લેખક : કેયુર જાની |
શસ્ત્રક્રિયા કરનાર ડોક્ટર માટે અંગ્રેજી ભાષામાં શબ્દ છે ‘સર્જન’. ગ્રીક ભાષામાં હાથ માટે શબ્દ છે ખૈર અને કામ માટેનો શબ્દ છે અરજન. ફ્રેન્ચમાં આ બંને શબ્દોની સંધિથી સુરૈરજીયન શબ્દ બન્યો, જેમાં ફ્રેન્ચ અને ગ્રીક ભાષાનો સમન્વય છે. સુરૈરજીયન એટલે હાથથી સ્પર્શ કરીને કામ કરનાર. તેના પરથી સર્જન શબ્દ આવ્યો. સર્જન ડોક્ટર મતલબ દર્દીને હાથથી સ્પર્શ કરીને નિદાન કરનાર. દર્દમાં હોય તે દર્દી. તેને દર્દમાંથી બહાર કાઢવા માટે સ્પર્શ કરી ચકાસે અને તે પછી હાથમાં ઓજાર લઇ શસ્ત્રક્રિયા કરે તે સર્જન.
ગ્રીક ભાષામાં સ્પર્શથી ચિકિત્સાનો પૌરાણિક ઇતિહાસ છે. સ્પર્શથી થતી ચિકિત્સા હીલિંગ કહેવાય છે. ગ્રીક દેવતા એસ્ક્લેપિયસ સ્પર્શ ચિકિત્સાના દેવતા છે. તે હીલિંગના જનક છે. આજના સર્જન ડોક્ટરની આધુનિક ચિકિત્સા પધ્ધતિનો ઇતિહાસ ગ્રીક દેવ એસ્ક્લેપિયસ સાથે જાેડાયેલો છે.
ચિકિત્સા માટે સ્પર્શને ખુબ મહત્વનો મનાય છે. સ્પર્શથી દર્દીમાં બિમારીમાંથી બહાર આવવાની સંકલ્પશક્તિ વધે છે. તે સુરક્ષાનો અનુભવ કરે છે. દર્દી માનસિક રીતે મક્કમ બને છે. રોગપ્રતિકારક શક્તિ વધે છે. સ્પર્શ માનવને ભાવનાત્મક, માનસિક તેમજ શારીરિક ત્રણે પ્રકારે અસર કરે છે. માનવજીવન માટે જેમ હવા,પાણી અને ખોરાક એ ત્રણ મૂળભૂત જરૂરિયાતો છે, તેમ સ્પર્શ ચોથી જરૂરિયાત છે.
જન્મજન્મ સાથે જ દરેક નવજાત શિશુની પ્રથમ જરૂરિયાત માનો સ્પર્શ હોય છે. માનો સ્પર્શ મળ્યા બાદ તે શાંત થાય છે. નવજાત શિશુને તેની માની ઓળખ માટે સૌથી વિશ્વાસપાત્ર માધ્યમ સ્પર્શ હોય છે. જીવનચક્રની શરૂઆત સ્પર્શથી થાય છે.માનું ધાવણ મળે તે પહેલાં માનો સ્પર્શ અને આલિંગન નવજાત શિશુને મળતું હોય છે.
જીવન શરુ કરવા માટે શ્વાસ લેવો પહેલું ચરણ હોય છે. સ્પર્શ બીજા ક્રમે આવે છે. તે બાદ આહારનું ચરણ ત્રીજું હોય છે. પહેલા સંપર્ક પછી જાેડાણ અને તે બાદ લાગણી તેમ સ્પર્શના ત્રણ તબક્કા છે. આ તબક્કાઓ દ્વારા નવજાત બાળક અને મા વચ્ચે મમતાનો સંવાદ શરુ થાય છે. જેમાં સ્પર્શ જ એકમાત્ર ભાષાનું માધ્યમ હોય છે.
માણસ તેના જીવનચક્રમાં સૌથી પહેલી ભાષા સ્પર્શની સમજતો થાય છે. નવજાત શિશુ જેમ જેમ મોટું થાય છે. તેમ તેની ઉંમર વધતા અન્યના સ્પર્શનું પ્રમાણ ઘટતું જાય છે. પરંતુ માણસ માટે સ્પર્શ તેની જીવનભરની અમિટ જરૂરિયાત છે. માનવ માટે સ્પર્શ તે ત્વચાની ભૂખ હોય છે જે મન તેમજ આત્માને તૃપ્ત કરે છે.
