વડોદરા, તા.૮
વર્ષના ચાર નોરતાં પૈકી ચૈત્રી નવરાત્રિનું મહત્ત્વ ખાસ ગણવામાં આવે છે. કાલે નોરતાની આઠમ હોવાથી મંદિરોમાં દર્શન માટે ભક્તોનો ધસારો વધશે. તો આઠમ નિમિત્તે નવચંડી સહિત યજ્ઞ અને ભજન-ડાયરાના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે. તેમાં ચૈત્રી નવરાત્રિનું માતાજીની આરાધના માટે ખાસ મહત્ત્વ શાસ્ત્રોમાં વર્ણવાયેલું છે. આ દિવસોમાં માતાજીની પ્રસન્નતા માટે જપ-તપ-અનુષ્ઠાન કરવામાં આવે છે, જેથી માતાજીની કૃપા સદાય બની રહે છે.
દુર્ગાસપ્તસતીમાં કરાયેલા વર્ણન મુજબ અન્ય મંત્રોના જપની મર્યાદા હોય છે. જ્યારે માતાજીના દુર્ગાસપ્તસતીના મંત્રોની મર્યાદા નથી, તેનું ફળ આપણને જન્મોજન્માંતર મળતું રહે છે અને તેથી જ યજ્ઞોમાં નવચંડી યજ્ઞનું ખૂબ મહત્ત્વ રહેલું છે. આસો નવરાત્રિમાં ગરબા રમી માતાજીની આરાધના કરવામાં આવે છે, જ્યારે ચૈત્રી નવરાત્રિમાં માતાજીની કૃપા અને પ્રસન્નતા માટે ખાસ જપ-તપ-અનુષ્ઠાન કરાય છે. કેટલાય મંદિરોમાં આ નિમિત્તે માતાજીના જ્વારાની સ્થાપના અને કુંભનું સ્થાપન કરાય છે. નવ દિવસ દરમિયાન માતાજીને ખાસ પ્રકારના નેવૈધ અર્પણ કરવામાં આવે છે. તો માતાજીને ધૂપ-દીપ પણ કરવામાં આવે છે. પ્રથમ દિવસે સ્થાપિત જ્વારાનું દસમા દિવસે વાજતે-ગાજતે વિસર્જન કરવામાં આવે છે.
ચૈત્રી નવરાત્રિની આઠમ હોવાથી માઈમંદિરોને રોશનીથી શણગારવામાં આવ્યા છે. આઠમ નિમિત્તે નવચંડી સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. શહેરમાં ઘડિયાળી પોળ સ્થિત અંબે માતાના મંદિર, કારેલીબાગ સ્થિત બહુચરાજી માતા મંદિરે દર્શનાર્થીઓ ઉમટી પડશે. તો શહેર નજીક આવેલા પાદરાના રણુ ખાતે તુલજા ભવાની માતા અને પાવાગઢ સ્થિત મહાકાળી માતાના મંદિરે દર્શને પણ ભક્તોનો ભારે ધસારો જાેવા મળશે. આઠમ હોવાથી અનેક સ્થળોએ ભજન-ડાયરા સહિત ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. તો કેટલાક સ્થળોએ ભક્તો માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આમ, ચૈત્રી નવરાત્રિ આઠમે માઈભક્તો માતાજીની કૃપા અને પ્રસન્નતા માટે પ્રાર્થના કરશે. કેટલાક ભક્તો અંબાજી સ્થિત જગદંબા મંદિરે જશે અને ત્યાં આયોજિત એકાવન શક્તિપીઠ એટલે કે ગબ્બરની પરિક્રમાનો લહાવો લેશે.