અમદાવાદ-
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર સુનામીની જેમ ત્રાટકી છે. કેસો એટલા મોટા પ્રમાણમાં વધી ગયા ચ કે, ઓક્સિજન, રેમડેસીવીર ઈન્જેકશન, હોસ્પિટલમાં બેડ સહિતની અછત સર્જાઈ છે. આવા જોખમભર્યા સમયમાં પણ સાણંદના નવાપુરા - નિધરાડ ગામે ધાર્મિક મેળાવડો યોજાયો જેમાં 1000 જેટલી મહિલાઓ માથા પર પાણીના બેડા રાખી મંદિરે પહોંચી હતી અને સાથે ડીજેના તાલે લોકો જુમ્યા હતા. આ ઘટનાનો વીડિયો વાઇરલ થયા પછી ગાઢ નિંદ્રામાં પોઢેલી પોલીસ જબકીને જાગી હતી અને ગુનો નોંધી, આયોજકો, સરપંચ, ડીજે સંચાલક સહિત 23 લોકોની ધરપકડ કરી હતી.
કોરોના કાળમાં યોજાયેલી ચૂંટણીઓમાં નેતાઓએ રેલીઓમાં હજારોની ભીડ ભેગી કરી હતી બાદમાં કોરોના સંક્રમણ ફાટી નીકળતા લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો. જોકે આજે જે ઘટના સામે આવી છે તેમા બેદરકાર રહેલા નાગરિકો ઉપર જ સવાલ ઉઠી રહ્યા છે. સાણંદ નવાપુરા-નિધરાડ ગામે યોજાયેલા કાર્યક્રમને લઈ સવાલ થાય કે શું આપણી નાગરિક તરીકે કોઈ જ જવાબદારી નથી? જ્યાં રાજ્યમાં મીની લોકડાઉન અને ધાર્મિક કે સામાજિક મેળાવડા પર પ્રતિબંધ હોવા છતાં એક ધાર્મિક પ્રસંગોમાં હજારો લોકો માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ વગર ભેગા થયા મહિલાઓ માથે પાણીના બેડા લઈને જતા હોવાનો વીડિયો વાઇરલ થયો છે. વીડિયો વાઇરલ થતા જ ચાંગોદર પોલીસ હરકતમાં આવી હતી અને 4 આયોજકો સામે ગુનો નોંધ્યો છે. સમગ્ર ઘટનામાં જિલ્લા પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થયા છે.