રાજકોટૃ-
રાજકોટ નજીક મંત્રી કુંવરજી બાવળિયાના કાફલાનો અકસ્માત થયો હોવાનું સામે આવ્યુ છે. એક સાથે ત્રણ ગાડીઓ એકબીજા સાથે અથડાતા સર્જાયેલા આ અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. તાલુકા વિકાસ અધિકારીની ગાડીના ડ્રાઈવરે આ પહેલા પણ અકસ્માત કર્યો છે અને તે સમયે ગાડી ટોટલ લોસ થઈ ગઈ હોવાની વાત બહાર આવી છે.
રાજકોટ નજીક વીંછીયા તાલુકાના દેવધરી ગામે સુવિધા પંથ કાર્યક્રમમાં ભાગ લેવા જઇ રહેલા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના કાફલાને અકસ્માત નડ્યો છે. મંત્રી બાવળિયા સલામત છે તથા તેમની ગાડી પણ સુરક્ષિત છે. વીંછીયા તાલુકા વિકાસ અધિકારીની ગાડીના ડ્રાઈવરની બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો હોવાની વાત બહાર આવી છે. એક સાથે ત્રણ ગાડીનો અકસ્માત સર્જાયો જેમાં મામલતદાર, ટી.ડી.ઓ અને માહિતી ખાતાની ત્રણ અધિકારીઓની ગાડીઓ એકબીજા સાથે ટકરાઈ હતી. આ ઘટનામાં રાજકોટ માહિતી ખાતાના અધિકારીને માથાના ભાગે ઇજા પહોંચતા નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.