ગાંધીનગર-
દેશમાં સૌથી વધુ હાઉસિંગ સેટીસ્ફેક્શન રેશિયો ગુજરાતમાં છે. અને અમે તેને ૮૭ ટકા સુધી લઈ ગયા છીએ. આ સેક્ટરમાં હવે નવા પદની રચના થઈ છે અને નવા મકાન પણ બની રહ્યાં છે. તેમણે વધુમાં કહ્યું કે, એક સમય એવો હતો કે, ગુજરાતને લોકો કરફ્યૂ કેપિટલ કહેતા હતા, પરંતુ ગુજરાતમાં આજના વીસ વર્ષના યુવકે પોતાના જીવનમાં અત્યાર સુધી કરફ્યૂ જાેયો નથી. પોરબંદર હોય કે કચ્છની સરહદ હોય, બનાસકાંઠા હોય કે પછી મહારાષ્ટ્રને અડીને આવેલ ડાંગ અને વલસાડ જિલ્લા હોય, દરેક જગ્યાએ કાયદો અને વ્યવસ્થા યોગ્ય રીતે ચાલી રહ્યા છે. આ જ કારણે ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં હરણફાળ વધારો થયો છે. વિકાસમાં ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીમાં પ્રમુખ સ્થાનોમાં આવે છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં સાડા પાંચ કરોડના ખર્ચે નવનિર્મિત ૬ પોલીસ સ્ટેશન અને નાયબ પોલીસ અધિક્ષક કચેરીના વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતીને વધુ સુદ્રઢ કરવાના અનેક નવતર આયામો અપનાવી રાજ્ય સરકારે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કાયદો વ્યવસ્થાની સ્થિતીમાં આમૂલ ચૂલ પરિવર્તન કર્યુ છે તે માટે ગૃહમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ ગૃહમંત્રીએ જણાવ્યું કે, ભૂતકાળમાં ગુજરાતની છબી કરફ્યૂ કેપિટલ અને છાશવારે રમખાણો થતા રાજ્યની હતી. હવે, રાજ્ય પોલીસે અદ્યતન ટેકનોલોજી, કૌશલ્યવર્ધન યુકત કર્મીઓની સમયબદ્ધ ભરતી, ગુજસિટોક જેવા કાનૂની ઢાંચાને નક્કર સમર્થનથી ગુજરાતને શાંત, સલામત, સુરક્ષિત અને વિકસીત રાજ્યની ઓળખ અપાવી છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી જ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિમાં પરિવર્તન કરવાના દીઘદ્રર્ષ્ટિથી અનેક કાર્યો થયા છે. રથયાત્રામાં એક સમયે થતા રમખાણો હવે બંધ થઈ ગયા છે. રાજ્યમાં સાંપ્રદાયિક રમખાણો હવે થતા નથી અને રાજ્યની જનતા શાંતિનો અનુભવ કરી રહી છે.