ભરૂચ, ગુજરાતમાં આદિવાસીઓની જમીન પચાવી પાડવામાં આવે છે. આદિવાસીઓની સંસ્કૃતિ ખતમ કરી નાખવામાં આવે છે.દેશમાં સૌથી વધુ સ્થળાંતર આદિવાસીઓ કર્યા છે. સિડયૂલ્ડ ૫ નું અમલીકરણ થતું નથી. આદિવાસીઓની લડાઈ ભાજપ કે કોંગ્રેસ નહિ પણ છોટુભાઈ વસાવા જ લડી શકે તેમ બિટીપી સાથે ગઠબંધન થયા બાદ ગુજરાતના પ્રવાસે આવેલ એ આઈ એમ આઈ એમ ના સુપ્રિમો અસઉદ્દીન ઓવૈશીએ ભરૂચની મનુબર ચોકડી ખાતે જાહેર સભાને સંબોધતા કહ્યું હતું.
બિટીપી અને એ આઈ એમ આઇ એમના ગઠબંધન ઘ્વારા ભરૂચની મનુબર ચોકડી ખાતે જાહેરસભાનું આયોજન થયું હતું. જાેકે સવારે ૧૦ઃ૩૦ કલાકે શરૂ થનાર જાહેર સભા લોકોની પાંખીહાજરીના કારણે ત્રણ કલાક મોડી શરૂ થઈ હતી. બિટીપીના સુપ્રિમો છોટુભાઈ વસાવા અને તેમના પુત્ર મહેશભાઈ વાસવાની ઉપસ્થિતિમાં ચાર થી પાંચ હજારની મેદની થતા શરૂ થયેલી જાહેરસભામાં ઓવૈશીએ બિટીપીના સુપ્રિમો છોટુભાઈ વસાવા અને મહેશ વસાવા ના ગુણગાન ગાયા હતા.
ઓવૈશીએ કહ્યું હતું કે ગુજરાતમાં આદિવાસીઓની જમીન પચાવી પાડવામાં આવે છે. તેમની સંસ્કૃતિ ખતમ કરવામાં આવે છે. સિડયૂલ્ડ ૫ નો અમલ થતો નથી. આદિવાસીઓ માટેની લડાઈ માત્ર છોટુભાઈ વસાવા જ લડી શકે છે. આ ગઠબંધન માત્ર ચૂંટણી પૂરતું નથી. આદિવાસીઓની જમીન ન છીનવાય, દલિતો પર અત્યાચાર ન થાય, સંવિધાનના હક્કો મળે તે માટે ગઠબંધન છે તેમ કહી ઓવૈશી એ ઉમેર્યું હતું કે આઝાદી, સમાનતા, ન્યાય, ભાઈચારો મેળવવો હોય તો તમારા ભવિષ્યનો ર્નિણય તમારે જાતે જ કરવો પડે.