અમદાવાદ, શહેરની ત્રણ કંપની સાથે કેટલાક અલગ-અલગ વેપારીઓ દ્વારા છેતરપિંડી આચરવામાં આવી છે. જેથી ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. અલગ અલગ કંપની પાસેથી માલ સામાન લઈને કેટલાક લોકોએ કરોડો રૂપિયાની ઉચાપત કરી છે. ઉધારમાં માલ-સામાન લીધા બાદ કરોડો રૂપિયાનું લેણું બાકી રહેતા વેપારીઓએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા આંબલી ઇસ્કોન રોડ ખાતે આવેલી હીરા મોતી ટેક્સ કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક કે જે રૂની ગાંસડીનું અને રો મટિરિયલનું સ્પિનિંગ તથા કાપડ બનાવતી મિલોમાં ટ્રેડિંગ કરતી કંપની ધરાવે છે. તેમણે શ્રી સિધ્ધનાથ કોટેક્સ પ્રાઇવેટ લિમિટેડમાં ૪ નવેમ્બર ૨૦૨૨થી ૧૭ જુલાઇ ૨૦૨૪ દરમિયાન અલગ અલગ બિલથી રૂપિયા ૨૨,૫૯,૧૭,૧૨૮ની રૂની ગાંસડીનો માલ પંદર દિવસના ઉધારીમાં વેચાણ માટે આપ્યો હતો. જેના બાકી રહેતા રૂપિયા ૫,૨૬,૫૮,૦૧૭ની ફરિયાદી દ્વારા અવારનવાર ઉઘરાણી કરતા તેઓની મીલના બેંક શાખાના કુલ ૭ ચેકો રૂ. ૪,૮૨,૯૧,૪૫૪ના આપ્યા હતા. જે તમામ ચેકો રિટર્ન કરાવી તેમજ રૂપિયા ૪૩,૬૬,૫૬૩ નહીં ચૂકવી આપી જે બન્ને મળી કુલ રૂપિયા ૫,૨૬,૫૮,૦૧૭ની ફરિયાદીએ અવારનવાર ઉઘરાણી કરવા છતા ઈરાદાપુર્વક નહીં ચૂકવી આપી તમામ છેતરપિંડી કરનાર ફરાર થઈ જઈ વિશ્વાસઘાત કરીને છેતરપિંડી આચરી હતી. શાહીબાગ વિસ્તારના કાપડના વેપારી સાથે પણ ૪૨,૬૬,૫૬૩ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. જે ઘટનામાં હકીકત એવી છે કે, જયઅંબે આર્ટ ફર્મોના વેપારીઓ દ્વારા ફરિયાદી પાસેથી ૪ મે, ૨૦૨૨થી ૧૬ માર્ચ, ૨૦૨૪ સુધીમાં કુલ રૂપિયા ૧,૯૧,૪૪,૪૮૩ની રકમના લેડિઝ ડ્રેસ મટીરીયલના કાપડનો જથ્થાબંધ માલ ઉધારીમાં લઈને ૩૦થી ૯૦ દિવસમાં સંપૂર્ણ રકમ ચૂકવવાનો વાયદો કર્યો હતો. ત્યારબાદ વાયદા મુજબ ચૂકવણી ન કરીને ટુકડે-ટુકડે ૧૯ ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધીમાં ૧,૪૮,૭૭,૯૨૦ રૂપિયા ચૂકવીને બાકીની રકમની છેતરપિંડી આચરી હતી. આરોપીઓ દ્વારા ફરિયાદીને કુલ રૂા.૪૨,૬૬,૫૬૩ની રકમ ચૂકવ્યા વિના પોતાની દુકાન બંધ કરીને ભાગી ગયા હોવાથી આજદિન સુધી રકમ ચૂકવવામાં ન આવતા આરોપીઓ કમલેશ ખેમનાની અને કપિલ ખેમનાની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. કાંકરિયા વિસ્તારમાં એક દુકાનના માલિક કે જે રેડિમેડ કુર્તીનો હોલસેલ વેપાર કરે છે. તેમની સાથે કાલુપુર વિસ્તારમાં આવેલા કોટની રાંગ ખાતે આવેલ મહાલક્ષ્મી ટ્રેડર્સ ના માલિક રોચીરામ સાધવાણી દ્વારા ૨ જૂન, ૨૦૨૩થી ૧૩ જૂન, ૨૦૨૪ સુધીમાં ૬૦થી ૯૦ દિવસની મુદતમાં સંપૂર્ણ રકમ ચૂકવવાના વાયદાથી કુલ રૂા. ૬૨,૧૫,૧૩૯ રૂપિયાનું કુર્તીનો જથ્થાબંધ માલ લીધો હતો. ત્યારબાદ સમયસર પેમેન્ટ ન ચૂકવતા ટુકડે ટુકડે ૧૭ ઓગસ્ટ ૨૦૨૪ સુધીમાં રૂા. ૨૩,૪૨,૪૫૨ રૂપિયા ચૂકવ્યા હતા અને બાકીના રૂા. ૩૮,૭૨,૬૮૭ની ફરિયાદી દ્વારા વારંવાર માંગણી કરવામાં આવી હોવા છતાં ન ચૂકવીને છેતરપિંડી આચરી હતી. જેથી ડીસીબી પોલીસ સ્ટેશનમાં મા લક્ષ્મી ટ્રેડર્સના માલિક રોચીરામ સાધવાણી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.