વોશ્ગિટંન-
હાલમાં જ અમેરિકન રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં જાે બાઈડન સામે કારમો પરાજય પામેલા ડોનાલ્ડ ટ્રમ્પે વિદાય લેતા અગાઉ વધુ એક કદમ ઉઠાવીને અમેરિકાના સંરક્ષણ મંત્રી માર્ક એસ્પરને પાણીચું પકડાવી દીધું છે. તેમના સ્થાને અત્યાર સુધી નેશનલ કાઉન્ટરટેરરિઝમ સેન્ટરના ડિરેક્ટર પદે સેવા આપી રહેલા ક્રિસ્ટોફર મિલરને અમેરિકાના સંરક્ષણ મંત્રી બનાવ્યા છે. તેઓ હવે ‘તાત્કાલિક અસર’થી સંરક્ષણ મંત્રી તરીકેનો પદભાર સંભાળશે.
એસ્પર અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના સંબંધો ઘણા સમયથી વણસ્યા હતા અને આ વાત જગજાહેર પણ થઈ હતી. એવામાં ટ્રમ્પ પોતાને ગમે ત્યારે સંરક્ષણ મંત્રી પદેથી હટાવી દેશે એવો અંદેશો હોવાથી માર્ક એસ્પરે અગાઉથી જ પોતાનું રાજીનામું પણ તૈયાર કરી લીધું હોવાનું એક વરિષ્ઠ સંરક્ષણ અધિકારી સહિતના કેટલાક સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું.
ટ્રમ્પ અને એસ્પર વચ્ચેના સંબંધોમાં કડવાશ ઘણા સમયથી આવી હતી અને તેના કારણે એસ્પરને આશંકા પણ હતી કે પ્રેસિડન્ટ ટ્રમ્પ ગમે ત્યારે ટ્વીટ દ્વારા પોતાને ફાયર કરી શકે છે. આ આશંકા હોવાથી એસ્પર સપ્તાહો અગાઉ જ પોતાનું રાજીનામું તૈયાર કરી લીધું હતું.
વાસ્તવમાં, જ્યોર્જ ફ્લોઈડ નામની અશ્વેત વ્યક્તિની પોલીસના હાથે હત્યા થયાની ઘટનાનાં દેશમાં આકરા પડઘા પડ્યા હતા અને તેના કારણે વિરોધ પ્રદર્શનો અને હિંસાને અંકુશમાં લેવા માટે એક્ટિવ-ડ્યુટી સૈનિકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ જ વાત સામે એસ્પરે નારાજગી વ્યક્ત કરી હતી. તેમના મતે એક્ટિવ-ડ્યુટી સૈનિકોનો ઉપયોગ લૉ એન્ફોર્સમેન્ટ માટે અંતિમ ઉપાય તરીકે જ કરવો જાેઈએ.