અમદાવાદ-
ધોલેરા તાલુકાના રાહ તળાવ ગામના માધાભાઈ અને તેમના પુત્ર પ્રહલાદ ભાઈ સાંગાસર ગામે મજૂરી કામ કરતા હતા. જે મજુરી કામના પૈસા લઈ પરત ફરતા ધોલેરા ભાવનગર હાઈવે પર આવેલા તુલસી હોટલ પાસે બાઈક સવાર પિતા-પુત્રને કાર ચાલકે ટક્કર મારતા પિતા-પુત્રને ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા. કારચાલક અકસ્માત સર્જી ભાગી છૂટ્યો હતો. જ્યારે અકસ્માત ઘટનાની ધોલેરા પોલીસને જાણ થતા ધોલેરા પી.એસ.આઇ એન.આઈ.ચાવડા પોલીસ સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામનાર પિતા માધાભાઈ ચીથરભાઈ જમોડ અને પુત્ર પ્રહલાદભાઈ માધાભાઈ જમોડના અકસ્માતમાં મોત થયાના સમાચાર ગામમાં પ્રસરતાં જમોડ પરિવારમાં શોકનો માતમ છવાયો હતો. ધોલેરા પોલીસે અકસ્માતમાં મૃત્યુ પામેલ પિતા-પુત્રના મૃતદેહનો કબ્જો લઈ ધંધુકા રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડ્યા હતા. અકસ્માત ઘટના અંગે ધોલેરા પોલીસમાં ફલજીભાઈ ચીથરભાઈ જમોડ દ્વારા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે અંતર્ગત ધોલેરા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.