લેખકઃ સુનિલ અંજારિયા |
અમે રાત્રે ૧૦ વાગે ઉપડતી ફ્લાઇટ દ્વારા ચેન્નાઇ ગયાં. ત્યાં રાત્રે ૧૨-૩૦ વાગે પહોંચી એરપોર્ટ પર જ રાત્રી વિતાવી. સવારે ૭ વાગે અમારી પોર્ટ બ્લેર જતી ફ્લાઇટ હતી. એરપોર્ટના વોશરૂમમાં જ ફ્રેશ થઈ ત્યાં જ કોફી તથા બ્રેકફાસ્ટ પતાવ્યાં. હવે આખી બે કલાકની મુસાફરી ગાઢ ભૂરા રંગના અફાટ સમુદ્ર પરથી કરી, જે એક આલ્હાદક અનુભવ હતો.
પોર્ટ બ્લેર શહેરમાંથી સિમેન્ટ કોંન્ક્રીટના સ્વચ્છ રસ્તાઓ, બંને બાજુ નારીયેળીઓથી વૃક્ષાચ્છાદિત રસ્તે થઈને, ત્યાંથી લૉન્ચમાં બેસી અર્ધો કલાક સફર કરી રોસ આઇલેન્ડ પહોંચ્યાં. રસ્તો આખો હારબંધ દુકાનો, સુંદર રસ્તાઓ અને ફરી બપોરના ચમકતા સમુદ્રનાં દ્રશ્યો માણતા ગયાં.
રોસ આઇલેન્ડ પર જુનાં બ્રિટિશરોનાં મકાનો, ઘણાંખરાં ત્યજી દેવાયેલી હાલતમાં છે. કોઈ એક મોટા ધરતીકંપમાં અને પછી જાપાન સાથે વિશ્વયુદ્ધ દરમ્યાન બધી જ ઇમારતો નાશ પામેલી. ત્યાં એક ચર્ચ અને નવેસરથી ઉભી કરેલી સરકારી ઓફિસો હતાં. ખૂબ સુંદર બગીચો હતો અને સહેલાણીઓ ઈચ્છે તેમ ફરી શકતાં હતાં. વચ્ચે હરણનાં બચ્ચાં પણ ફરતાં હતાં જેને લોકો ગલુડીયાંની જેમ તેડતા પણ હતાં.
નજીકમાં મેન્ગૃવ કહેવાતી દરિયાઈ વનસ્પતિથી બોર્ડર કરી રક્ષાએલો આખો માત્ર સફેદ રેતીનો બીચ હતો. લગભગ બે કલાક ત્યાં પસાર કરી ફરી જેટી પર ગયાં
ત્યાંથી ૪ વાગે ઉપડી પોર્ટ બ્લેરના સ્થાનિક બીચ પર ૪-૩૦ વાગે ગયાં. તે જગ્યા આંદામાનનાં સેન્ટ્રલ ગવર્નમેન્ટનાં તંત્ર દ્વારા સારી રીતે મેઇન્ટેઇન થાય છે. અમે દરિયામાં ખાલી પગ બોળ્યા અને સફેદ રેતીમાં થોડું બેઠાં.
૪-૫૦ વાગે તો સૂર્યાસ્ત થઈ ગયો! અને અહીં સંધ્યા ખીલવા જેવું કશું નહોતું. વિષુવવૃત્ત નજીક હોવાથી સૂર્ય ડૂબે એટલે સીધું પાંચ મિનિટમાં કાળુંધબ્બ અંધારું!
પછી પોર્ટ બ્લેર શહેર અને હેવલોક આઇલેન્ડ જવાનું હતું. હેવલોક આઇલેન્ડ પર રાધાનગર બીચ નજીક રિસોર્ટમાં રાતવાસો હતો.
પ્રથમ ગયાં સેલ્યુલર જેલ જાેવા. સ્વાતંત્ર્યસેનાનીઓએ વેઠેલાં કષ્ટો, તેમને થતી અમાનવીય સજાઓ, ફાંસીની કોટડી, મર્યા પછી ત્યાં સહુની સામે અપાતો અગ્નિદાહ- એ બધું ગાઈડે સાથે ફરી બતાવ્યું. આ બધી યાતનાઓનો સાક્ષી એક ૧૫૦ વર્ષ જૂનો પીપળો જેલનાં કમ્પાઉન્ડમાં આજે પણ ઉભો છે. તેને એકથી બીજી જગ્યાએ આખો શિફ્ટ કરવામાં આવ્યો છે.
