ભ્રમ અને સત્યના ભેદની પાતળી રેખા આજે તેને સમજાઈ

“વિશાલ બેટા.. વિશાલ બેટા.. કપમાંથી ચા નીચે પડી રહી છે.” રામુકાકાના બે ત્રણ બરાડા સાંભળ્યા બાદ વિશાલના વિચારોની શૃંખલા તૂટી.

“અરે, કાકા, લઈ લો આ બધું. આજે ચા પીવાની પણ ઈચ્છા નથી..”

“બેટા, દુનિયામાં કોઈ તકલીફ એવી નથી જેનો ઈલાજ ન હોય!”

“કાકા, શું કરું?આ દિલ અને દિમાગની કશ્મકશથી હું થાકી ગયો છું. કદાચ હું મારી જ ભૂલની સજા ભોગવી રહ્યો છું.”

“પણ વિશાલ બેટા આવી રીતે એકલા એકલા વિચારવાનો અને દુઃખી થવાનો પણ કોઈ મતલબ નથી. હકીકત જાણવા તારે એકવાર હેતાને મળવું જ રહ્યું!”

“તમને લાગે છે કે આટલું બધું થયા બાદ હેતા મને મળવા સહમત થશે? વળી હું તેને ક્યાં શોધું?” છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ વાર તેના ઘરના ચક્કર કાપી ચૂક્યો પણ ઘર બંધ જ હોય છે. આસપાસ પણ કોઈને કશી ખબર નથી હોતી.”

 “બેટા! મારું દિલ કહે છે તારો વર્ષોનો ઇંતજાર પૂરો થશે.”

કાકાની વાત સાંભળી વિશાલ વર્ષો પહેલાની ભૂતકાળની ડગર પર ચાલવા લાગ્યો.

“ઓહ હેતા, આઈ લવ યુ... યાર, તારા વગર મારી દુનિયા સાવ અધૂરી છે. દિલ તો કહે છે કે એક પળ પણ તારાથી દૂર ન રહુ પરંતુ..” હેતાને પાછળથી પોતાની બાંહોમાં ભરતા વિશાલ બોલ્યો.

“પરંતુ શું વિશાલ...? તારા આ કિંતુ પરંતુ સાંભળી કોઈક દિવસ મારું હ્રદય બેસી જશે.”

“રિલેક્સ ડાર્લિગ! તું મારો શ્વાસ છે અને શ્વાસથી તો દૂર રહી કોઈ કેમ જીવી શકે.”

“આ મસ્કા મારવાનું બંધ કર અને કહે લગ્નની તારીખ ફાઈનલ કરી?”

“એ વાત કરવા જ તો આવ્યો છું ડીયર! મારે કંપનીના એક ખાસ પ્રોજેક્ટ માટે બે વર્ષ સિંગાપોર જવાનું છે. એટલે..”

વિશાલ હજુ વાત પૂરી કરે તે પહેલા હેતાએ ત્રાડ પાડી અને ભયંકર ગુસ્સામાં બોલી, “એટલે..હમણાં લગ્ન નહી થઈ શકે. એ જ કહેવા આવ્યો છે ને? હું જાણતી જ હતી કે તારે મારી સાથે લગ્ન કરવા જ નથી. તારા માટે હું ફકત તારી મોજશોખનું એક રમકડું છું. જેની સાથે તું બે વર્ષથી મન ભરી રમી રહ્યો છે.”

“હેતા, એવું બિલકુલ નથી. તું જ મારી જીંદગી છે. પણ આ અપોર્ચ્યુનીટી માટે મંે કેટલો સંઘર્ષ કર્યો છે. બસ બે વર્ષ રાહ જાેઈ લે. હું આવું એ જ દિવસે આપણે લગ્ન કરીશું.”

“ના વિશાલ, બસ હવે. આજથી તારા અને મારા રસ્તા અલગ છે. આજ પછી કદી મને મળવાની કે વાત કરવાની કોશિશ ન કરતો.”

 વિશાલ વધુ કશું સમજાવે તે પહેલા હેતા બેહદ ગુસ્સામાં સડસડાટ ત્યાંથી ચાલી નીકળી.

