અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર ઈનિંગ, લોકોને ગરમીથી આંશિક રાહત

અમદાવાદ રાજયમાં હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને લઇ લાંબા સમય બાદ શહેરીજનોને આંશિક રાહત મળી હતી. વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઇ જતાં સ્કૂલવાન બંધ પડી જતા વિદ્યાર્થીઓએ પાણીમાં ઊતરી વાનને ધક્કો મારતા દ્રશ્યો પણ સામે આવ્યા હતા.એટલું નહીં ઘૂંટણસમાં પાણી ભરાતા કેટલીક એએમટીએસ બસ બંધ પડી હતી. તેમજ કેટલીક એમ્બ્યુલન્સ થોડીવાર માટે ફસાઇ હતી. ઓફિસથી ઘરે જવા નીકળેલા શહેરીજનો ટ્રાફિકમાં ફસાયા હતા. અને અનેક લોકોના વાહનો પણ બંધ થઇ ગયા હતા. ધોધમાર વરસાદને લીધે તાપમાનનો પારો પણ ગગડયો હતો. ધોધમાર વરસાદમા અમદાવાદમા પાણી ભરાતા એએમસીની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ઉઘાડી પડી હતી. શહેરમા ધોધમાર વરસાદને લઇ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જતા જળબંબાકાર સ્થિતિ જાેવા મળી હતી. રોડ પર પાણીનો ઝડપી નિકાલ થવાની જગ્યાએ પાણીનો ભરાવો થયો હતો. ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા કેટલીક જગ્યાએ વૃક્ષો પણ પડી ગયા હતા. વાહન ચાલકો અને લોકોને ભારે હાલાકી વેઠી વરસાદી પાણીમાંથી પસાર થવું પડ્યું હતું. એરપોર્ટથી લઈ ઇન્દિરા બ્રિજ સુધી કરોડો રૂપિયાના ખર્ચે આઇકોનિક રોડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યો હતો. જે પાણી પાણી થઈ ગયો હતો.વરસાદી પાણીનો ઝડપી નિકાલ થાય તેવી કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે ત્યાં પાણી ભરાયાં હતા. બીજીબાજુ ભારે વરસાદને પગલે અન્ડર પાસ બંધ કરવાની પણ ફરજ પડી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution