દિલ્હી-
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પાર્ટી છોડનારા લોકો પર નિશાન સાધ્યું છે. સોશિયલ મીડિયા કાર્યકરોની એક બેઠકમાં રાહુલે કહ્યું હતું કે, જેને ડર છે તે ભાજપમાં જશે. શુક્રવારે વર્ચુઅલ મીટિંગમાં વાયનાડના સાંસદે કહ્યું કે જેઓ ડરશે તે ભાજપમાં જશે, ભાજપ ડર બતાવીને લોકોને સાથે લાવે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલે ફરી એક વાર જ્યોતિરાદિત્ય સિંધિયા પર નિશાન સાધતા કહ્યું હતું કે સિંધિયા જી ડરી ગયા અને આરએસએસના થઈ ગયા, સિંધિયા જીને ડર હતો કે ભાજપ મારો મહેલ લઈ જશે, ઘરે લઇ જશે તે ડરથી તે ભાજપમાં ચાલ્યા ગયા. રાહુલે કહ્યું કે જેઓ ડરી રહ્યા છે તે ભાજપમાં જશે, જેઓ ડરશે નહીં તે કોંગ્રેસમાં રહેશે.
આપને જણાવી દઇએ કે સિંધિયા સિવાય જિતિન પ્રસાદ પણ હાલમાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જાેડાયા હતા. રાહુલે કહ્યું કે અમને ર્નિભય લોકોની જરૂર છે. ડરનારાઓને કહો, જાઓ ભાગો નથી જાેઈતા. રાહુલે કહ્યું, જે બીજી પાર્ટીમાં નીડર લોકો છે તે અમારા છે. તેમને લઈને આવો. સિંધિયાને હાલમાં જ મોદી પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું છે. ગત વર્ષે ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયામાં સિંધિયા તરફી ધારાસભ્યો મધ્યપ્રદેશમાં અગાઉની કોંગ્રેસ સરકારનો ટેકો પાછો ખેંચ્યાના થોડા દિવસ બાદ કમલનાથની સરકાર પડી ગઈ હતી. જે બાદ સિંધિયા ભાજપમાં જાેડાયા હતા અને એમપી યુનિટના નેતાઓ પર આક્ષેપો કર્યા હતા.