અમદાવાદ-
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોની પસંદગીની કવાયત પણ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ આ વખતે ગુજરાતમાં ચાર પાર્ટીઓ વચ્ચે જંગ જામશે કારણ કે, ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી અને BTPની સાથે ગઠબંધન કરીને AIMIM પાર્ટી પણ દરેક બેઠક પર પોતાના ઉમેદવાર ઉભા કરશે. રાજસ્થાનમાં કોંગ્રેસે BTPની સાથે દગાખોરી કરી હોવાના કારણે છોટુ વસાવાએ ગુજરાતમાં પણ કોંગ્રેસની સાથે ગઠબંધન તોડ્યું છે અને ઔવેસીની પાર્ટી AIMIMની સાથે હાથ મિલાવ્યો છે. છોટુ વસાવાએ આગાઉ BTP AIMIM સાથે મળીને ગુજરાતમાં તમમાં બેઠકો પરથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે તેવું જાહેરાત કરી હતી. ત્યારે આ જાહેરાત પછી ફરી એક વખત ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
આ બાબતે અસુદ્દીન ઔવેસીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, પૂર્વ ધારાસભ્ય સાબિર કાબલીવાળાની AIMIMના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હોવાનું જાહેર કરતા આનંદ થાય છે. હું તેમને શુભેચ્છા પાઠવું છું. મને વિશ્વાસ છે કે, AIMIM ગુજરાતના લોકો માટે એક વિશ્વસનીય વિકલ્પ તરીકે ઉભરી આવશે.
ઉલ્લેખનીય છે કે, જ્યારથી ગુજરાતના રાજકારણમાં AIMIMની એન્ટ્રી થઇ છે. ત્યારે કોંગ્રેસના નેતાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ AIMIMને ભાજપની બી ટીમ ગણાવી હતી અને ભાજપ AIMIMને ગુજરાતમાં લાવીને કોંગ્રેસને તોડવા માગતી હોવાના આક્ષેપ પણ કર્યા હતા. કોંગ્રેસનો આ ડર હવે સાચો પણ સાબિત થઇ રહ્યો છે. કારણ કે, AIMIMએ સાબિર કાબલીવાલાને ગુજરાત પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે તે પહેલા કોંગ્રેસના નેતા હતા. વર્ષ 2017માં કોંગ્રેસે સાબિર કાબલીવાલાને ટિકિટ ન આપતા તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને પછી તેમને ફરીથી પોતાનું નામ પરત ખેંચ્યું હતું.