રેડબસ કંપની શરૂ થતાં ખાનગી બસમાં ટિકિટ બુકિંગ આસાન થયું

લેખકઃ કેયુર જાની | 


બેગ્લોરમાં સોફ્ટવેર એન્જીનિયર તરીકે કામ કરતા ફનીન્દ્ર સામાને વર્ષ ૨૦૦૫માં દિવાળીની રજાઓમાં પોતાના ઘરે જવું હતું. બેંગ્લોરથી ૬૦૦ કિલોમીટર દૂર હૈદરાબાદ ખાતે તેમનું વતન હતું. પરિવાર સાથે દિવાળી કરવા નીકળેલા ફનીન્દ્ર સામા બેંગ્લોરના બુકિંગ એજન્ટ પાસે હૈદરાબાદ માટે બસની એક ટિકિટ બુક કરાવવા પહોંચ્યાં. બુકિંગ એજન્ટે જણાવ્યું કે તમામ બસ ફૂલ થઇ ગઈ છે. ટિકિટ મળી શકે તેમ નથી. ફનીન્દ્ર સામા તે સાંજે એક પછી એક નવ બુકિંગ એજન્ટ પાસે હૈદરાબાદની ટિકિટ મેળવવા ફર્યા, પરંતુ ટિકિટ મળી શકી નહીં.

ટિકિટ ન મળતા ફનીન્દ્ર સામા દિવાળીના પરિવાર પાસે ઘરે ન જઈ શક્યાં. તે દિવાળી તેમણે તેમના બેંગ્લોરના ભાડાના ફ્લેટમાં એકલાં વિતાવવી પડી. પરંતુ બુકિંગ કરાવવા માટે એજન્ટ્‌સ પાસે જવાથી એક વાત તેમના ધ્યાન પર આવી કે બસ ઓપરેટર અને એજન્ટની ટિકિટ બુકિંગની પ્રણાલી વર્ષો જૂની છે. તેમને સતત એકબીજાને ફોન કરીને પૂછ્યા કરવું પડે છે તે પછી જ બુકિંગ કરી શકે છે. આ પ્રક્રિયા આસાન અમે સુનિયોજિત રીતે કરવામાં આવે તેવી કોઈ વ્યવસ્થા નથી. જેમ રેલવેની વેબસાઈટ આઈઆરસીટીસી દ્વારા ઘરે બેઠા ટ્રેનનું બુકીંગ કરી શકાય છે. તેમ બસનું બુકિંગ કરવા કોઈ માળખું કેમ નથી તે વિચાર તેમને આવ્યો. તેમણે વિચાર્યુ કે ખાનગી બસના બુકીંગ માટે પણ કોઈ સોફ્ટવેર હોવું જાેઈએ.

આમ પણ દિવાળીની રજાઓમાં ઘરે ન જવાયું નહતું. ફ્લેટમાં એકલા જ રહેતાં હતા તેથી આ સમયનો ઉપયોગ કરીને તેમણે તેમના આ આઈડિયા ઉપર કામ કરવાનું શરુ કર્યું. તે અલગ અલગ બસ ઓપરેટર તેમજ બુકિંગ એજન્ટને મળ્યાં. તેમને બસ બુકીંગના સોફ્ટવેર બાબતે વાત કરી.પરંતુ તે લોકો તરફથી ઝાઝો પ્રતિભાવ ન મળ્યો. તે દરમ્યાન એક યુવાન બુકિંગ એજન્ટ સાથે ફનીન્દ્રની મિત્રતા થઇ ગઈ. તે યુવા બુકિંગ એજન્ટ પોતે પણ એન્જીનીયર હતો જેથી ફનીન્દ્રની વાત આસાનીથી સમજી ગયાં. તેમણે બસ બુકિંગની તમામ બારીકીઓથી ફનીન્દ્રને વાકેફ કર્યા. દિવાળી વેકેશન પૂરું થતા ફનીન્દ્રની સાથે રૂમ શેર કરનાર મિત્રો વતનથી પરત આવ્યાં. રૂમમેટ્‌સ સાથે મળીને ફનીન્દ્રએ બસ બુકીંગ માટે સોફ્ટવેર બનાવવાનું શરુ કર્યું.

સોફ્ટવેર બન્યા પછી ફનીન્દ્ર બુકિંગ એજન્ટસ પાસે પહોંચ્યાં. સોફ્ટવેરના ફાયદા સમજાવ્યાં. પરંતુ બસ ઓપરેટર કે બુકિંગ એજન્ટમાંથી કોઈએ તે સોફ્ટવેરમાં રસ દેખાડ્યો નહીં.આખરે ફનીન્દ્રએ નક્કી કર્યું કે જાે હું જાતે ટિકિટનું બુકિંગ આપવાનું શરુ કરીશ તો જ બસ ઓપરેટર અને બુકીંગ એજન્ટસ સોફ્ટવેરને ગંભીરતાથી લેશે. આખરે ફનીન્દ્ર સામાએ સોફ્ટવેરને વેબસાઈટ સાથે મર્જ કરી બુકિંગ મેળવવાનું શરુ કર્યું. શરૂઆતમાં એજન્ટસની જૂની પદ્ધતિ મુજબ વેબસાઈટ ઉપર આવેલા બુકીંગ માટે બસ ઓપરેટર્સને ફોન કરીને બુકિંગ આપવાનું શરુ કર્યું. ફનીન્દ્ર દ્વારા રોજેરોજ મોટા પ્રમાણમાં આપવામાં આવતા બુકિંગ પછી બસ ઓપરેટર્સ તથા બુકિંગ એજન્ટ તેમની વાતને ગંભીરતાથી લેવા લાગ્યાં. આખરે ફનીન્દ્ર સામા દ્વારા બનાવવામાં આવેલા રેડબસ સોફ્ટવેરનું વેચાણ શરુ થયું.

પરંતુ તેમાં પણ મુશ્કેલી એ આવતી હતી કે બસ ઓપરેટર્સમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હતું. તેઓ અંગ્રેજી ભાષા સમજી શકતા નહતાં. આથી સોફ્ટવેરને યુઝર ફ્રેન્ડલી બનાવવા માટે ફનિન્દ્ર સામાએ નવો રસ્તો શોધી કાઢ્યો. તેમણે બસની સીટને અલગ અલગ રંગ આપ્યા જેથી અશિક્ષિત વ્યક્તિ પણ આસાનીથી સમજી શકે. વળી એકલી મુસાફરી કરનાર મહિલાઓને બાજુની સીટ ઉપર મહિલા મુસાફર છે કે કોઈ અન્ય, તે સીટના રંગથી ઓનલાઇન ખબર પાડવા લાગી. આખરે રેડબસને મુસાફર ગ્રાહકો, બસ ઓપરેટર્સ તેમજ બુકિંગ એજન્ટ દ્વારા પ્રતિભાવ મળવા લાગ્યો. રેડબસ શરુ કરી ત્યારે ફનીન્દ્ર સામાનું અનુમાન હતું કે આગામી પાંચ વર્ષમાં ૧૦૦ જેટલા બસ ઓપરેટર્સ રેડબસની સેવા સાથે જાેડાશે. પરંતુ જે રીતે મુસાફરોનો પ્રતિભાવ મળતો હતો તેને જાેઈને રેડબસ શરુ થયાના પહેલા વર્ષે ૪૦૦ બસ ઓપરેટર્સ જાેડાયાં.

બસમાં એક ટિકિટનું બુકીંગ ન મળતા ઉદ્‌ભવેલી સમસ્યા બાદ તેવી સ્થિતિનો સામનો અન્ય કોઈને ન કરવો પડે તે વિચારથી બનાવવામાં આવેલા રેડબસ સોફ્ટવેરના માલિકી હક વર્ષ ૨૦૧૪માં ગોઆઈબીબો દ્વારા ૬૦૦ કરોડ રૂપિયા આપી ખરીદી લેવાયાં. ફનીન્દ્ર સામાના ખાતામાં આ જંગી રકમ ટ્રાન્સફર કરવામાં આવી. આવશ્યકતા જ આવિષ્કારની જનની છે તે ઉક્તિને ફનીન્દ્ર સામાએ સક્સેસ સ્ટોરીમાં પરિવર્તિત કરી બતાવી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution