કાલુપુર રેલવે સ્ટેશનથી ૨૦ કોચવાળી વંદે ભારત ટ્રેનની ટ્રાયલ રન કરવામાં આવી

અમદાવાદ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી પહેલીવાર નવી ૨૦ કોચવાળી વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ રન કરવામાં આવી હતી. ટ્રેનને ૧૩૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડાવવામાં આવી હતી. પશ્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને ઇજનેરોએ સમગ્ર ટ્રેનનું નિરીક્ષણ કર્યું હતું. દેશનાં મોટાં શહેરો વચ્ચે ૧૬ અને ૮ કોચવાળી વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવી રહી છે. વંદે ભારત ટ્રેનની શરૂઆત કરી ત્યારે સફેદ કલરના કોચવાળી ટ્રેન હતી. હવે વંદે ભારત ટ્રેનનો કલર બદલી કેસરી કરવામાં આવ્યો છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે બે વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવી રહી છે. બંને ટ્રેનોમાં ફૂલ બુકિંગ ચાલતું હોય છે. પેસેન્જરનો સારો પ્રતિસાદ મળતાં પશ્ચિમ રેલવેએ પેસેન્જરોની અવરજવરને ધ્યાનમાં રાખીને અમદાવાદ-વડોદરા-સુરત-મુંબઇ સેન્ટ્રલ વચ્ચે ૨૦ કોચની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડાવવાનો ર્નિણય લીધો હતો.નવી વંદે ભારત ટ્રેનમાં વધારાના ચાર કોચ એટલે કે ૨૦ કોચવાળી વંદે ભારત ટ્રેનને આજે ૧૩૦ કિલોમીટરની ઝડપે દોડાવી ટ્રાયલ રન લેવામાં આવી છે. સવારે ૭ વાગ્યે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી પશ્ચિમ રેલવેના ઇજનેરો અને ઉચ્ચ અધિકારીઓની આગેવાનીમાં ટ્રેનની ટ્રાયલ રન શરૂ કરવામાં આવી હતી. અમદાવાદથી જ ૧૩૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ટ્રેનને દોડાવવામાં આવી હતી.અમદાવાદ- સુરત-મુંબઈ વચ્ચે બે વંદે ભારત ટ્રેન ચાલે છે. તેની સરેરાશ સ્પીડ ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની છે. જે ટ્રેન ૫.૩૦ કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચાડે છે. ૨૦ કોચવાળી નવી વંદે ભારત ટ્રેન હવે ૧૩૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. 

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution