નવી દિલ્હી :દિલ્હીના વિવેક વિહાર બાદ કૃષ્ણા નગરમાં મકાનમાં આગ લાગવાથી ત્રણ લોકોના મોત થયા છે અને ૧૦ લોકો ઘાયલ થયા છે. આગ ચાર માળની ઇમારતના પાર્કિંગમાં લાગી હતી. જેમાં ત્યાં પાર્ક કરેલા ૧૧ વાહનો આગની ચપેટમાં આવ્યા હતા. અને પહેલા માળ સુધી ફેલાઇ હતી. જે બાદ ઉપરનો માળ ધુમાડાથી ભરાઈ ગયો હતો.પોલીસના જણાવ્યા અનુસાર, આ આગની ઘટના મોડી રાત્રે ક્રિષ્ના નગરમાં બેંક ઓફ ઈન્ડિયાની પાસે નંબર એક બિલ્ડિંગમાં બની હતી. જેમાં દાઝી જવાથી ત્રણ લોકોના મોત થયા હતા. પાંચ ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો.મળતી માહિતી મુજબ જ્યારે ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તેમને પહેલા માળે એક બળેલી લાશ મળી હતી અને ઉપરના માળેથી ૧૨ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જેમને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી બે ગંભીર રીતે ઘાયલ લોકોને જીટીબી હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે એક વ્યક્તિને મેક્સ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.પોલીસ રેકોર્ડ મુજબ, આ ઘટનામાં પરમિલા શાદ (૬૬) ની સળગી ગયેલી લાશ પહેલા માળેથી મળી આવી હતી. જ્યારે કેશવ શર્મા (૧૮) અને અંજુ શર્મા (૩૪)ને જીટીબી હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ સિવાય દેવેન્દ્ર (૪૧)ને ગંભીર હાલતમાં મેક્સ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. આગની આ ઘટનામાં રૂચિકા (૩૮), સોનમ શાદ (૩૮)ને હેડગેવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યારે અનેક લોકોને બચાવી લેવામાં સફળતા મળી છે.