આ તો ‘હિન્દુ’ની સાવ નવી જ વ્યાખ્યા થઈ!

‘હિન્દુ’ શબ્દ સાંભળતાં જ મનમાં ઘણાં બધાં દૃશ્યો ઉપસી આવે. કેટલી બધી વ્યાખ્યાઓના શબ્દો માનસપટથી સ્ફૂરવા માંડે – ‘વેદો અને ઉપનિષદોને માને તે હિન્દુ...’ ‘અવતારવાદમાં માને (ભગવાન મનુષ્યરૂપે પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે તેવી માન્યતા ધરાવે) તે હિન્દુ...’ ‘મૂર્તિપૂજામાં માને તે હિન્દુ...’ ‘જેનું કપાળ (કોઈપણ પ્રકારનાં) તિલક કે ચાંદલાથી શોભતું હોય તે હિન્દુ...’ ‘જે વિધિ-વિધાન અને યજ્ઞ-પરંપરામાં માને તે હિન્દુ...’ વગેરે... પરંતુ તાજેતરમાં જ હિન્દુ શબ્દની એક વિશિષ્ટ વ્યુત્પત્તિ ચર્ચામાં આવી છે. કોઈક ચિંતકે સંસ્કૃતમાં ખૂબ સુંદર વ્યાખ્યા કરી છે – ‘हिंसया दूयते’ તે હિન્દુ! અર્થાત્‌ ‘જે હિંસાથી હેરાનગતિ અનુભવે તે હિન્દુ કહેવાય...’ આ તો ‘હિન્દુ’ની સાવ નવી જ વ્યાખ્યા થઈ!!!

પણ એક રીતે જાેવા જઈએ તો આ વ્યાખ્યા કાંઈ નવી નથી. હિન્દુ સનાતન ધર્મમાં અહિંસા એ પાયાનો ગુણ ગણાયો છે. મહાભારતના યુદ્ધ પછી બાણશય્યા ઉપર સૂતેલા ભીષ્મ યુધિષ્ઠિરને સમજાવે છે ઃ ‘अहिंसा परमो धर्मः तथाऽहिंसा परो दमः। अहिंसा परमं दानम् अहिंसा परमं तपः॥ (अनुशासपर्व ११६/२८)’ એટલે કે અહિંસા જ પરમ ધર્મ છે અને અહિંસા જ પરમ સંયમ છે, અહિંસા જ પરમદાન છે અને અહિંસા જ પરમ તપ છે. તો વળી શ્રીમદ ભાગવત મહાપુરાણમાં અહિંસાને તો ભગવાનના વિભૂતિ સ્વરૂપે જ ગણવામાં આવી છે ઃ ‘व्रतानाम् अवहिंसनम् (भागवतम् ११/१६/२३)’ આટલું જ નહીં, શ્રુતિશાસ્ત્ર સમા ઉપનિષદમાં પણ આ જ વાતને દોહરાવવામાં આવી છે ઃ ‘सर्वभूतानि अहिंसनं ब्रह्मलोकम् अभिसम्पद्यते। (छान्दोग्यपनिषत् ८/२५)’ એટલે કે જે વ્યક્તિ જીવપ્રાણીમાત્ર પ્રત્યે હિંસાનો ત્યાગ કરીને વર્તે તે બ્રહ્મલોકનો (ભગવાનના પરમ ધામનો) અધિકારી બને છે. આમ, ભારતીય સનાતન સંસ્કૃતિમાં ઠેક-ઠેકાણે અહિંસાનું ખૂબ સુંદર પ્રતિપાદન થયું છે. તેથી જ અમેરિકાના ન્યુ-જર્સી જિલ્લામાં વિશ્વના સૌથી મોટા હિન્દુ મંદિરનું નિર્માણ કરનાર, અબુધાબી જેવા આરબ દેશમાં અકલ્પનીય હિન્દુ મંદિરની રચના કરનાર, ગુરુહરિ મહંત સ્વામી મહારાજ આધુનિક સનાતન આચારસંહિતા ‘સત્સંગદીક્ષા’ શાસ્ત્રમાં લખે છે ઃ ‘ક્યારેય મનુષ્ય, પશુ, પક્ષી, તથા માંકડ આદિક કોઈ પણ જીવજંતુઓની હિંસા ન કરવી. અહિંસા પરમ ધર્મ છે, હિંસા અધર્મ છે એમ શ્રુતિ-સ્મૃત્યાદિ શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે.’ (સત્સંગદીક્ષા ૩૩-૩૪)