ત્યાંથી સાગરિકા મ્યુઝીયમ જાેવા ગયાં. તેમાં ત્યાંની આદિવાસી પ્રજાની રહેણીકરણી બતાવતાં મોડેલો, બોટ બનાવાતી, અલગ અલગ જાતની બોટ, જાળ વગેરે બતાવ્યું છે. બહાર ગળચટ્ટા ગોલ્ડન નારિયેળ પાણીનો સ્વાદ માણ્યો.
આ ઉપરાંત ચલથાણની લાકડાં વહેરતી સો-મિલ પણ જાેવા જેવી છે. ત્યાં થતાં મજબૂત અને વિશાળ વૃક્ષોનાં થડ જરૂરિયાત મુજબ વહેરીને વિવિધ આકારો આપવામાં આવે છે.
સાંજે અમારા હેવલોક આઇલેન્ડ પરના રિસોર્ટથી વીસેક મિનિટ ચાલીને રાધાનગર બીચ પહોંચ્યાં. ખૂબ સુંદર બીચ, નજીક અલગ જાતનાં દરિયાઈ વૃક્ષો જાેયાં. ભરતીનાં મોજાંઓ ઉપર કુદવાની અને પાછળ પછડાવાની મઝા અલગ જ હતી.
૪-૪૫ વાગતાં તો ફરી ઘોર અંધારું થઈ ગયું. ચોકીદારે જાેતજાેતામાં સિસોટીઓ મારી બીચ ખાલી કરાવી નાખ્યો. અમે સાંજે ૫ વાગે ઘોરતમ અંધારે જ રિસોર્ટ પહોંચ્યાં. એ ગાઢ અંધકારનું વર્ણન થઈ શકે તેમ નથી. અતિ બિહામણું. કાંઈ ન હોય તો પણ ચિત્રવિચિત્ર વસ્તુ સામે છે તેવો ભાસ થાય. મોબાઇલની ટોર્ચના સહારે રિસોર્ટ પહોંચ્યાં.
રાત્રે જાેરદાર વરસાદ પડ્યો. તેનો રિસોર્ટનાં મોટાં પાંદડાંવાળાં વૃક્ષો પર પડતો અવાજ કોઈ ધોધની ગર્જના જેવો લાગતો હતો.
સવારે ૫-૪૫ વાગે સૂર્યોદય થયો. નવી જ જાતનાં પક્ષીઓના સુરીલા અવાજાે સાથે ઊઠ્યાં. એ પક્ષીઓ પણ અનેકવિધ રંગનાં હતાં.
અહીં સરકારે ખૂબ નજીવા દરે વિશાળ જમીનો વેંચી, તેને ખેતી માટે વિકસાવી છે. શેરડી, ચોખા, નારિયેળ, સોપારી અને કદાચ ચા નું પણ ઉત્પાદન થાય છે. એક પોસ્ટ ઓફિસ, સ્કૂલ, કેટલાક ખાનગી બંગલાઓ અને સરકારી ઓફિસો પણ જાેઈ.
ત્રીજે દિવસે ભરતપુર બીચ ગયાં. ત્યાં અન્ડર વૉટર ૨૦ મિનિટની વૉકમાં પરવાળા, અકલ્પનિય રંગો અને કદ, આકારની માછલીઓની સૃષ્ટિ માત્ર ૧૫ ફૂટ ઊંડે જાેઈ.
પાણી નીચે મોંએથી શ્વાસ લેવો ફાવે તેમને માટે સ્નોર્કેલિંગ ૭૦૦ રૂપિયામાં હતું. મને તો ફાવ્યું નહીં પણ મારા પુત્રે તે કરી માત્ર થોડા જ ઊંડે, ડિસ્કવરી ચેનલ કે સારી ડોક્યુમેન્ટરીમાં પણ ન જાેઈ હોય તેવી દરિયાઈ સૃષ્ટિ જાેઈ.
અન્ડરવૉટર વૉક માટે ૩૦ કિલો વજનનો ટોપો પહેરી ઓક્સિજનની ટાંકી સાથે પાઇપમાંથી શ્વાસ લેતાં ટ્રેઇન્ડ ગાઈડ સાથે સહુએ હાથ પકડીને જ રહેવાનું હોય છે. આપણને ખબર પણ ન પડે કે ક્યાં કિનારા પાસેની ખંડિય છાજલી, આશરે ૩૦ ફૂટ જેટલી જ ઊંડી, પુરી થઈ અને કયારે અફાટ, અગાધ ઊંડાઈ ધરાવતો દરિયો શરૂ થયો. એ ૧૫ ફૂટ પછી ઓચિંતી ૩૦૦૦ ફૂટ કે વધુ ઊંડાઈ હોઈ શકે!
અહીં દરિયો પૂરો પારદર્શક હતો. માત્ર થોડા ફૂટ અંદર આવી અદભુત સૃષ્ટિનું અસ્તિત્વ છે એ જાેઈએ તો જ માની શકાય.