વાસ્તવમાં હેતા અને વિશાલ બંને અલગ અલગ કંપનીમાં સારી પોસ્ટ પર જાેબ કરતા હતા. એક મિટિંગમાં બંનેની મુલાકાત થઈ અને એ સિલસિલો ચાહતની રોશની બની બંનેની જીંદગીમાં ઝળહળવા લાગ્યો.

બે વર્ષથી બંને એકબીજાને ગળાડૂબ ચાહતા હતા. છેલ્લા કેટલાક સમયથી હેતા વિશાલને લગ્ન માટે કહ્યા કરતી. એટલે જ આજે પણ વિશાલે લગ્નની ના પાડી તો હેતા અકળાઈ ઊઠી. વિશાલે ઘણા પ્રયાસ કર્યા પણ હેતા પોતાનો ફોન બંધ કરી ક્યાંક જતી રહી હતી. આખરે વિશાલ હેતાને મળ્યા વગર જ સિંગાપુર જતો રહ્યો.

 બે વર્ષ બાદ વિશાલ પરત આવ્યો કે તરત જ તેણે પોતાની ગાડી હેતાના ઘર તરફ દોડાવી પણ સામેનું દ્ર્‌શ્ય જાેઈ તેના પગ ત્યાં જ થંભી ગયા. તેના પગ તળેથી જાણે જમીન સરકી ગઈ હોય તેવો આઘાત લાગ્યો.

ઘણા સમય બાદ આઘાત અને આશ્ચર્યની બેવડી કળમાંથી તે ઉભો થયો. ઘરનાં આગળના ગાર્ડન પાસે ઉભેલ હેતા પાસે આવી તે બોલ્યો, “કોન્ગ્રેચ્યુલેશન, હેતા, તેં લગ્ન કરી લીધા અને મને જાણ પણ ન કરી. કમ સે કમ એક કોલ તો કરતી.”

હેતા હજુ કશું બોલે તે પહેલાં જ એક નાનકડી પરી પલક અને તેની પાછળ એક પુરુષ દોડતા તેની પાસે આવ્યા.

“મમ્માં, હું જીતી ગઈ.આ જુઓ મારું પ્રાઇઝ!” એ નાની ઢીંગલી પલક હેતાને વળગી પડતાં બોલી.

એક પળ માટે જાણે શૂન્યાવકાશ છવાઈ ગયો હોય તેમ બધા એકબીજાને તાકી રહ્યા. વિશાલ અપલક નજરે હેતાની સાથે ઉભેલ પલક અને પુરુષને તાકી રહ્યો.

વિશાલને અચાનક પોતાની સામે જાેઈ આંખે બાઝેલ ઝાકળસમા બિંદુઓને ખૂબ સાલુકાઈથી છુપાવતા હેતા બોલી, “વિશાલ, તારી ટ્રીપ કેવી રહી?”

“બસ, તારા પતિ અને તારી દીકરીને જાેઈ સંબંધોના અધૂરા હિસ્સાની ડોર પણ કપાઈ ગઈ. તું ખુશ છે એ જાણી સૂકુન મળ્યું.”

ત્યાર બાદ હેતા અને વિશાલે કદી એકબીજાને મળવાની કોશિશ કરી નહી. સમય વીતતો ગયો પણ વિશાલના દિલમાં હેતાની યાદો અકબંધ હતી.

આજે વર્ષો બાદ એક ઘટનાએ ફરી વિશાલની રેગિસ્તાન જેવી જીંદગીમાં હેતાના પ્રેમની વીરડી વહાવી. છેલ્લા બે દિવસમાં જે થયું હતું તે જાેઈ તે ચકરાવે ચડ્યો હતો. ભ્રમ અને સત્યના ભેદની પાતળી રેખા જાણે આજે તેને સમજાઈ.

તેણે તરત પોતાની ગાડી દોડાવી. તે લગભગ દોડતો જ સિટી હોસ્પિટલની અંદર આવ્યો અને અપોઇટમેંટની દરકાર કર્યા વગર ડો. રોહનની ચેમ્બરમાં ઘૂસ્યો,

“સોરી, ડોકટર. હું આમ જ દોડી આવ્યો. પણ મારી પાસે સમય ન હતો. બે દિવસ પહેલા પલક રસ્તોગીને એડમીટ કરી હતી હું તેની કન્ડીશન જાણું છું. ડોકટર તેના પગના ઓપરેશનની તૈયારી કરો. આ રહ્યો ચેક.”

“પણ તમે કોણ? અને હેતા રસ્તોગી મારા વર્ષો જૂના પેશન્ટ છે. મારે તેમને જાણ કરવી પડે.”

“ડોકટર, પ્લીઝ, એ બધું અત્યારે છોડી દો. તમે જલદીથી તેના ઓપરેશનની તૈયારી કરો. બસ તમે તેમને ફોન કરી આજે જ એડમિટ થવાનું કહી દો.”

વિશાલની રિકવેસ્ટ સાંભળી ડોક્ટરે તે મુજબ કર્યું. વિશાલ છુપી નજરે હોસ્પિટલમાં હેતાની આસપાસ રહી બધું જાેયા કર્યો. હેતાને પોતાની આસપાસ જાેઈ તેને અજીબ શાતા વળી.

બીજા દિવસે બધું બરોબર જાેઈ વિશાલ જ્યારે ત્યાંથી જતો હતો ત્યાં પાછળથી દિલમાં ગુંજતો એ મીઠો ટહુકો સંભળાયો, “વિશાલ, મને મળ્યા વગર જ જતો રહીશ? જેને તું આજ પણ નથી ભૂલ્યો એ પ્રેમની નિશાની આપણી પલકને પણ નહી મળે?”

હેતાના શબ્દો સાંભળી અશ્રુભીની આંખે વિશાલ તેને ભેટી પડતા બોલ્યો, “હેતા, મને માફ કરી દે. એ દિવસે મારા અવિશ્વાસથી હું મારા જ પ્રેમની નિશાનીને ન ઓળખી શક્યો. કોઈની સાથે તારી દોસ્તીને ન સમજી શક્યો.”

“ભૂલ તો મારી પણ છે. ગુસ્સો મારા પર એટલો હાવી થયો હતો કે હું તને કદી હકીકત કહી જ ન શકી. પલક તારી દીકરી છે એ સત્ય હું તને કહું એ પહેલાં તારા શકે મારા ગુસ્સાને હવા આપી દઈ નફરતનું બીજ રોપી દીધું. એટલે જ કદી તને મારા સુધી પહોંચવા ન દીધો.”

“પણ હેતા, હ્રદયમાં તારી ચાહત અને યાદ એટલી જ તીવ્ર હતી. કદાચ કુદરતને મુજ પર દયા આવી અને એ દિવસે અચાનક તારી ગાડીને મેં દૂરથી જાેઈ તેનો પીછો કર્યો. તારી પાછળ હોસ્પિટલ આવતા ખબર પડી કે પલકના એક પગમાં તકલીફ છે અને ઓપરેશન કરવું પડશે. તું તેના ખર્ચ માટે ચિંતિત હતી.”

“એટલે મને તકલીફમાં જાેઈ તું મદદ કરવા દોડી આવ્યો.”

“હા, એ દિવસે તને દર્દમાં જાેઈ હું બધું જ ભૂલી ગયો. ખબર નહિ કેમ પણ પલકને જાેઈ હ્રદયમાં વાત્સલ્ય ઉભરાયું. મેં ત્યારે જ નક્કી કર્યું પલક ભલે મારી દીકરી ન હોય પણ હું તેનો ઈલાજ કરીશ.”

“વિશાલ, આખરે તારો પ્રેમ અને ધીરજની જીત થઈ. તે ફરી એકવાર મને જીતી લીધી. આપણી પલક તેના પિતાનો ઇંતજાર કરે છે.”

વિશાલના પ્રેમના બગીચામાં હેતા અને પલકની ચાહતના ફૂલો ખીલી ઉઠ્‌યા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution