મુંબઇ
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ પાંચ સપ્ટેમ્બર, શુક્રવારના રોજ મોડી સાંજે રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાની ધરપકડ કરી હતી. પાંચ સપ્ટેમ્બરના રોજ અંદાજે સાડા આઠ કલાકની પૂછપરછ બાદ બંનેની ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શોવિકને ત્રણ મહિના બાદ આજે એટલે કે બીજી ડિસેમ્બરના રોજ NDPS કોર્ટે જામીન આપ્યા હતા. નોંધનીય છે કે રિયાને ગયા મહિને જામીન પર છોડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલાં સેશન્સ કોર્ટે તથા બોમ્બે હાઈકોર્ટે શોવિકના જામીન અરજી નામંજૂર કરી હતી.
પાંચ સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે સાડા છ વાગ્યે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ રિયા અને સેમ્યુઅલ મિરાન્ડાનાં ઘરે દરોડા પણ પાડ્યા હતા. તેમના ઘરે લગભગ અઢી કલાક સુધી તપાસ કરી હતી. NCBએ આ જ દિવસે ડ્રગ પેડલર કૈઝાન ઈબ્રાહિમની પણ ધરપકડ કરી હતી.
NCBએ રિયાના ઘરની પૂરી તપાસ કરી હતી. મોબાઈલ, લેપટોપ, હાર્ડ ડિસ્કની સાથોસાથ રિયા તથા શોવિકની કારમાં પણ શોધખોળ કરી હતી. NCBએ રિયાના ઘરેથી ફોન તથા અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો સીઝ કર્યાં હતાં, જેમાં રિયાનો જૂનો ફોન, શોવિકનું લેપટોપ તથા અન્ય ડોક્યુમેન્ટ્સ સામેલ છે. ઉલ્લેખનીય છે કે રિયાના ઘરમાંથી ડ્રગ્સ મળ્યું નથી. સૂત્રોના મતે, તપાસ દરમિયાન રિયાના પરિવારે સહયોગ આપ્યો હતો. શુક્રવારે સવારે સાડા છ વાગ્યે NCBના 8 અધિકારીઓ રિયાના ઘરે ગયા હતા. મુંબઈ પોલીસ પણ રિયાના ઘરમાં હાજર હતી. NCBના ડેપ્યુટી ડિરેક્ટર કે. પી. એસ. મલ્હોત્રા પણ હતા.