આ સિઝન શીખવાની અને ઘણી મહાન યાદોથી ભરેલી રહી ગુજરાતના કેપ્ટન શુભમન ગિલ


 આ સિઝન શીખવાની અને ઘણી મહાન યાદોથી ભરેલી રહી ગુજરાતના કેપ્ટન શુભમન ગિલ

નવી દિલ્હી

IPL-2024માં સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ ગુરુવારે વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. ગુજરાતની આ સિઝનની આ છેલ્લી મેચ હતી. છેલ્લી બે IPLની ફાઇનલિસ્ટ અને એક વખતની ચેમ્પિયન ગુજરાત આ વખતે પ્લેઑફમાં જગ્યા બનાવી શકી નથી. હૈદરાબાદ સામેની મેચ બાદ ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે એક ઈમોશનલ પોસ્ટ કરી હતી.

તેણે લખ્યું, 'અમને આ પ્રકારના અંતની અપેક્ષા ન હતી, પરંતુ આ સિઝન શીખવા અને ઘણી શાનદાર યાદોથી ભરેલી રહી છે. હું ત્રણ વર્ષથી આ સુંદર પરિવારનો ભાગ છું. તે એક જર્ની છે જે હું ક્યારેય ભૂલીશ નહીં. હું એવા તમામ ચાહકોનો આભાર માનું છું જેમણે મુશ્કેલ સમયમાં અમારો સાથ આપ્યો અને અમને પ્રેમ બતાવ્યો.'

હૈદરાબાદમાં ગુરુવાર સાંજથી રાત સુધી વરસાદ પડ્યો હતો. આવી સ્થિતિમાં અમ્પાયરોએ બંને કેપ્ટન સાથે ચર્ચા કર્યા બાદ મેચ રદ કરવાનો નિર્ણય લીધો હતો. બંને ટીમને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો હતો. આ સાથે સનરાઇઝર્સની ટીમ વર્તમાન સિઝનના પ્લેઑફમાં પહોંચી ગઈ છે. હૈદરાબાદ પ્લેઑફમાં પહોંચનારી ત્રીજી ટીમ બની હતી. બીજી તરફ ગુજરાતની સતત બીજી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. ગુજરાત 14 મેચ બાદ માત્ર 12 પોઈન્ટ સુધી પહોંચવામાં સફળ રહ્યું છે. ગુજરાતની સતત બીજી મેચ વરસાદના કારણે રદ થઈ હતી. છેલ્લી મેચ કોલકાતા સામે હતી. GT એ જ મેચથી પ્લેઑફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી.GT માટે સાઈ સુદર્શને સૌથી વધુ રન બનાવ્યા હતા

આ સિઝનમાં GT ટીમનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. સાઈ સુદર્શન અને કેપ્ટન શુભમન ગિલ સિવાય ટીમમાં કોઈ બેટ્સમેન સારા ફોર્મમાં નહોતો. ટીમ તરફથી સાઈ સુદર્શને સૌથી વધુ રન બનાવ્યા હતા. તેના નામે 12 મેચમાં 527 રન છે. ગિલે 12 મેચમાં 426 રન બનાવ્યા હતા. બોલિંગ લિસ્ટમાં મોહિત શર્મા ટોપ પર છે. તેણે 13 વિકેટ લીધી છે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution