આ ક્ષણઃ કેપ ઓફ ગુડ હોપ

ઘણાંની ઈચ્છા હશે કે આજનો દિવસ બહુ મસ્ત જાય તો સારું. દિવસ એટલે ચોવીસ કલાક. કલાક એટલે સાંઠ મિનિટ. મિનિટ એટલે સાંઠ સેકન્ડ અને સેકન્ડ એટલે આપણી ઉપરથી પસાર થઈ રહેલી વર્તમાન ક્ષણ. આ ક્ષણ પાસે બે ખાના હોય છે. એક ભરેલું અને એક ખાલી. ભરેલા ખાનામાં તમારા વીતી ગયેલા સમયના, સદ્‌ઉપયોગ કે દુરુપયોગનું વ્યાજ સહિતનું ફળ હોય છે. જયારે ખાલી ખાનામાં વર્તમાન ક્ષણ તમારા ફોટોઝ કેપ્ચર કરે છે.

આખો દિવસ કે વર્ષ કે જીવન આપણી પાસે ક્ષણ સ્વરૂપે જ આવે છે. તમે એ ક્ષણમાં સ્માઈલ કર્યું તો ખાલી ખાનામાં સ્માઈલની એફ.ડી. બની, જાે રડ્યા તો આંસુની. મિનિટ કાંટો હિસાબ રાખે છે, પાંત્રીસ સેકન્ડ સ્માઈલ અને પચ્ચીસ સેકન્ડ ગુસ્સો. કલાક કાંટો પચાસ મિનિટ આનંદ અને દસ મિનિટ દુઃખ જમા કરે છે. આ રીતે તૈયાર થાય છે તમારો મસ્ત દિવસ. ગુડ ડે અથવા બેડ ડે. હવે તમે નક્કી કરો, શાની એફ.ડી. બનાવવી છે? આનંદની, મોટીવેશનની, મૌજે દરિયાની કે પછી દુઃખના રોદણાં રોવાની?

જાે તમે માનતા હો કે તમે દુઃખી છો તો હું તમને કહી દઉં કે દુનિયામાં કોઈ એવું ઘર કે પરિવાર નથી, જે આધિ, વ્યાધિ કે ઉપાધિથી મુક્ત હોય. કોઈના ઘરમાં વડીલ બિમાર છે, તો કોઈને દીકરાના લગ્નની ચિંતા છે, કોઈને ત્યાં પોલીસ વોરંટ બજાવવા આવી છે તો કોઈના ઘર પાસે એમ્બ્યુલન્સ ઊભી છે. કોઈએ કેન્સરના રિપોર્ટ કરવા આપ્યા છે તો કોઈ પાસે બેંક બેલેન્સ શૂન્ય થઈ ગઈ છે. દરેક પરિવાર કોઈ ને કોઈ પરીક્ષા આપી જ રહ્યું છે. અને તોયે...

ધગધગતા શરીર સાથે તારક મહેતા કા ઉલટા ચશ્માના કલાકારો હાસ્યની છોળો ઉડાવે છે, ઇન્જર્ડ થયા પછીયે સચિન તેંડુલકર ‘મૈ ખેલેગા’ બોલી વિશ્વને ચોંકાવે છે. એંશી એંશી વર્ષે વ્હીલચેર પર બેસીને સંતોએ મોટીવેશન પીરસ્યું છે. ડયુટી પર ઘવાયેલા અને સાજા થયા પછી કે પિતાના મૃત્યુમાં માત્ર બે કલાક હાજરી આપ્યા પછી ફરજ પર પરત ફરતા લોકો પેલી ક્ષણોને પોતાના સાહસ, હિમ્મત અને લગનથી જીતી રહ્યા છે. એના ખાલી ખાનામાં મસ્તી-જીત-સન્માન ભરી રહ્યા છે.

ના, તમારી આસપાસનું બ્લેક એન્ડ વ્હાઈટ વાતાવરણ એમને એમ રંગીન નહીં થાય, તમારે જ પ્રયત્ન કરવો પડશે. ચોતરફ આજે ઉત્સાહ, ઉમંગની તંગી વર્તાઈ રહી છે. અર્થશાસ્ત્રનો નિયમ કહે છે કે જેનો પૂરવઠો ઓછો હોય અને માંગ વધુ હોય એની કિંમત વધે. આજ કાલ સોના ચાંદીથીયે વધુ કીંમતી છે તેજસ્વી વાણી, પોઝિટીવ વિચાર અને ઉત્સાહ વર્ધક વર્તન. એવા સમયે એટલીસ્ટ તમે, તમારા પરિવાર માટે કેપ ઓફ ગુડ હોપ બની ઊભા રહો, વીતી રહેલી ક્ષણોને, સમયને માનપૂર્વક સાચવી લો, સંભાળી લો, તો કાળી રાત વીતી જ જવાની છે, સોનાનો સુરજ ઉગવાની તૈયારી જ છે, મેઘધનુષી સપ્તરંગો જિંદગીના આકાશમાં રેલાય એટલી જ વાર છે.. કેમ કે

હર ઘડી બદલ રહી હૈ રૂપ જિંદગી... છાવ હૈ કભી કભી હૈ ધૂપ જિંદગી...

હર પલ યહાં જી ભર જીઓ, જાે હૈ શમા કલ હો ન હો.

કાળા બજાર શબ્દમાં જ કાળો રંગ છે. ભ્રષ્ટાચાર, કાળાબજારી અને બેઈમાનીનો કાળો રંગ લઈને નીકળી પડેલા પશુઓને મારે એટલું જ કહેવું છે કે એકવાર તમારા ભૂતકાળમાં નજર કરી જાેજાે. શું એ કાળા રંગથી તમે પરિવાર માટે ખુશી, આનંદ કે પ્રસન્નતા ખરીદી શક્યા હતા ખરા? આવા બે પગાળા પશુઓને મારે એટલું જ કહેવું છે કે પશુત્વ છોડવાનો આ ગોલ્ડન ચાન્સ છે. ‘કમાઈ લેવાના દિવસો છે’ કે ‘માંડ મોકો મળ્યો છે’ એવો કુતર્ક જાે તમારો ભીતરી રાક્ષસ કરતો હોય તો એને જિંદગીભર સહન કરેલી આધિ, વ્યાધિ અને ઉપાધિની ખોટ યાદ અપાવજાે. ભીતરી મનુષ્યત્વ અને પશુત્વના આ મહાભારતમાં તમે ખુદ કૃષ્ણ બની મનુષ્યત્વને જીતાડો એવી શુભેચ્છા. બાકી વીતી રહેલી ક્ષણો તો તમારા ફોટા પાડી જ રહી છે.

જેમ આધિ, વ્યાધિ અને ઉપાધિ ફરજીયાત છે એમ જ પુરુષાર્થ, પ્રાર્થના અને પ્રસન્નતા પણ ગોડ ગીફ્ટ છે. આપણે પણ ઘણીવાર હોસ્પિટલે જઈ સાજાં થઈ પાછા આવ્યા છીએ. નોકરી છૂટ્યા પછી નવી અને વધુ સારી જાેબ આપણને મળી જ છે, પરીક્ષામાં ફેલ થયા પછીયે આપણે જિંદગીને હિમ્મતથી આગળ ધપાવી જ છે. ચાલીને માતાના મઢની કે અંબાજીની કે દ્વારકાની યાત્રાનો પુરુષાર્થ આરંભ કરી, આખા રસ્તે પ્રાર્થના કરતા જયારે મંદિર નજીક પહોંચીએ છીએ ત્યારે ફર ફર ફરકતી ધજા કેવી પ્રસન્નતા આપે છે?

તો બોલો તમારી સમક્ષ પ્રગટ થયેલી આ ક્ષણના ખાલી ખાનામાં તમે શું મૂકશો?

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution