વડોદરા-
શહેરનાં ગોત્રી વિસ્તારમાં માસ્ક ચેકિંગની કામગીરી દરમિયાન એક મહિલાએ પોલીસ સાથે રકઝક કરી હતી. આ બાબત એટલી ઉગ્ર બની ગઇ કે મહિલાએ પોલીસને પટ્ટા ઉતરાવી દેવાની ધમકી આપી હતી. આખરે પોલીસ દ્વારા તે મહિલાની અટકાયત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, માસ્ક બાબતે નાગરિકો અને પોલીસ વચ્ચે રકઝકનાં કિસ્સા સમયાંતરે સામે આવતા રહે છે. જાે કે પોલીસ દ્વારા કોરોનાની કપરી પરિસ્થિતીમાં માસ્ક બાબતે ખુબ જ સરાહનીય કામગીરી થઇ રહી છે.
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર વડોદરામાં માસ્કની કામગીરી દરમિયાન પોલીસ જવાન દ્વારા એક મહિલાને અટકાવવામાં આવી હતી. તે પોતાની ગાડીમાં જઇ રહી હતી. નિલાંબર સર્કલ તરફથી આવી રહેલી એક ગાડીને ઘડિયાળી સર્કલ પાસે અટકાવવામાં આવી હતી. જેમાં બેઠેલી મહિલાએ માસ્ક પહેર્યું નહોતું. જાે કે મહિલાએ ગાડી ઉભી રાખવાના બદલે આગળ જવા દીધી હતી.
જેથી આગળ ઉભેલા એક હોમગાર્ડના જવાને આડા પડીને ગાડી અટકાવી હતી. મહિલાને ગાડીમાંથી ઉતારીને પીએસઆઈ કે.એચ જનકાત સમક્ષ હાજર કરતા મહિલા બોલવા લાગી હતી. માસ્ક બાબતે દંડ ભરવાનું કહેતા તેણે કહ્યું કે, તમે બધા જ પોલીસ કર્મચારીઓ તોડ કરો છો. તમે લોકોને લૂંટવા માટે બેઠા છો. કારમાં બેઠેલી તેની બહેન દ્વારા પણ બુમો પાડીને પોલીસ સાથે ઉદ્ધતાઇ ભર્યું વર્તન કરવામાં આવ્યું હતું. પોલીસ મારી પાસેથી ૫૦૦ રૂપિયા માંગે છે અને મારો મોબાઇલ ફોન લઇ લીધા છે. હેલ્પ હેલ્પની બુમો પાડતા ટ્રાફિક જામ થઇ ગયો હતો.