આને કહેવાય માનવતા....એટલા માટે સોનુ સૂદે પોતાનું ઘર અને દુકાન ગીરવે મૂક્યું!

 મુંબઇ 

સોનુ સૂદ લૉકડાઉનના સમયથી વિવિધ રીતે જરૂરિયાતમંદ લોકોને મદદ કરી રહ્યો છે. સોનુ સૂદે પ્રવાસી શ્રમિકોને તેમના વતન મોકલ્યા હતા. સોનુ સૂદે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે પોતાની સંપત્તિ ગીરવે મૂકી છે. સોનુએ બે દુકાનો તથા છ ઘર ગીરવે મૂકીને 10 કરોડ રૂપિયાની લોન લીધી છે.

અહેવાલ પ્રમાણે, સોનુ સૂદે જુહૂ સ્થિત કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી બે દુકાનો તથા શિવ સાગર કોઓપરેટિવ હાઉસિંગમાં આવેલા છ ફ્લેટ ગીરવે મૂક્યા છે. આ બિલ્ડિંગ જુહૂના ઈસ્કોન મંદિર નજીક એબી નાયર રોડ પર આવેલી છે. સોનુ સૂદે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકમાંથી 10 કરોડ રૂપિયાની લોન લીધી છે.

15 સપ્ટેમ્બરના રોજ એગ્રીમેન્ટ સાઈન કરવામાં આવ્યો હતો અને 24 નવેમ્બરના રોજ રજિસ્ટ્રેશન થયું હતું. ડોક્યુમેન્ટ્સ પ્રમાણે, સોનુ સૂદે 10 કરોડની લોનની રજિસ્ટ્રેશન ફી માટે પાંચ લાખ રૂપિયા ચૂકવ્યા છે. આ સંપત્તિ સોનુ સૂદ તથા તેની પત્ની સોનાલીના નામે છે. સોનુ સૂદ તથા તેની ટીમ તરફથી હજી સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રિયલ એસ્ટેટ એક્સપર્ટના મતે, હોમ લોન કરતાં પ્રોપર્ટી લોનનો વાર્ષિક દર 12-15 ટકા હોય છે. સામાન્ય રીતે આ લોન 10-15 વર્ષની હોય છે.

સોનુ સૂદે લૉકડાઉન દરમિયાન શ્રમિકોને બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ સહિત વિવિધ રાજ્યોમાં મોકલ્યા હતા. તેણે શ્રમિકોની મદદ કરવા માટે ટોલ ફ્રી નંબર પણ શરૂ કર્યો હતો. સોનુ સૂદે સ્પેશિયલ બસોની વ્યવસ્થા કરી હતી. આ ઉપરાંત સોનુ સૂદે મુંબઈથી 170 શ્રમિકોને ફ્લાઈટમાં દેહરાદૂન, ઉત્તરાખંડ મોકલ્યા હતા. આ પહેલાં તેણે કેરળથી 167 શ્રમિકોને ઓરિસ્સા ફ્લાઈટમાં મોકલ્યા હતા.

સોનુ સૂદે મુંબઈમાં હેલ્થ વર્કર્સને PPE કિટ્સ દાન આપી હતી. પંજાબમાં 1500 PPE કિટ્સ દાનમાં મોકલાવી હતી. મહારાષ્ટ્રમાં 25 હજાર પોલીસ અધિકારીઓને ફેસશિલ્ડ દાનમાં આપ્યા હતા. જુલાઈમાં સોનુ સૂદે સ્પેશિયલ ચાર્ટર્ડ ફ્લાઈટ કરીને કિર્ગીસ્તાનથી 135 ભારતીય વિદ્યાર્થીઓને વારાણસી મોકલ્યા હતા.સોનુ સૂદને યુનાઈટેડ નેશન ડેવલપ્મેન્ટ પ્રોગ્રામ (UNDP)એ સ્પેશિયલ અવોર્ડથી સન્માનિત પણ કર્યો છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution