સમગ્ર દેશમાં ચકચાર મચાવનાર વડોદરાના હરણી ખાતેના મોટનાથ તળાવ સ્થિત લેકઝોનમાં ૧૮મી જાન્યુઆરી-૨૦૨૪ની ઢળતી સાંજે સર્જાયેલા બોટકાંડમાં શાળાના ૧૨ વિદ્યાર્થીઓ અને ૨ શિક્ષિકાઓ સહિત ૧૪ વ્યક્તિના ડૂબી જવાના કારણે મોત નિપજવાના ગોઝારા બનાવને આવતીકાલે એક વર્ષ પુરુ થશે. તંત્રના ઘોર પાપે સર્જાયેલા પરોક્ષ હત્યાકાંડ સમા ‘હરણી બોટકાંડ’ની તમામ દૃશ્યો હજુ પણ શહેરીજનોના માનસપટ પર અંકિત થયેલા છે જયારે બોટકાંડમાં હોમાયેલા નિર્દોષ મૃતકોના પરિવારજનોની વેદના અને ચિત્કાર હજુ પણ શમ્યા નથી પરંતું સમગ્ર બનાવના કડવી વાસ્તવિકતા એ છે કે લેકઝોનમાં જે બોટના કારણે દુર્ઘટના સર્જાઈ હતી તે બોટ જ માત્ર હરણી પોલીસ મથકમાં ‘કેદ’ છે જયારે આ ઘટનામાં જવાબદાર મનાતા તમામે તમામ ૨૦ આરોપીઓ જેલમાંથી જામીન મુક્ત થઈ ગયા છે, એટલું જ નહી તે પૈકીના ૧૫ આરોપીઓએ તો પોતે નિર્દોષ છે તેવી દલીલો સાથે આ કેસમાંથી મુક્ત કરવા કોર્ટમાં અરજી કરી છે જેની સુનાવણી હાલમાં ચાલુ છે. ન્યાયતંત્ર ભલે ગમે તે ચુકાદો આપે પરંતું આરોપીઓ કુદરતના ન્યાયથી તો ક્યારેય નહી બચે તેમ મૃતકોના પરિવારજનોનું દ્રઢતાપૂર્વક માનવું છે.
હરણી ખાતેના લેક ઝોનમાં ગત ૧૮-૦૧-૨૦૨૪ના સવારે વાઘોડિયારોડની ન્યુ સનરાઈઝ સ્કૂલના ધો.૧થી ૬ના વિદ્યાર્થીઓએ પ્રવાસે આવ્યા હતા. પ્રવાસ પૂરો થતાં અગાઉ બપોરે સાડા ચાર વાગ્યાના અરસામાં લેક ઝોનમાં આવેલા તળાવમાં બોટીંગ કરવા માટે લેક ઝોનના બોટ ઓપરેટરોએ ૧૬ સીટરની બોટમાં ૨૩ વિદ્યાર્થીઓ, ચાર શિક્ષિકાઓ તેમજ લેક ઝોનના બે ઓપરેટરો સહિત ચાર કર્મચારીઓ બેઠા હતા. બોટમાં ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવાનો તેમજ દસ વિદ્યાર્થીઓને લાઈફ જેકેટ વિના બોટીંગ કરાવવાનો એક શિક્ષિકાએ વિરોધ કર્યો હતો પરંતું બોટ ઓપરેટરોએ ‘ મેડમ કશું નહી થાય આ તો અમારે રોજનું છે’ તેમ કહીને બેસાડયા હતા અને વધુ પડતા ભારના કારણે બોટ ડુબી ગઈ હતી જેના કારણે ૧૨ વિદ્યાર્થીઓ અને બે શિક્ષિકા સહિત કુલ ૧૪ના મોત નિપજયા હતા.
આ ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર જગાવી હતી અને રાજયના મુખ્યમંત્રી અને રાજ્ય ગૃહમંત્રી પણ મોડી સાંજે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ બનાવની મેસર્સ કોટિયા પ્રોજેક્ટના મહિલાઓ સહિત કુલ ૧૫ સંચાલકો-ભાગીદારો-ડાયરેકટરો તેમજ હરણી ઝેનલોકના મેનેજર અને બોટના બે ઓપરેટરો સહિત ૧૮ આરોપીઓ વિરુધ્ધ વડોદરા મહાનગર સેવાસદનના તત્કાલીન કાર્યપાલક ઈજનેર રાજેશ રમણભાઈ ચૈાહાણે હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાની પ્રાથમિક તપાસમાં ૧૮ પૈકીના એક આરોપી હિતેષ કોટિયાનું બે વર્ષ પહેલા અવસાન થયું હોવાની વિગતો સપાટી પર આવી હતી જયારે લેકઝોનનું પડદા પાછળ સમગ્ર સંચાલન પરેશ શાહ અને નિલેશ જૈન કરતા હોવાની તેમજ તેઓની પાસેથી અલ્પેશ હસમુખ ભટ્ટે પેટા કોન્ટ્રાક્ટ લીધો હોવાની વિગતો મળતાં પોલીસે આ ત્રણેય આરોપીઓનો પણ આ ગુનામાં ઉમેરો કર્યો હતો અને આમ આ કેસમાં હાલમાં ૨૧માંથી હયાત ૨૦ આરોપીઓ સામે પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી છે જેની કાર્યવાહી પેન્ડીંગ છે. ઉલ્લેખનીય છે કે આ પૈકીના ૧૫ આરોપીઓએ પોતે નિર્દોષ છે તેવી દલીલ સાથે અત્રેની સેશન્સ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી છે જેની સુનાવણી પેન્ડીંગ છે અને આ અરજીના આખરી ચુકાદા બાદ હોડી કાંડનો ખટલો આગળ ચલાવવામાં આવશે તેમ મૃતકોના પરિવારજનોના વકીલ હિતેષ ગુપ્તાએ જણાવ્યું હતું. જાેકે એક વર્ષ વિતી જવા છતાં આજે પણ હોડીકાંડના મૃતકોની આંખોના આંસુ સુકાયા નથી કે તેઓની વેદનાનો ચિત્કાર શમ્યો નથી, હોડીકાંડના જવાબદારોને કડકમાં સજા થાય અને પોતાના સ્વજનો ગુમાવવા બદલ પુરુતુ વળતર મળે તે માટે આજે પણ તંત્ર સામે લડત લડી રહ્યા છે. જાેકે આવી કરુણ પરિસ્થિતિની બીજી બાજુ કડવી વાસ્તવિકતા એ છે કે હોડી કાંડ જે બોટના કારણે સર્જાયેલો તે મોતની બોટ આજે પણ કેદ સ્વરૂપે હરણી પોલીસ મથકના પ્રાગણમાં મુકી રાખવામાં આવી છે જયારે આ ગોઝારા કાંડમાં જવાબદાર મનાતા તમામે તમામ ૨૦ આરોપીઓ હાલમાં જામીન મુક્ત થતા બહાર ફરી રહ્યા છે..
પાલિકા દ્વારા બે એન્જિનિયરોને
ટર્મિનેટ અને સસ્પેન્ડ કર્યા હતા
હરણી લેક ઝોન ખાતે સર્જાયેલી ગોઝારી હોડી દુર્ધટનામાં ૧૨ માસુમ બાળકો સહિત ૧૪ના મોંત નિપજ્યાં હતા. આ ધટનાને આવતિકાલે એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા આ દુર્ધટના બાદ પાલિકા તંત્ર દ્વારા લેકઝોન બંધ કરાવીને કોટીયા પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ રદ્દ કરવાની સાથે જેતે સમયે ૬ અધિકારીઓને નોટીસ આપી હતી. જાેકે, જેતે સમયે લેકઝોનની જવાબદારી કોની તે અંગે પણ પાલિકામાં ખોખોની રમત શરૂ થઈ હતી. મ્યુનિ. કમિશનરે હોડી દુર્ઘટનાના ર૯મા દિવસે પાલિકાતંત્રે એક્શન લતેાં ફ્યુચરિસ્ટિક સેલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતાં એડિશનલ આસિ. એન્જિનિયર મિતેષ માળીને ટર્મિનેટ અને ઉત્તર ઝોનના એડિશનલ આસિ. એન્જિનિયર જિગર સયાનિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત તાજેતરમાં ફ્યુચરીસ્ટીક સેલના જેતે સમયના કાર્યપાલક ઈજનેર રાજેશ ચૌહાણ નિવૃત્ત થયા છે. ત્યારે તેઓ પણ ફરજ પર બેદરકારી હોવાનું કસુરવાર સાબીત થતાં તેમના પેન્શન માંથી આજીવન ૫૦૦૦ કાપ કરવાનો દંડ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, ૧૮મી જાન્યુઆરી ૨૦૨૪ના સાંજે હરણી લેકઝોન ખાતે સર્જાયેલી હોડી દુર્ધટનામાં પ્રવાસ માટે આવેલા વાધોડિયા રોડ પર ન્યુ સનરાઈઝ સ્કૂલના ૧૨ બાળકો અને બે શિક્ષીકાઓના મોત નિપજ્યાં હતા.
નિર્દોષોના મોતના ૨૦ જવાબદારો
હરણી પોલીસે લેકઝોન અને કોર્પોરેશન વચ્ચે થયેલા કરારની કોપી મેળવી હતી જેમાં લેક ઝોનમાં કેટલા ભાગીદારો છે, કોની કેટલી જવાબદારી છે અને કેવી રીતે તેમજ કેટલો હિસ્સો મળશે તેની તમામ વિગતો હતી. આ કરારની કોપીની આધારે પોલીસે મેસર્સ કોટિયા પ્રોજેક્ટના સંચાલકો-ભાગીદારો (૧) બીનીત હિતેષ કોટિયા (૨) હિતેષ કોટિયા (૩) ગોપાલ પ્રાણલાલ શાહ (૪) વત્સલ પરેશ શાહ (૫) દિપેન હિતેન્દ્ર શાહ (૬) ધર્મીલ ગીરીશ શાહ (૭) રશ્મિકાંત ચીમનભાઈ પ્રજાપતિ (૮) જતીનકુમાર હિરાલાલ દોશી (૯) નેહા દીપેન દોશી (૧૦) તેજલ આશિષકુમાર દોશી (૧૧) ભીમસીંગ કુડિયારામ યાદવ (૧૨) વૈદપ્રકાશરામપત યાદવ (૧૩)ધર્મીન ધીરજભાઈ ભટાણી (૧૪) નુતનબેન પરેશ શાહ (૧૫) વૈશાખીબેન પરેશ શાહ (૧૬) શાંતિલાલ ઈશ્વરભાઈ સોલંકી (૧૭) નયન પ્રવિણભાઈ ગોહિલ (૧૮) અંકિત મહેશભાઈ વસાવા (૧૯) પરેશ રમણલાલ શાહ (૨૦) નિલેશ કાંતિલાલ જૈન (૨૧) અલ્પેશ હસમુખ ભટ્ટે સામે ગુનો નોંધ્યો હતો. આ પૈકી હિતેષ કોટિયાનું અવસાન થયું હોઈ બાકીના ૨૦ સામે હોડીકાંડની કાર્યવાહી હાથ ધરાશે.
શાળા સંચાલકો સામે કોઈ જ કાર્યવાહી ના કરાઈ
શહેરના વોર્ડ-૧૫ના ભાજપાના કોર્પોરેટર આશિષ જાેષી જેમના વોર્ડમાંથી સૈાથી વધુ વિદ્યાર્થીઓ હોડીકાંડનો ભોગ બન્યા છે તે શરૂઆતથી જ હોડી કાંડના મૃતકોના પરિવારજનોની વ્હારે આવ્યા છે. આશિષ જાેષીએ જણાવ્યું હતું કે આવતી કાલે હરણી બોટકાંડને એક વર્ષ પુરુ થશે પરંતું હજુ સુધી મૃતક વિદ્યાર્થીઓની શાળાના સંચાલકો સામે કોઈ કાર્યવાહી થઈ નથી. હોડી કાંડના તમામ મૃતકોને શ્રધ્ધાંજલી આપવા અને શાળા સંચાલકોને તેઓની ગંભીર બેદરકારી યાદ અપાવવા માટે તે અને મૃતકોના પરિવારજનો આવતીકાલે સવારે ૮.૪૫ વાગે વાઘોડિયારોડ સુર્યનગર પાસે સનરાઈઝ સ્કુલ ખાતે જશે. ત્યારબાદ બપોરે ૧૨ વાગે તે કોર્પોરેશન ઓફિસ ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે અને બપોરે ૩ વાગે એરપોર્ટ સર્કલથી હરણી લેકઝોન સુધી પગપાળા જઈને શ્રધ્ધાંજલી આપશે.
મ્યુનિ. કમિ.ની તપાસમાં ફરિયાદીની નિષ્કાળજી સપાટી પર આવી
વકીલ હિતેષ ગુપ્તાએ જણાવ્યું હતું કે હોડીકાંડના બનાવની વડોદરા મહાનગર સેવાસદનના તત્કાલીન કાર્યપાલક ઈજનેર રાજેશ રમણભાઈ ચૈાહાણે ૧૮ આરોપીઓ વિરુધ્ધ હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની તપાસમાં પોલીસને ફરિયાદી રાજેશ ચૈાહાણની કોઈ ગુનાહિત બેદરકારી દેખાઈ નહોંતી પરંતું જયારે મ્યુનિ. કમિ.એ તપાસ કરતાં રાજેશ ચૈાહાણની પણ હોડીકાંડમાં ગુનાહિત બેદરકારી હોવાની જાણ થતાં રાજેશ ચૈાહાણની પેન્શનમાંથી પાંચ હજાર કાપી લેવાની સજા કરાઈ છે. રાજેશ ચૈાહાણ સામે દરખાસ્ત હોવા છતાં તેમને આક્ષેપ રહિત છે તેવી નોંધ સાથે નિવૃત્ત થવા દેવા માટે સમય અપાયો હતો અને નિવૃત્તી બાદ હવે પગલાં લેવાયા છે આવી કામગીરી ઘણી સુચક છે.
આ નહીં ભૂલાય
હોડી કાંડના નિર્દોષ મૃતકો
હોડી કાંડ વખતે બોટમાં સ્કુલના આશરે ૨૫ વિદ્યાર્થીઓ અને ૪ શિક્ષિકા બેઠાં હતા અને બોટ ડુબી જતાં આ પૈકીના ૧૨થી ૧૫ વિદ્યાર્થીઓ તેમજ બે શિક્ષિકાને બચાવી લેવાયા હતા જયારે અન્ય કમનસીબો (૧) મુઆવિયા મહંમદજાહીર શેખ -ઉં.૮ (૨) સકીના સોકત અબ્દુલરસીદ શેખ- ઉ.૯ (૩) રૈયાન હારૂનભાઈ ખલીફા –ઉં.૧૦ (૪) આયત અલ્તાફહુસેન મન્સુરી- ઉં.૯ (૫) અલીશા મહંમદ કોઠારીવાલ- ઉં.૯ (૬) નેન્સી રાહુલભાઈ માછી-ઉં.૮ (૭) આસિયા ફારુખહુસેન ખલીફા- ઉં.૧૧ (૮) વિશ્વકુમાર કલ્પેશભાઈ નિઝામા-ઉં.૧૦ (૯) ઋત્વિક પ્રતિકકુમાર શાહ ઉં.૧૦ (૧૦) મહંમદઅયાન મહંમદઅનીસ ગાંધી –ઉં.૧૩ (૧૧) રોશની પંકજભાઈ રામદાસ-ઉં.૧૩ (૧૨) જહાબિયા મહંમદયુનુસ સુબેદાર-ઉં.૧૦ તેમજ બે શિક્ષિકાઓ (૧૩) ફાલ્ગુનીબેન મનીષભાઈ પટેલ-ઉં.૫૮ (૧૪) છાયાબેન હિતેન્દ્રભાઈ સુરતી-ઉં.૫૬ના મોત નીપજ્યાં હતા.
Loading ...