વોશિંગ્ટન-
અમેરીકમ પ્રમુખપદની ચૂંટણી દરમિયાન પણ એ તો જાહેર હતું જ કે, ટ્રમ્પ અને બિડેનને 36નો આંકડો છે. એકબીજાના ભાષણ દરમિયાન તેમના આકરા નિવેદનો પરથી જ આ બાબતની ખબર પડતી હતી, છતાં મંગળવારે ડોનાલ્ડ ટ્રમ્પે તો જતાં જતાં પણ વર્તમાન પ્રમુખ બિડેનનું રાખ્યું નહીં અને તેમનું નામ સુદ્ધાં ઉચ્ચાર્યું નહીં.
મંગળવારે રાષ્ટ્રજોગ પોતાના વિદાયમાન ભાષણ દરમિયાન ટ્રમ્પે પોતાના અનુગામી શાસકો પર ટોણો મારીને તેમને તેમના આગામી શાસનકાળ માટે શુભેચ્છા તો આપી હતી પણ તેમ કરવામાં તેમણે ક્યાંય જો બિડેનના નામનો પણ ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું. આમ, પોતાના માત્ર 232 ઈલેક્ટોરલ કોલાજ વોટ સામે જંગી 306 મતોથી વિજેતા થનારા બિડેન માટેનો ડંખ તેમણે જતાં જતાં પણ છોડ્યો નહોતો.
બુધવારે બિડેનનો શપથવિધિ થવાનો છે, પણ વ્હાઈટહાઉસમાં સત્તાના હસ્તાંતરણની ઔપચારિકતા દરમિયાન ટ્રમ્પ બિડેનને તે પહેલાં પણ મળવાના નથી અને શપથવિધિમાં પણ સામેલ થવાના નથી. તેના બદલે તેઓ ફ્લોરીડા ચાલ્યા જવાના હોવાના હેવાલો મળે છે. આ સપ્તાહથી આપણને નવું પ્રશાસન મળે છે અને તે અમેરીકાને સમૃદ્ધ અને સલામત રાખવામાં કામયાબ નિવડે એવી પ્રાર્થના કરૂં છું, એમ ટ્રમ્પે કહ્યું હતું.
પોતાને ટ્વિટર પર પોતાને પ્રતિબંધિત કરાયા એ બાબતે ટ્રમ્પે કહ્યું કે, મુક્ત અને ખુલ્લી ચર્ચાઓ બંધ કરવાથી પરંપરાગત રીતે અમેરીકાએ નિભાવ્યા છે એવા મૂલ્યોનો નાશ થાય છે. અમેરીકા કંઈ એવા બીકણ લોકોનું રાષ્ટ્ર નથી જ્યાં કોઈની સાથે સંમત ન થવાય તો તેનાથી અન્ય લોકોને અલગ કરવા પડે. જે કરવા માટે અમે આવ્યા હતા તે અને તેનાથી અનેકગણું વધારે અમે કર્યું. મેં કઠિન લડાઈ લડી અને આકરા નિર્ણયો લીધા અને લોકોએ મને તેના માટે જ ચૂંટ્યો હતો.