કચ્છ રણોત્સવમાં ટેન્ટ બાંધનાર કંપનીનો કોન્ટ્રાક્ટ રદ થાય તેવી સંભાવના, આ છે કારણ

અમદાવાદ 

ઉત્તરપ્રદેશમાં પ્રયાગરાજના કુંભમેળામાં ટેન્ટ બાંધવામાં કૌભાંડ કરનારી લાલુજી એન્ડ સન્સને પાંચ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી છે ત્યારે તેના પડઘા ગુજરાતમાં પડ્યા છે. ગુજરાતમાં કચ્છના રણોત્સવમાં પ્રવાસીઓ માટેની સુવિધા ઉભી કરવાની જવાબદારી વહન કરતી આ કંપનીને બ્લેકલિસ્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

રાજ્યના પ્રવાસન વિભાગના ટોચના અધિકારીએ કહ્યું હતું કે લાલુજી એન્ડ સન્સને ગુજરાતના કચ્છના રણોત્સવમાં ટેન્ટ બાંધવાનું અને પ્રવાસીઓને સુવિધાઓ પુરી પાડવાની કામગીરી આપવામાં આવેલી છે પરંતુ આ કંપનીએ ઉત્તરપ્રદેશમાં 109 કરોડનું કૌભાંડ કરતાં અમે પણ વિચારીએ છીએ કે પ્રવાસન વિભાગે આ કંપનીને કામ આપ્યું છે તે પાછું ખેંચી લેવામાં આવે. જો કે ગુજરાતમાં હજી સુધી એવું કોઇ કૌભાંડ બહાર આવ્યું નથી તેમ છતાં તકેદારીના પગલાં રૂપે આ કંપનીનો કોન્ટ્રાક્ટ કેમ રદ ન કરવો તેની વિચારણા ચાલી રહી છે.

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા કુંભમેળાવમાં લાલુજી એન્ડ સન્સે ખોટાં બીલો મૂકીને સરકારના 109 કરોડ રૂપિયાની ઉચાપત કરી છે. લાલુજી એન્ડ સન્સના ભાગીદારો પર પોલીસ કેસ પણ કરવામાં આવ્યો છે અને પાંચ વર્ષ માટે તેને બ્લેકલિસ્ટેડ કરી દેવામાં આવી છે ત્યારે ગુજરાત સરકાર પણ આ કંપનીને કચ્છના રણોત્સવથી દૂર રાખે તેવી સંભાવના વધી રહી છે.

લાલુજી એન્ડ સન્સને કોન્ટ્રાક્ટ આપ્યાં પછી કચ્છના રણમાં રણોત્સવની જે બ્યુટી હતી તે ધીમે ધીમે ઘટી રહી છે. પ્રવાસીઓ તો આવે છે પરંતુ સ્થાનિક લોકોનો રોજગાર છીનવાઇ રહ્યો છે. કચ્છના પરિવારોએ બનાવેલા તંબુ હવે પડ્યા રહે છે અને અનેક એજન્સીઓએ આ કામના કોન્ટ્રાક્ટ લઇને ઉંચા ભાડા વસૂલ કરવાનું શરૂ કર્યું છે.

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રણોત્સવની શરૂઆત કરી હતી. તેમણે ગુજરાત સરકારના આઇએએસ અને આઇપીએસ ઓફિસરોને કચ્છના રણમાં લઇ જઇને ચિંતન શિબિર પણ યોજી હતી. મોદીએ જ્યારે પ્રથમવાર રણોત્સવ જાહેર કર્યો ત્યારે એમ હતું કે કચ્છના પરંપરાગત ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે. કચ્છી પરિવારોએ બનાવેલા તંબુઓમાં પ્રવાસીઓ રોકાશે અને બદલામાં તેમને રોજગાર મળશે. કચ્છની કલા વિદેશમાં મશહૂર થશે.

જો કે આજે આટલા વર્ષો પછી કચ્છનો રણોત્સવ ફીક્કો પડી રહ્યો છે, કારણ કે સ્થાનિકોની બાદબાકી થઇ છે અને વિવિધ કંપનીઓ ઘૂસી ગઇ છે. કચ્છના સ્થાનિક યુવાનોને ટુરિઝમ મિત્ર બનાવવાની યોજના પણ બંધ થઇ ચૂકી છે. સ્થાનિક લોકોને હવે સ્ટોલ મળતા નથી. સ્થાનિક લોકોના તંબૂમાં રહેવા માટે કોઇ જતું નથી, કારણ કે ખાનગી કંપનીઓ એડવાન્સ ઓનલાઇન બુકિંગ કરાવી રહી છે.

રણોત્સવમાં ટેન્ટ સિટી બનાવવામાં આવે છે ત્યારે તેમાં સ્થાનિક કલાકારોને પ્રાધાન્ય આપવામાં આવતં હતું પરંતુ હવે થી પ્રાઇવેટ કંપનીઓના પ્રવેશ પછી તે બંધ થયું છે. રણોત્સવમાં કચ્છને પ્રવાસીઓ તો મળે છે પરંતુ સ્થાનિક લોકોનું ઇન્વોલમેન્ટ ઘટી રહ્યું છે. સરકારનું ટુરિઝમ કોર્પોરેશન પણ તેની આવક ગુમાવી રહ્યું છે.

ગુજરાતમાં પાંચ વર્ષથી કચ્છના રણોત્સવનું ખાનગીકરણ થયું છે. લાલુજી એન્ડ સન્સને રણોત્સવનું કામ આપી દીધા પછી સ્થાનિક લોકોને સૌથી મોટી અસર થઇ છે. ટુરિઝમ કોર્પોરેશને સ્થાનિક લોકોની રોજગારીને અસર ન થાય તે રીતે આ મહોત્સવનું સંચાલન કરવું જોઇએ તેવી માગણી કચ્છના સ્થાનિક આગેવાનોએ કરી છે, કારણ કે રણોત્સવ પછી આ જગ્યાએ કોઇ ફરકતું નથી. તેમને કમાવવાનો મોકો માત્ર ચાર મહિના મળે છે. આ સંજોગોમાં સ્થાનિક રોજગારી જળવાઇ રહે તે હેતુથી લાલુજી એન્ડ સન્સને શંકાના આધારે દૂર કરવામાં આવે તેવી વિચારણા પ્રવાસન વિભાગ ઉપરાંત સીએમઓમાં ચાલી રહી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution