લોકસત્તા ડેસ્ક
કોરોના આવ્યો ત્યારથી સમયાંતરે તેનાં લક્ષણો બદલાતાં રહ્યાં છે. કોરોનાનાં વિવિધ લક્ષણોમાંથી બે મુખ્ય લક્ષણો હોય તો એ સ્વાદ અને સૂગંધ જતી રહેવાના છે. આ લક્ષણો અત્યાર સુધી ઘણા દર્દીઓમાં જોવાં મળી ચૂક્યાં છે. પરંતુ આ લક્ષણો અંગે એક સારી બાબત એ સામે આવી છે કે જો દર્દીઓમાં આ લક્ષણો જોવા મળે તો તેમનું સ્વાસ્થ્ય નબળું થવાનું જોખમ ઓછું રહે છે.
ભારતીય ડોકટર્સની એક ટીમ એવો દાવો કરે છે કે, આ લક્ષણો ખરેખર સારા સંકેતો છે. સ્વાદ અને સુગંધ ગુમાવતા દર્દીઓમાં ગંભીર બીમારી થવાનું જોખમ નોંધપાત્ર રીતે ઓછું હોય છે. આ લક્ષણોથી પીડાતા દર્દીઓમાં શ્વાસ સંબંધિત સમસ્યાઓ જોવા નથી મળતી. સામાન્ય રીતે કોરોનાના દર્દીઓમાં આવા અટેક વાઇરસના 14 દિવસની અંદર આવે છે.
વિશ્વભરમાં કોરોના રોગચાળો હવે તેના 10મા મહિનામાં પ્રવેશી ગયો છે. આ સમય દરમિયાન, લગભગ તમામ દેશોમાં મોટી સંખ્યામાં દર્દીઓમાં સ્વાદ અને સુગંધ જતી રહેવાના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. જો કે, આ સમસ્યા સામાન્ય રીતે ત્રણથી ચાર અઠવાડિયામાં ઉકેલાઈ જાય છે.
કોરોનાના ઘણા દર્દીઓમાં સ્વાદ અને સુગંધ જતી રહેવાના સંપૂર્ણ કારણો હજી અસ્પષ્ટ છે. પરંતુ એવું માનવામાં આવે છે કે વાઇરસ સેન્સ સાથે સંકળાયેલ ચેતાને અસર કરે છે. તેથી, આવું થાય છે. સ્વાદ અને સુગંધ ફક્ત કોરોના સુધી મર્યાદિત નથી. તે શરદી, સાઇનોસાઇટિસ જેવા સામાન્સ કિસ્સાથી લઇને બ્રેન ટ્યૂમર જેવા ગંભીર કિસ્સાઓમાં પણ હોઈ શકે છે.
ડોક્ટર્સ એ પણ સલાહ આપે છે કે, કોઈપણ લક્ષણોને અવગણો નહીં. સહેજ પણ શંકા લાગે તો કોરોનાનો ટેસ્ટ કરાવીને ખાતરી કરી લો અને તમામ ગાઇડલાઇન્સનું પાલન કરો. તમારું ટેમ્પરેચર અને ઓક્સિજન લેવલ ચેક કરતાં રહો.