ત્રિપલ મર્ડર કેસનો આરોપી દિલીપ દેવળ રતલામ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર

દેવગઢ બારિયા,  મધ્યપ્રદેશના રતલામના રાજીવ નગરમાં દેવદિવાળીના દિવસે એક જ પરિવારના ૩ અને રતલામના કસ્તુરબા નગરમાં એક મહિલાની ર્નિમમ હત્યા કરનારા દાહોદના સાઇકો કિલર દિલીપ દેવળ ગત રોજ રાતે રતલામમાં અંજુમન મદ્રેસાની પાછળના પગદંડી રસ્તા પર પોલીસ સાથેની સશસ્ત્ર અથડામણમાં ઠાર મરાયો હતો. જ્યારે બે પી.એસ.આઇ સહિત પાંચ પોલીસ કર્મીઓને ઇજાઓ થવા પામી હતી.  

દાહોદમાં બે સહિત નવ વર્ષમાં છ જેટલા મર્ડરના ગુનાના ખૂંખાર આરોપી દિલીપ દેવળને રતલામ પોલીસ છેલ્લા આઠ દિવસથી શોધી રહી હતી. તેવામાં ગત રોજ રાતના ૯ઃ૦૦ વાગ્યાના સુમારે મળેલ બાતમીના આધારે રતલામ પોલીસે ખાચરોદ નાકા પર નાકાબંધી કરી હતી. તે દરમિયાન દિલીપ દેવળ ઉજ્જૈન તરફથી આવતો નજરે પડ્યો હતો અને લગભગ ૯૦ મીટર સુધી મહુ નીમચ ફોરલેનના કિનારે આવેલા ખેતરોમાં થઈ આગળ વધી રહ્યો હતો અને થોડો આગળ વધી મીડ ટાઉન જતા પગદંડી રસ્તા પર ચાલવા લાગ્યો હતો. આ જાેઈ પોલીસ પણ તેની સામે આગળ વધી રહી હતી. તેની દિલીપ દેવળને ખબર પડી જતા તે પાછળ વળી ભાગવા લાગતા તેનો ૪૦ થી ૫૦ સુધી એસ.આઈ.અયુબખાન,અનુરાગ યાદવ તથા પોલીસ કોન્સ્ટેબલ વિપુલ ભાવસાર હિંમતસિંહ અને બાલારામએ પીછો કર્યો હતો. પરંતુ પોલીસ તેને પકડી શકી ન હતી અને દિલીપ દેવળએ પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દેતા પોલીસે તેને ઉભા રહેવા જણાવ્યું હતું. પરંતુ તે રોકાયો નહોતો અને ફાયરિંગ ચાલુ રાખ્યું હતું જેથી પોલીસે પણ તેના પર વળતું ફાયરિંગ કરી રાતે પોણા દસ વાગ્યાના સુમારે દિલીપ દેવળને ઠાર માર્યો હતો. જ્યારે દિલીપ દેવળે કરેલ ફાયરિંગમાં બે સબ ઇન્સ્પેક્ટર તથા ત્રણ પોલીસ કોન્સ્ટેબલ મળી પાંચ પોલીસ કર્મીઓને ઓછી વત્તી ઇજાઓ થવા પામી હતી. આ એન્કાઉન્ટરની ઘટનાની જાણ થતાં જ ડી.આઇ.જી સુશાંત સકસેના તથા એસ.પી ગૌરવ તિવારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution