આજે આંતરરાષ્ટ્રીય માઇગ્રન્ટ ડે....જાણો કેમ મનાવવામાં આવે છે આ દિવસ

લોકસત્તા ડેસ્ક 

આંતરરાષ્ટ્રીય માઇગ્રન્ટ ડે દર વર્ષે 18 ડિસેમ્બરે મનાવવામાં આવે છે. આ દિવસનો હેતુ લોકોનું એ બાબતે ધ્યાન કેન્દ્રિત કરવાનો છે કે દરેક માઇગ્રન્ટ સાથે સન્માનપૂર્વક વર્તન રાખવું તે મૂળભૂત જરૂરિયાતોમાંથી એક છે. આ દિવસ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સામે આવતા પડકાર અને મુશ્કેલીઓ વિશે જાગરૂકતા વધારવાનું લક્ષ્યે રાખે છે.

માઇગ્રન્ટ કોણ છે? 

કોઇ પણ દેશના નાગરિક જ્યારે કામની શોધમાં પોતાના દેશને છોડીને બીજા દેશમાં જઇને વસી જાય છે ત્યારે પ્રવાસી (માઇગ્રન્ટ) કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો કોઇ ભારતીય નાગરિક અમેરિકા, સાઉદી અરેબિયા અથવા કોઇ અન્ય દેશમાં જઇને વસવાટ કરે છે તો તેને માઇગ્રન્ટ ભારતીય કહેવામાં આવે છે. અમેરિકા, ચીન, રશિયા, જાપાન સહિત કેટલાક એવા દેશ છે, જ્યાં મોટી સંખ્યામાં વિશ્વભરના પ્રવાસીઓ વસવાટ કરે છે. 

આંતરરાષ્ટ્રીય પ્રવાસી(માઇગ્રન્ટ) દિવસનો ઇતિહાસ 

18 ડિસેમ્બર, 1990ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ તમામ પ્રવાસી કામદારોના અધિકારો અને તેમના પરિવારના સભ્યોના સંરક્ષણ પર આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કર્યુ. 4 ડિસેમ્બર 2000ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વિશ્વમાં પ્રવાસીઓની વધતી સંખ્યાને માન્યતા આપી અને 18 ડિસેમ્બરના દિવસને આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ તરીકે મનાવવા માટે નક્કી કરવામાં આવ્યો. સપ્ટેમ્બર 2016માં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ શરણાર્થિઓ અને પ્રવાસીઓના મોટા આંદોલનોને સંબોધિત કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય શિખર સંમેલનની યજમાની કરી હતી. શિખર સંમેલનમાં વધારે માનવીય અને સંકલિત અભિગમ સાથે દેશોને એકસાથે લાવવાનું લક્ષ્યી હતું. 

આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ સાથે સંકળાયેલા કેટલાક મહત્ત્વપૂર્ણ તથ્ય

- આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ અથવા તેમના જન્મસ્થળ ધરાવતા દેશ ઉપરાંત કોઇ અન્ય દેશમાં રહેતાં લોકોની સંખ્યા વર્ષ 2019માં 272 મિલિયન સુધી પહોંચી ગઇ હતી. 

- મહિલા પ્રવાસીઓની કુલ સંખ્યાના 48 ટકા છે. 

- અંદાજે તેમાંથી 38 મિલિયન બાળકો છે. 

- ચાર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાંથી ત્રણ કામ કરવાની ઉંમર ધરાવતા એટલે કે ઉંમર 20 થી 64 વચ્ચે હોય છે. 

- વિશ્વભરમાં લગભગ 31 ટકા આંતરરાષ્ટ્રીય પ્રવાસી એશિયામાં, યૂરોપમાં 30 ટકા, અમેરિકામાં 26 ટકા, આફ્રીકામાં 10 ટકા અને ઓશિનિયામાં 3 ટકા છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution