અમદાવાદ-
ગુજરાતના હોનહાર યુવાઓને એનસીસી અને એનએસએસ જેવી રાષ્ટ્રનિર્માણ અને દેશસેવાની પ્રવૃત્તિઓમાં જાેડાવા માટે રાજ્ય સરકાર તમામ પ્રોત્સાહન આપી રહી છે. તાજેતરમાં જ સરકાર દ્વારા ગુજરાતના તટવર્તી અને સીમાવર્તી ક્ષેત્રોમાં એનસીસી યુનિટ્સ પણ વધારવામાં આવી છે. તેવા સમયે અમદાવાદના સેડ્રિક સિરિલે એનસીસીના માધ્યમથી ભારતીય નૌકાદળમાં અધિકારી તરીકે જાેડાઇને માતૃભૂમિ ગુજરાત અને ગુજરાતીઓને અપાર ગૌરવ અપાવ્યું છે. સેડ્રિકની આ સિદ્ધિ ગુજરાત સરકારના યુવા પ્રોત્સાહન થકી રાષ્ટ્રનિર્માણ અને રાષ્ટ્રસેવાના અભિગમની પરિચાયક છે. આ સિદ્ધિ એ પણ દર્શાવે છે કે ગુજરાતીઓ માત્ર વેપાર-ધંધામાં જ હોનહાર નથી, પણ પોતાની કુનેહ, ઉત્કૃષ્ટતા અને બુદ્ધિક્ષમતાથી સશસ્ત્ર દળોમાં પણ જાેડાઇ શકે છે. પરિવાર સાથે ક્રિસમસની ઉજવણી માટે માદરેવતન અમદાવાદ આવેલા સેડ્રિકે જણાવ્યું હતું કે, પહેલા તેનો વિચાર મર્ચન્ટ નૅવીમાં જાેડાવાનો હતો, પણ પિતાએ એના બદલે નેવીમાં જઇને દેશ માટે કંઈક કરવા પ્રોત્સાહિત કર્યો. બસ પછી તો પૂછવું જ શું? સેડ્રિકે પોતાના આ સ્વપ્નને પૂર્ણ કરવા બાળપણથી જ કમર કસી લીધી હતી.
દેશ સેવાના સ્વપ્ન સાથે જ સેડ્રિક અમદાવાદમાં આવેલા એનસીસીના ‘૧ ગુજરાત નૅવલ યુનિટ’માં જાેડાયો અને તેના સ્વપ્નએ હકીકતનું રૂપ ધારણ કરવા તરફ પ્રયાણ કર્યું. સેડ્રિકે ‘૧ ગુજરાત નૅવલ યુનિટ’ની મુશ્કેલ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન દર્શાવીને ટોપ કર્યું હતું. આ યુનિટમાં જ સેડ્રિકે ત્રણ વર્ષની એનસીસીની તાલીમ પૂરી કરી. આ તાલીમ દરમિયાન સેડ્રિકે ચાર કૅમ્પ કર્યાં, જે પૈકી તિરૂપતિ ખાતે યોજાયેલા નૅશનલ કૅમ્પમાં સેડ્રિકને ઉત્તમ પ્રદર્શન માટે ગોલ્ડ મેડલ પણ પ્રાપ્ત થયો. આ સફળતાએ સેડ્રિકને વધુ પ્રોત્સાહન પ્રદાન કર્યું હતું. માતૃભૂમિ માટે કંઈક કરવાની ચાહત સેડ્રિકને એન.સી.સી.થી નૅવીમાં એક અધિકારીના પદ સુધી લઇ ગઇ. સેડ્રિકે એનસીસીની ત્રીજા વર્ષના અંતે લેવાતી ‘સી’ સર્ટિફિકેટની પરીક્ષા આલ્ફા ગ્રેડ સાથે પાસ કરીને ગુજરાત સ્ટેટમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. ‘સી’ સર્ટિફિકેટની પરીક્ષામાં મળેલી ઉત્તમ સિદ્ધિએ સેડ્રિક માટે ઇન્ડિયન નેવીના દરવાજા ખોલી નાખ્યાં.
અહીં ખાસ નોંધવું જરૂરી છે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવાતી કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસિઝ પરીક્ષામાં એનસીસી થકી આવતા કેડેટ માટે છ બેઠક અનામત હોય છે, મતલબ કે એનસીસી થકી આવેલા હોનહાર ઉમેદવારને સીડીએસની પરીક્ષા પાસ કરવી પડતી નથી અને સીધો જ તાલીમમાં પ્રવેશ મળે છે. સેડ્રિકે એનસીસી માટે જે છ સીટ આરક્ષિત હોય છે તે પૈકીની એક બેઠકમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સિલેક્શન સેન્ટર સેન્ટ્રલ ભોપાલ - ૨૦ સર્વિસિઝ સિલેક્શન બોર્ડ ખાતે સાત-આઠ દિવસ સુધી ચાલતા ઉમેદવારોના સઘન તબીબી પરીક્ષણમાં પણ સેડ્રિક એનસીસી એન્ટ્રી પૈકી પ્રથમ ક્રમ મેળવીને સિલેક્ટ થયો હતો. કેરળના એઝીમલામાં આવેલી ઇન્ડિયન નૅવલ અકાદમીમાં સેડ્રિકે એક વર્ષની તાલીમ મેળવી.