ટુ બી, ધેટ ઈઝ પરફેક્ટ!

પોંડિચેરીમાં મહર્ષિ અરવિંદ સાથે સમગ્ર જીવન યોગસાધના કરનાર શ્રી માતાજીએ કહેલું આ કથન છે. ટુ નો, જાણવું, જ્ઞાન મેળવવું, તે સારુ છે. ગુડ! જે જ્ઞાન મેળવ્યું છે, તેને માત્ર કોરી માહિતી નહીં રાખતા જીવનમાં ઉતારવું તે વધુ ઉચ્ચ તબક્કો છે. ઈટસ બેટર!.... પણ શું ત્યાં અટકી જવાનું છે? ના, યાત્રા અહીં અટકતી નથી.પરફેક્શન માટે હજી કંંઈક ખુટે છે. પૂર્ણતા માટે આનાથી પણ આગળ વધવાનું છે. તે સ્ટેજ છે ‘ટુ બી’ નું..ધેટ ઈઝ પરફેક્ટ! જ્ઞાન પ્રાપ્ત કરવું માત્ર નહીં, જ્ઞાન બની રહેવું. પ્રેમ પ્રાપ્ત કરવો માત્ર નહીં, પ્રેમ જીવવો એટલું પણ નહીં, પ્રેમ બની રહેવું. આનંદ પ્રાપ્ત કરવો નહીં, આનંદ બની રહેવું.

કોઈ ચિત્રકાર જ્યારે સર્જન કરતો હોય છે ત્યારે તેનું સર્જન તો જ શ્રેષ્ઠ બને છે જાે તે પોતાની જાતને પણ સંપુર્ણપણે વિસરી જઈને સર્જનમાં ડુબી ગયો હોય. કોઈ સંગીતકાર નવી ધુન બનાવતો હોય કે કોઈ લેખક કોઈ કૃતિનું સર્જન કરતો હોય ત્યારે પોતાના એ કાર્ય સાથે એકાકાર થઈ ગયા હોય છે. સર્જક જ્યારે પોતાના સર્જન સાથે ‘ટુ બી’ની અવસ્થામાં આવી જાય છે ત્યારે કોઈ ગૂઢ ઘટના બનતી હોય છે, કોઈ બ્રહ્માંડીય ઉર્જા તેના મનોવિશ્વમાં અવતરણ કરતી હોય છે. પછી જે રચના થાય છે તેના પર નામ તો તેનું હોય છે પણ એ રચના કરનાર ચેતના કોઈ બીજી જ હોય છે. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે સર્જકે કોઈ ક્ષણે, કોઈ ‘ટુ બી’ની અલૌકિક પળે એક રચના કરી હોય, પછી કેટલાક સમય પછી તેને પોતાને જ અચરજ થાય કે આવી સુંદર રચના શું મેં કરી? તેવી જ રચના તે પોતે જ ફરી વખત કરવાના લાખ પ્રયત્ન કરે તો પણ એ ચાર્મ ન આવે તેવું બની શકે!કારણ કે તેની અંદર જે ચેતના તે ક્ષણે હતી તે હવે નથી.

સર્જકોની વાત છોડો, સાધારણ માનવીને પણ કોઈ કાર્ય કરવાની વેળા આવે અને તે તેમાં તલ્લિન થઈને કામ કરે તો પછી જુઓ, તે કર્મ કેવો અનોખો આનંદ આપે છે. તે પછી કંઈક અંદર બદલાઈ જાય છે, કંઈક રૂપાંતર થાય છે.

‘ટુ બી’ની આ અવસ્થા પ્રાપ્ત કરવાનો એક અને એક માત્ર રસ્તો છે, પ્રેમ. પ્રેમ શબ્દ કાને પડતા મોટાભાગે માનવીના મનમાં સ્ત્રી અને પુરુષના યુગલની ધારણા આવે છે. પરંતુ આ તો કોઈ વિશાળ દરિયાને ખાબોચિયું સમજવા જેવો ઘાટ થયો. વાસ્તવમાં પ્રેમ વિના કશું જ સંભવ નથી, આ સૃષ્ટિ પણ નહીં. શિવ અને શક્તિ, પુરુષ અને પ્રકૃતિ, સ્થિર ઊર્જા અને ગતિશીલ ઊર્જા, તમે જે નામ આપો તે- બે તત્વના મિલન થકી તો સૃષ્ટિ ઉદ્‌ભવી છે! સૃષ્ટિના પાયામાં પ્રેમ રહેલો છે. એને કોઈ ચોકઠામાં બાંધવો એ પરમ તત્વ સાથે અન્યાય કરવા જેવું થયું. પ્રારંભમાં જ્યારે આ કશું જ નહતુ ત્યારે એકમેવ તત્વએ, જેને આપણે પ્રભુ કહીએ છીએ, તેણે સંકલ્પ કર્યો કે ‘એકોહમ બહુષ્યામ્‌’.હું એક છું તે બહુ થાઉં. અને સૃષ્ટિ બની.

‘ટુ બી’ની શરૂઆત જ અહીંથી થાય છે. ઓશો રજનીશ કહેતા હતા કે “પરમાત્માએ સંસાર રચ્યો છે એવું નથી, પરમાત્મા ખુદ સંસાર બન્યાં છે.” આ જ છે રહસ્ય. ટુ બી ઈઝ ધ અલ્ટીમેટ સિક્રેટ!

પ્રેમનું રહસ્ય પણ આ જ છે. વ્યક્તિ જેને પ્રેમ કરે છે તેના ગુણો ગ્રહણ કરવાની પ્રક્રિયા સબ-કોન્શિયન્સ માઈન્ડમાં આપોઆપ થવા માંડે છે, અને પ્રેમની પરાકાષ્ઠાએ આ પ્રક્રિયા એ ટોચ પર પહોંચી ચુકી હોય છે જ્યાં પ્રેમપાત્ર સાથેનો ભેદ વિલિન થઈ જાય છે. એ છે પુર્ણતા.

તમે પ્રેમ કોઈને પણ કરી શકો છો, કોઈ વ્યક્તિને, કોઈ વસ્તુને, કોઈ કામને, કોઈ જાતિને, દેશને, વિશ્વને, પ્રકૃતિને, પ્રભુને, કોઈને પણ પ્રેમ કરી શકો છો, પણ તેમાં પુર્ણતા ત્યારે જ પ્રાપ્ત થશે જ્યારે તમે એકાકાર થઈ જાવ, ટુ બી બની રહો.

આ જ ધ્યાન છે. અને કોઈ પણ વાત, વિચાર કે સંકલ્પને સાકાર કરવાની આ જ ચાવી છે. કારણ કે પ્રેમ એક માત્ર તત્વ છે જે રૂપાંતર કરે છે, ટુ બીની અવસ્થાએ પહોંચાડે છે, અને એ પુર્ણતા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution