હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા  : બસો સળગાવી:  હિંસક વિરોધમાં ૬ લોકોનાં મોત


ઢાકા:બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામતના વિરોધમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. અનામત નાબૂદીની માંગ સાથે હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી રહ્યા છે. અનામત સામે ચાલી રહેલા આ વિરોધે હવે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. પોલીસ સાથેની અથડામણમાં ૬ લોકોના મોત થયા છે. તે જ સમયે, ૧૦૦ થી વધુ પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ઢાકા સહિત બાંગ્લાદેશના અલગ-અલગ શહેરોમાં સ્કૂલ, કોલેજ અને મદરેસાઓ બંધ કરવી પડી છે.વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ સાથેની અથડામણમાં અત્યાર સુધીમાં જે છ લોકોના મોત થયા છે તેમાં ઢાકા, ચિત્તાગોંગ અને ઉત્તર પશ્ચિમ રંગપુરના દેખાવકારોનો સમાવેશ થાય છે. અનામત સામેના મોટા ભાગના આંદોલનો યુનિવર્સિટી કેમ્પસમાં થઈ રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીની આસપાસ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાાયો છે. સાવચેતીના પગલા તરીકે, અર્ધલશ્કરી દળ બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ ના જવાનોને પણ ચાર મોટા શહેરોમાં તૈનાત કરવામાં આવ્યા છે.બાંગ્લાદેશના અલગ-અલગ શહેરોમાં ચાલી રહેલી હિંસાને કારણે ભીડભાડવાળી જગ્યાઓ પર પણ મૌન છે. એક દિવસ અગાઉ, અજાણ્યા વિરોધીઓએ મોલોટોવ કોકટેલ વિસ્ફોટકોનો ઉપયોગ કરીને બસોને આગ લગાડી હતી. ઘણા શહેરોમાં હિંસાના છૂટાછવાયા બનાવો પણ નોંધાયા હતા. બાંગ્લાદેશના શિક્ષણ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે, ‘વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ શાળાઓ, કોલેજાે, મદરેસાઓ અને પોલિટેકનિક સંસ્થાઓને બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.’ વાસ્તવમાં, બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ કહે છે કે વર્તમાન આરક્ષણ પ્રણાલી મોટાભાગે સરકારી સેવાઓમાં હોશિયાર વિદ્યાર્થીઓની નોંધણીને અટકાવી રહી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution