એ મૃત માછલીઓ તળાવમાં કૂદી ગઈ!

વાત છે સન ૧૭૮૬ની. અને ગામ છે - ઉત્તર ભારતના મહાપવિત્ર તીર્થ અયોધ્યાથી થોડા જ અંતરે વસેલું ‘છપૈયા.’ સૂર્યોદય થયાને લગભગ સવા-દોઢ કલાક વીતી ગયો છે. આખા ગામનું વાતાવરણ મંગલમય બની ચૂક્યું છે. ક્યાંકથી ભગવાન શ્રી રામની આરતી સંભળાય છે, તો વળી કોઈક ઘરમાંથી હનુમાન ચાલીસાના પારિવારિક સમૂહ પાઠનો મંગલ ધ્વનિ સંભળાય છે; ગામના મંદિરોમાંથી સવારની પહોરમાં પહોંચી ગયેલાં દર્શનાર્થીઓ દ્વારા થતો ઘંટારવ સંભળાય છે, તો વળી ગામના રસ્તેથી પસાર થતા બળદ-ગાડાંઓની રણઝણતી ઘંટડીઓનો મીઠાશ પણ અનુભવાય છે. ગામડાનું આવું મધુર વાતાવરણ બાળકોને ખેલ-કૂદ માટે અનુકૂળ આવે એમાં શી નવાઈ? અને તેથી જ આજે વેણી, માધવ, પ્રાગ, રઘુનંદન અને સુખનંદન – આ તમામ બાળમિત્રો પહોંચી ગયા છે ગામના ‘મીન સરોવર’ પાસે... કારણ કે, આજે તેઓના વ્હાલા સખા, બાળપ્રભુ ઘનશ્યામ સાથે મનગમતો રમતોત્સવ ગોઠવાયો છે. કોઈક મિત્ર પ્રિય ઘનશ્યામ માટે ફૂલનો હાર બનાવીને લાવ્યો છે, તો કોઈક મિત્ર બાળપ્રભુને શણગારવા ફૂલના બાજુબંધ લઈને આવ્યા છે... સહુ કોઈ પ્રેમભાવથી પ્રભુ શ્રીઘનશ્યામ સાથે જાેડાયા છે, તેથી જ તો સૌની ભક્તિ ઘનશ્યામ અંગીકાર કરી રહ્યા છે. મિત્રોએ પ્રભુ શ્રી ઘનશ્યામને વિનંતી કરી, ‘ઘનશ્યામ! આજે આ પીપળાની ડાળે આપણે સૌ ઝૂલીએ?’ મિત્રોનો પ્રેમ સ્વીકારતાં ઘનશ્યામ પ્રભુ વૃક્ષની ડાળીએ ઝૂલવા લાગ્યા. પરંતુ ત્યાં જ તેઓની નજર ગઈ એ મીન સરોવર ઉપર, જ્યાં એક ખૂંખાર, પડછંદ, ર્નિદય માણસ નિષ્ઠુરતાથી માછલાં પકડતો હતો. તેણે તળાવના કિનારે, એક ટોપલામાં માછલીઓ પણ ભેગી કરી હતી. માછલીઓને ટોપલામાં પાણી વિના તરફડતી જાેઈને દયાળુ પ્રભુ ઘનશ્યામની આંખોમાં જાણે કરુણાનો સાગર છલકાઈ રહ્યો. ઘનશ્યામ પ્રભુએ માત્ર સંકલ્પ કર્યો કે ‘આ માછલીઓની રક્ષા થાઓ...’ અને તરત જ જાણે તે ટોપલામાં રહેલી, મરેલી કે તરફડતી માછલીઓમાં જાણે નવું જ ચેતન ફૂંકાયું. બધી માછલીઓ ટોપલામાંથી કૂદી-કૂદીને આનંદપૂર્વક તળાવમાં કૂદવા માંડી! પ્રભુ શ્રી ઘનશ્યામના મિત્રો તો આ લીલા જાેઈને દંગ જ રહી ગયા. પરંતુ જ્યારે પેલા કદાવર, કાળમુખા આદમીને આ વાતની ખબર પડી ત્યારે તે ગુસ્સાથી રાતો-પીળો થઈ ગયો, ‘ઊભા રે’જાે છોકરાઓ! તમારી ખેર નથી... મારી માછલીઓને પાછી પાણીમાં નાંખી દીધી? મારી બધી જ મહેનત પર પાણી ફેરવી દીધું? હમણાં તમને એવો મેથીપાક ચખાડું...’ એટલું કહેતાં તે ઘનશ્યામ તરફ ધસ્યો, ‘કે આખી જિંદગી મારી માછલીઓને અડવાની તમારી હિંમત નહીં ચાલે...’

આટલું કહેતાં, જ્યાં તેણે શ્યામને મારવા માટે હાથ ઉગામ્યો, ત્યાં તો તેને છપૈયા, મીન-સરોવર, બાળકો કે ઘનશ્યામ દેખાતા બંધ થઈ ગયા! તે જાણે યમના દ્વારે પહોંચી ગયો હોય, તેવું તેને દેખાવા લાગ્યું. સાક્ષાત્‌ યમરાજ તેની સામે ઊભા હતા! અને હજી તે કશું વિચારે પહેલાં જ યમના દૂતો તે માછલીઓ મારનારને ધીબેડવા લાગ્યાં. ‘બચાવો! બચાવો...’ની બૂમો પાડતો તે મત્સ્યઘાતક જમીન પર પડી ગયો, ઉછળવા લાગ્યો... બાળપ્રભુ ઘનશ્યામના મિત્રો તો આ જાેઈને ડઘાઈ જ ગયાં. કરુણાભરી દૃષ્ટિથી જ્યારે ઘનશ્યામ પ્રભુએ તેની સામે જાેયું, કે તરત તે જાગૃત થયો. સીધો ઘનશ્યામ મહારાજના ચરણોમાં પડીને કરગરવા લાગ્યો, ‘પ્રભુ મારી રક્ષા કરો! આ પાપમાંથી મને મુક્ત કરો. હે ઘનશ્યામ! મેં આપને ઓળખ્યા નહીં...’

ઘનશ્યામ મહારાજે પ્રેમથી સમજાવતાં કહ્યું, ‘ભલા માણસ! તું આ ફોગટની હિંસા શા માટે કરે છે? જાે તારે પેટ જ ભરવું હોય, તો ભગવાને તને હાથ-પગ આપ્યાં છે, તેનાથી મહેનત કરીને પેટ ભર... આમ, કોઈકને મારીને પાપ જ ભેગું કરવું કેટલું યોગ્ય છે? જેમ તને જીવવાનો અધિકાર છે, તેમ આ નાના જીવોને પણ જીવવાનો અધિકાર છે. જાે આપણે કોઈને જીવન ન આપી શકતા હોઈએ, તો કોઈનું જીવન છીનવી લેવાનો આપણને કોઈ અધિકાર નથી...’ પ્રભુ શ્રી ઘનશ્યામનો આ પાવનકારી સંદેશ ગ્રહણ કરી તે વ્યક્તિ જાણે પશુમાંથી મનુષ્ય બન્યો – તેણે હિંસાનો માર્ગ છોડીને સદા અહિંસાના માર્ગે ચાલવાના શપથ લીધા!

આ બાળપ્રભુ ઘનશ્યામ એટલે બીજું કોઈ નહીં પરંતુ પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણ, જેઓએ અહિંસામય સનાતન હિન્દુ ભક્તિ પરંપરાની, શુદ્ધ ઉપાસના અને પવિત્ર આચાર-વિચારથી યુક્ત સનાતન ધર્મ-પરંપરાની – ‘સ્વામિનારાયણ સંપ્રદાય’ની સ્થાપના કરી. અને તેથી જ તેઓની ગુણાતીત ગુરુપરંપરાના વર્તમાન ગુરુ અને ભગવાન શ્રી સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી, બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ આધુનિક જમાનાની આચારસંહિતા કહી શકાય એવા ‘સત્સંગદીક્ષા’ શાસ્ત્રમાં અહિંસાનો જ એક સુંદર ઉપદેશ આપે છે ઃ

मनुष्याणां पशूनां वा मत्कुणादेश्च पक्षिणाम्।

केषाञ्चिज्जीवजन्तूनां हिंसा कार्या न कर्हिचित्॥३३॥

अहिंसा परमो धर्मो हिंसा त्वधर्मरूपिणी।

श्रुतिस्मृत्यादिशास्त्रेषु स्फुटमेवं प्रकीर्तितम्॥३४॥

એટલે કે ‘ક્યારેય મનુષ્ય, પશુ, પક્ષી, તથા માંકડ આદિક કોઈ પણ જીવજંતુઓની હિંસા ન કરવી. અહિંસા પરમ ધર્મ છે, હિંસા અધર્મ છે એમ શ્રુતિ-સ્મૃત્યાદિ શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે.’ (સત્સંગદીક્ષા ૩૩-૩૪)

પરંતુ શું આ ‘અહિંસા’ની વ્યાખ્યા કેવળ પશુ-પંખીઓને ન મારવાથી જ અટકી જાય છે? ‘અહિંસા’નો કોઈ વિશેષ અર્થ થાય છે ખરો? કેવળ કર્મથી જ હિંસા કરી કહેવાય? મનથી કે વચનથી પણ શું હિંસા થઈ શકે? આવો, આ તમામ પ્રશ્નોના વિશિષ્ટ ઉત્તરોને માણીએ ‘પ્રમુખ દર્શન’ના આવનારા અંકોમાં...


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution