ટોક્યો-
પ્રમોદ ભગતે ટોક્યો પેરાલિમ્પિક્સમાં નવમા દિવસે બેડમિન્ટનમાં પુરુષ સિંગલ્સ સ્પર્ધા એસએલ ૩ માં યુક્રેનિયન ખેલાડી એલેક્ઝાન્ડર ચિરકોવને ૨-૦થી હરાવ્યો હતો. આ જીત સાથે પ્રમોદ સેમિફાઇનલમાં પહોંચ્યો હતો. તેમના પહેલા રાહુલ જાખર ૨૫ મીટર પિસ્તોલ એસએચ-૧ મિશ્રિત સ્પર્ધામાં મેડલ જીતવામાં ચૂકી ગયા હતા. રાહુલ અંતિમ મેચમાં પાંચમા સ્થાને રહ્યો હતો.
અન્ય રમતોમાં પ્રાચી યાદવે કેનોઇ સ્પ્રિન્ટમાં શાનદાર શરૂઆત કરીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે બેડમિન્ટનમાં સુહાસએ જર્મન ખેલાડીને સીધા સેટમાં ૨-૦થી હરાવીને પોતાનું વર્ચસ્વ ચાલુ રાખ્યું. તરુણ ઢિલ્લોન પણ તેની મેચ ૨-૦થી જીતવામાં સફળ રહ્યો. ગ્રુપ બીની મેચમાં બેડમિન્ટન મેન્સ સિંગલ્સ એસએચ-૬ ઇવેન્ટમાં પણ ક્રિષ્ના નગરે મલેશિયાના દીદિન તારાસોહને સીધા સેટમાં ૨૨-૨૦ અને ૨૧-૧૦થી હરાવીને આગલા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે પલક કોહલીએ તુર્કીની ખેલાડી ઝેહરા બાગલરને સીધા સેટમાં હરાવીને બેડમિન્ટનની મહિલા સિંગલ્સ એસયુ-૫ ઇવેન્ટની ગ્રુપ મેચમાં ૨-૦થી જીત નોંધાવી હતી.
તાઈક્વાન્ડોમાં અરુણા તંવરને ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બેડમિન્ટનની મહિલા ડબલ્સ સ્પર્ધામાં પલક કોહલી અને પારુલ પરમારની જોડી હારી ગઈ હતી. આ સિવાય પારુલ મહિલા સિંગલ્સ મેચમાં પણ હારી ગઈ હતી.
પારૂલ-પલક બેડમિન્ટનમાં નિરાશ
મહિલાઓની મિશ્ર બેડમિન્ટન સ્પર્ધામાં ભારત નિરાશ થયું હતું. ભારતીય શટલર્સ પલક કોહલી અને પારુલ પરમારને હુઇહુઇ અને ચેંગની વિશ્વ-ક્રમાંકિત ચીની જોડીએ સીધા સેટમાં પરાજય આપ્યો હતો. ચીનના ખેલાડીઓએ આ મેચ ૨-૦થી જીતી હતી. હવે ભારતીય જોડી તેમની આગામી ગ્રુપ મેચ ૩ સપ્ટેમ્બરે રમશે.