જિંદગીને મક્કમતાથી જીવવી તેમાં સાહસ નહીં કે જીવન ટૂંકાવી દેવામાં

લેખકઃ એકતા રવિ ભટ્ટ


મૃત્યુ એક અફર સત્ય છે. આપણે બધા જાણીએ જ છીએ કે એક દિવસ તો બધાને મરવાનું જ છે પણ તેવું બોદું કારણ રજૂ કરીને આજે જ જીવનનો અંત આણી દેવો ક્યાંની સમજદારી કહેવાય? આપણે મૃત્યુની વાસ્તવિકતાને જાણીએ છીએ અને સ્વીકારીએ છીએ તો તેના માટે મળેલા જીવનને આનંદથી પસાર કેમ નથી કરી શકતા? આપણે એટલું પણ નથી વિચારતા કે જે સ્વજન કે પછી આપણે પોતે એક ક્ષણમાં આંખ મિચી દઈશું પછી શું થવાનું છે તેની ખબર છે? કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે પછી તેની સાથે શું થાય છે તેનો આપણને કોઈ અંદાજ નથી છતાં સ્વર્ગની પ્રાપ્તની અને મોક્ષની પ્રાપ્તી માટે આપણે મથ્યા કરીએ છીએ.


આજે આપણે અખબાર હાથમાં લઈએ કે પછી ટીવીમાં ન્યૂઝ ચેનલ ચાલુ કરીએ એટલે બે-ચાર સમાચાર તો જાેવા મળે જ કે, પ્રેમી પંખીડાઓએ મોત વહાલું કર્યું, પરિણિત પ્રેમીઓએ ગળાફાંસો ખાંધો, એકતરફી પ્રેમમાં આત્મહત્યા, નાપાસ થવાના ભયે યુવતીનો આપઘાત, સાસરીયાથી કંટાળેલી યુવતીનું અગ્નિસ્નાન, દેવા તળે દબાયેલા પરિવારનો આપઘાત, વ્યાજખોરોના ત્રાસથી વેપારીનો આપઘાત, વગેરે વગેરે... આ વાત આજે એટલા માટે કરવી પડી કે, લોકોમાં સહનશીલતા ઘટવા લાગી છે. ઘણી વખત સાવ નાની અને નકામી વાતમાં લોકો સંબંધ તોડી નાખતા હોય છે, જીવન ટુંકાવી દેતા હોય છે, મોત વહાલુ કરી દેતા હોય છે. આપણે લોકો માનસિક રીતે એટલા બધા અસ્વસ્થ અને નબળા થતા જઈએ છીએ કે, આપણાથી ટીકા પણ સહન થતી નથી. આમ જાેવા જઈએ તો વાત એટલી છે કે, લોકો વાસ્તવિક દુનિયાથી થાકીને, કંટાળીને કે પછી હારીને અથવા તો જે દુનિયા જાેઈ કે જાણી જ નથી તેને પામવા માટે જીવનનો અંત આણે છે તે કેટલા અંશે યોગ્ય છે.


ટીવીમાં કે ફિલ્મોમાં બતાવાય છે તેવી રીતે આત્મહત્યા ક્યારેય ગ્લેમરસ કે અમેઝિંગ કરી શકાય તેવી હોતી નથી. ઘડી-બેઘડીનું દબાણ અને આત્યાંતિક પગલું... બસ, આપણા સ્વજન સાથેનો આપણો સંપર્ક પૂરો. આંખો મિચાઈ જાય છે અને બધું જ ત્યાં જ અટકી જાય છે. ખરેખર આત્મહત્યા કરવા માટે જેટલી હિંમત જાેઈ તેના કરતા તે ન કરવા માટે વધારે હિંમત જાેઈએ છે. ગમે તેવી વિકટ સ્થિતિમાં આત્મહત્યા ન કરનારા વ્યક્તિ જ સાચી હિંમતવાન હોય છે. ઘણી વખત લોકો સ્વજન મૃત્યુ પામે તેના દુઃખમાં આત્મહત્યા કરતા હોવાના પણ કિસ્સા બહાર આવે છે.


સામાન્ય રીતે આપણે એ નથી વિચારતા કે આત્મહત્યા કરવી કે તેના વિચારો આવવા તે ખરેખર એક મનોરોગ છે. મનોચિકિત્સક પાસે તેની સારવાર કરાવવી જાેઈએ. સૌથી વિચિત્ર માનસિકતા તો એ છે કે, મારી સમસ્યાઓ કે મને પડતી તકલીફો અત્યંત આકરી છે અને તેનો ઉકેલ લાવી શકાય એમ જ નથી કે પછી આવી શકે તેમ જ નથી. સ્વજન ગયાનું દુઃખ બધાને હોય છે પણ આખી જિંદગી તેની સાથે જીવી શકાય જ નહીં. અભાવ લાગે તે સ્વાભાવિક છે પણ તેને સ્વભાવ સાથે જાેડીને જીવવું અશક્ય અને અયોગ્ય છે. આપણે એ વિચારતા નથી કે આપણને રાત્રે ઉંઘ આવી જાય છે અને સવારે આંખો ઉઘડી જાય છે. ભુખ લાગે છે, તરસ લાગે છે, આપણે ખાઈએ-પીએ છીએ. થોડા સમય પછી ફરીથી ભુખ લાગે છે, થાક લાગે છે આ બધા જ અનુભવો કેટલા અદભુત છે. ઈશ્વરની રચના કેટલી અદભુત છે. ગર્ભમાં બાળકનો જન્મ, નવ મહિના સુધી અંદર રહેવાનું છતાં શ્વાચ્છોશ્વાસ ચાલુ, પોષણ મળતું રહે અને બધું જ નોર્મલ રીતે ચાલે. બાળક સાત મહિને જન્મ લેશે કે નવ મહિને તે પણ આપણે કળી શકતા નથી. બાળક જન્મ લીધા પછી બે ઘડી, બે કલાક, બે દિવસ બે મહિના કે બે વર્ષ અથવા તો સો વર્ષ જીવશે તેની સમજ કે માહિતી આપણી પાસે નથી.


આપણી પાસે જન્મ લેવાની કે તેનો સમય નક્કી કરવાની શક્તી નથી. તો પછી આપણને આપણું જીવન પૂરું કરી નાખવાનો કે તેનો અકાળે અંત લાવવાનો અધિકાર આપ્યો જ કોણે? દુનિયામાં નજર કરીએ તો ક્યાંય કોઈ સંપૂર્ણ સુખી અને સમૃદ્ધ વ્યક્તિ જાેવા મળતી જ નથી. કોઈની પાસે પૈસો છે તે સંતાનો નથી, સંતાનો હોય તો કહ્યામાં હોતા નથી, ભાઈઓ વચ્ચે કુસંપ હોય છે. કોઈને ગરીબી નડતી હોય છે, કોઈને બેકારી નડતી હોય છે. કોઈની આવક ઓછી હોય છે કોઈની જાવક વધુ હોય છે. કોઈની પાસે અઢળક સંપત્તિ હોય છે પણ શરીર સાથ આપતું નથી, જાતભાતની બિમારીઓ હોય છે. આવી તમામ સમસ્યાઓ સતત ચાલતી રહે છે અને તેમાંથી બહાર આવવા માણસ ઝઝુમતો રહે છે. તેને જ આપણે જિંદગીની અસલી વાસ્તવિકતા કહીએ છીએ. આ વાસ્તવિકતા સ્વીકારીને તેની સાથે જીવવું અને તેમાંથી બહાર આવવા મહેનત કરવી તે જ આપણું કર્મ છે. ફળ શું મળશે કે ક્યારે મળશે તેની ચિંતા કરીને કામ કરીએ તો ક્યારેય કશું ધાર્યું થતું જ નથી. માણસની જરૂરિયાત અનંત છે, ઈચ્છાઓ અસીમ છે અને આવા સંજાેગોમાં જાે આપણે માત્ર ગણતરીઓ કરીને જીવતા રહીએ અને જે જાેઈએ તે પામવા દોડીએ તો નિરાશા થવાની જ છે. આ નિરાશાના કારણે જીવન ટૂંકાવી દેવું તે માત્ર મૂર્ખતા છે.


મહાભારતમાં બાણશૈયા ઉપર રહીને સમગ્ર યુદ્ધ પૂરું થાય ત્યાં સુધી જીવિત રહેનારા ભીષ્મને ઈચ્છા મૃત્યુ મળ્યું હતું. આપણે આ ઈચ્છામૃત્યુને આજે આત્મહત્યામાં રૂપાંતરિત કરી દીધું છે. ઈચ્છા મૃત્યુ અને આત્મહત્યા બંનેમાં ખૂબ જ મોટું અંતર છે. આત્મહત્યા ક્યારેય કોઈ સમસ્યાનો ઉકેલ લાવી શકી જ નથી. તેના કારણે પાછળ રહેનારાઓની મુશ્કેલીઓ વધી છે, પીડા વધી છે. માત્ર સમસ્યાના ઉકેલ તરીકે આત્મહત્યાને અંતિમ પગલું ગણીને ભરી લેવું તે મૂર્ખામીથી વિશેષ કંઈ જ નથી. જિંદગીને મક્કમતાથી જીવવી તેમાં સાચું સાહસ છે નહીં કે અકાળે મૃત્યુને વહાલું કરવામાં. હૃદયની રેખાઓ પણ ઉપરનીચે ચાલતી હોય તો જ તે ધબકતું છે તેમ કહેવાય છે, બંધ હૃદયની રેખાઓ સીધી જ હોય છે. તેમ જીવનની રેખા પણ ઉબડખાબડ હોય તો જ જિંદગી ધબકતી રહે છે બાકી સીધી લીટીની જિંદગીમાં ખરેખર જિંદગી જ નથી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution