરીણામોની એટલે કે જાે બાયડેનની જીતની સત્તાવાર જાહેરાત ક્યારે કરવામાં આવશે.

હાલત ત્યાં સુધી વણસી હતી કે, ટિ્‌વટર અને એફબીએ ટ્રમ્પના ખાતાને બ્લોક કરી દીધા હતા. ટ્રમ્પના સમર્થકોએ બળજબરીથી કેપિટલ હિલમાં ઘૂસીને તોડફોડ શરુ કરતાં આખરે પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો અને તેમાં ગનશોટ્‌સ ફાયર કરાયા હોવાના સમાચારો ટિ્‌વટર પર મોટી સંખ્યામાં મૂકાયા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution