અમદાવાદ-
સોમવાર અને અમાસના અનોખા સમન્વય સમી સોમવતી અમાસ હિંદુ શાસ્ત્રમાં અમાસનું ખાસ અને વિશેષ મહત્ત્વ આંકવામાં આવ્યું છે, પરંતુ અમાસની તિથિ જો સોમવારે આવે તો તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે, ત્યારે આજે સોમવતી અમાસના દિવસે કોરોના વાઇરસને ધ્યાનમાં રાખીને શિવમંદિરોમાં વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે.
ભવિષ્યોત્તર પુરાણમાં સોમવતી અમાસનુ ખૂબ જ મહત્વ આલેખવામાં આવ્યું છે. આ દુર્લભ તિથિએ વિશેષ પુણ્ય કાળનું સર્જન થાય છે અને ત્રણેય લોકના દેવતાઓ આજના દિવસે પવિત્ર નદીઓના જળમાં સમાવિષ્ટ થાય છે. જેથી આજના દિવસે નદીઓમા સ્નાન કરવાથી દેવ પૂજનની સાથે તીર્થ દર્શનનું પણ વિશેષ ફળ પ્રાપ્ત થાય છે.
આ ઉપરાંત સોમવતી અમાસના દિવસે કૃષ્ણના વાસ સમા પીપળાના વૃક્ષનું પૂજન કરવાથી પણ શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય છે. સોમવતી અમાસના દિવસે શિવની સાથે શ્રી હરિની સાધનાને સર્વોત્તમ માનવામાં આવી છે, તો આજના દિવસે પિતૃઓનું તર્પણ કરવાથી તેઓ પણ ખૂબ જ પ્રસન્ન થાય છે. જેના પરિણામે શક્તિ અને સામર્થ્ય થકી ઉન્નતિના માર્ગ પર સર્વને મનવાંછિત ફળ આપતા હોય છે.
સોમવાર અને અમાસનો વિશેષ સંયોગ સર્જાયો છે. જેને લઇને મંદિરોમાં વિશેષ આરતી અને પૂજા કરવામાં આવી હતી. આવતી કાલથી પવિત્ર શ્રાવણ માસની શુભ શરૂઆત પણ થવા જઈ રહી છે. સોમવારના દિવસને શિવ આરાધના માટે મહત્વનો માનવામાં આવે છે, પરંતુ સોમવાર અને અમાસનો સંયોગ સર્જાય તો આવા સમયને શિવ સાધના માટે સર્વોત્તમ માનવામાં આવે છે. આવા પવિત્ર દિવસે સાધકો શિવની આરાધના કરીને શિવકૃપા પ્રાપ્ત કરતા હોય છે.