વૃદ્ધત્વમાં જીવનસાથીના દેહાંત બાદ સ્પર્શથી વંચિત રહેવાની સ્થિતિ આવે છે. વૃધ્ધત્વની એકલતામાં બિમારી દરમ્યાન ફેમિલી ડોક્ટર સિવાય ક્યારેક વર્ષો સુધી અન્ય કોઈનો સ્પર્શ થતો નથી. માણસ ઉપર તેની સીધી ભાવનાત્મક અસર જાેવા મળે છે. સ્પર્શના અભાવથી તેના વર્તનમાં બદલાવ જાેવા મળતો હોય છે.
વિશ્વ આખામાં પરસ્પર સ્પર્શની એક ભાષા છે. માનવ સંસ્કૃતિએ સ્પર્શની ભાષાના કેટલાક નિયમ ઘડેલા છે. જેનું પાલન જરૂરી છે. યુરોપમાં બે વ્યક્તિ મળે ત્યારે હાથ મિલાવવાની પરંપરા છે. વ્યક્તિઓ હાથ મિલાવીને પોતાની ઉષ્માની આપ-લે કરે છે. આરબ દેશમાં બે વ્યક્તિઓ એકબીજાના નાકને નાક સ્પર્શ કરાવીને મળે છે. કેટલાક યુરોપના દેશમાં એકબીજાના ચહેરાને નજીક લાવી ગાલનો સ્પર્શ કરાવીને અભિવાદન કરવાની પ્રથા છે. ન્યુઝીલેન્ડના નાગરિકો મળે તો એકબીજા સાથે નાકના ટેરવા ઘસીને સ્પર્શ કરે છે. ઝામ્બિયા અને રવાન્ડા જેવા દેશમાં મળતી વખતે એકબીજાના કપાળથી કપાળને સ્પર્શ કરાવવાનો રિવાજ છે. ઝિમ્બાબ્વે અને મોઝામ્બિકમાં એકબીજાને તાળીનો સ્પર્શ આપીને મળવામાં આવે છે. ગ્રીનલેન્ડના ગોરાઓ મળે ત્યારે પરસ્પર એકબીજાના ચહેરા ઉપર નાકનો સ્પર્શ કરાવી ચહેરો સૂંઘે છે. ભારતમાં પણ સ્પર્શ કરવામાં આવે છે. વડીલોને મળીને ચરણ સ્પર્શ કરવામાં આવે છે.
દેશ અને સંસ્કૃતિ પ્રમાણે દેશની ભાષા બદલાય છે. હથેળી, ચહેરો, નાક, ગાલ, માથું, ચરણ જેવા તમામ અંગોને અલગ અલગ સંસ્કૃતિના માનવોએ સ્પર્શની ભાષા આપેલી છે. જયારે આલિંગન તે સ્પર્શની સૌથી મજબૂત ભાષા છે અને વિશ્વસનીય પાસું છે. કેમકે તેમાં હૃદયથી હૃદયનો સ્પર્શ થાય છે.
સ્પર્શની ભાષાથી માણસ તેટલો વાકેફ હોય છે કે અજાણ્યા વ્યક્તિના બદઇરાદાપૂર્વકના સ્પર્શનો સંકેત તરત મેળવી લે છે. સ્પર્શમાં બદઇરાદાને માણસ સ્વીકાર કરી શકતો નથી. સ્પર્શ માટેની એક વૈશ્વિક શિસ્ત માનવ સ્વભાવમાં વિકસી છે. જેને દરેક દેશે કાયદાનું સંરક્ષણ પણ આપ્યું છે. સ્પર્શનો આ વૈશ્વિક નિયમ છે સંમતિનો. પરસ્પર સંમતિથી જ સ્પર્શ સ્વીકાર્ય છે. અસંમતિનો સ્પર્શ વિશ્વની કોઈ દેશમાં કે સભ્યતામાં સ્વીકાર્ય નથી. કેમકે સ્પર્શ પવિત્ર બાબત છે જેમાં વિકારનો સ્વીકાર નથી.