એક હતો છોકરો. એકવાર તે રમત-રમતમાં પોતાના ઘરના વરંડાના ઝાડની ડાળી પર બેઠેલા માળામાં, પક્ષીનાં ઈંડાં જાેઈ ગયો. તેને મેનાના ભૂરા રંગનાં નવી પ્રકારનાં ઈંડાં જાેઈને ખૂબ આશ્ચર્ય થયું. તે તો ખુશ થઈને એ ચારેય ભૂરાં ઈંડાં લઈને તેની મા પાસે દોડી ગયો, ‘મમ્મી, મમ્મી! જુઓ. આ તો કેવા સુંદર ઈંડાં છે! ભૂરાં રંગનાં ઇંડાં તમે કદી જાેયા છે?’ દીકરાના હાથમાં ઈંડાં જાેઈને માતાને અરેરાટી છૂટી ગઈ... તેણે પ્રેમથી દીકરાને સમજાવતાં કહ્યું, ‘બેટા! આપણે ઈંડાં કોઈના માળામાંથી ન કાઢી લવાય. તને ખબર છે? તું આ ઈંડાં લઈ આવ્યો, પણ આ ઈંડાં મૂકનાર પક્ષી-માતાની શું હાલત થઈ હશે? અત્યારે તને કોઈ ગુંડા આવીને લઈ જાય તો મારી હાલત શું થાય?’ માતાએ કરેલા વર્ણનની કલ્પનામાત્રથી બાળક એક ધબકાર ચૂકી ગયો. તે વધુ કાંઈ વિચારે તે પહેલાં જ માએ કહ્યું, ‘જા, જ્યાંથી લાવ્યો, ત્યાં હેમખેમ ઇંડાં પાછા મૂકી આવ...’ છોકરો દોડતો ગયો, ઈંડાં પાછા માળામાં યથાતથા મૂકી દીધાં...

વાત પણ વ્યાજબી છે... જાણે-અજાણે કોઈ આપણા પરિવારજન, દીકરા-દીકરી કે સ્વજનોને રહેંસી નાખવા માંડે તો આપણને દુઃખ થાય એ શંકા વિનાની વાત છે. તો પછી પોતાની જીભના સ્વાદ માટે કે અન્ય કોઈ સ્વાર્થી આશયોને સંતોષવા માટે જ્યારે મનુષ્ય પ્રાણી-પક્ષીનું નિકંદન કાઢવાનો ર્નિણય કરે, તે પહેલાં જે-તે પ્રાણી-પક્ષીની વેદના-સંવેદના સમજવાનો પણ પ્રયત્ન કરવો જાેઈએ. કોઈકને દુઃખી કરીને આનંદ મેળવનારા માનવમાં નહીં, દાનવમાં ખપે છે; કોઈકનું લોહી ચૂસીને પોતાનું અસ્તિત્વ ટકાવનારા મનુષ્ય નહીં, ભૂત કહેવાય છે... જેણે બીજાને તડપાવી-તડપાવીને પોતાની આંતરડી ઠારી હોય, તે પોતે પણ સબડી-સબડીને જ શ્વાસ છોડે છે. ભગવાન સ્વામિનારાયણ પોતાના ઉપદેશોમાં ઘણીવાર કહેતા, ‘જાે આપણે કોઈને જીવન ન આપી શકતા હોઈએ, તો કોઈનું જીવન છીનવી લેવાનો આપણને કોઈ અધિકાર નથી.’ એટલે જ મહંત સ્વામી મહારાજે ‘સત્સંગદીક્ષા’ના ઉપરોક્ત શ્લોકમાં નાનાં-નાનાં જીવ-જંતુઓને મારવાનો નિષેધ કરે છે. કારણ, હિંસકવૃત્તિ શરૂ જ ત્યાંથી થાય છે. પ્રમુખસ્વામી મહારાજે હિંસાવૃત્તિની સુંદર વ્યાખ્યા કરતાં કહ્યું છે ઃ ‘જે માખી મારે તે માણસ પણ મારે...’ ભારતના કુખ્યાત ડાકુ સોહનસિંહની કહાણી થોડા સમય પહેલાં ચર્ચામાં હતી. માત્ર ૩૫ વર્ષની ઉંમર સુધીમાં ૧૦૮થી વધારે લોકોને એ મોતને ઘાટ ઉતારી ચૂક્યો હતો! પરંતુ તેની શરૂઆત થઈ હતી – બાળપણથી. પહેલાં તે કીડી-મંકોડા મારતો થયો... પછી કૂતરાં, બિલાડાં અને પક્ષીનાં બચ્ચાં મારતો થયો... અને કિશોરાવસ્થામાં આવ્યો ત્યાં તો માણસો મારતો થઈ ગયો. એટલા માટે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ અહીં હિંસાથી, હિંસકવૃત્તિથી દૂર રહેવાનું માર્ગદર્શન આપે છે.

આવો, આપણે પણ આ ‘પ્રમુખ દર્શન’ પામીને હિંસાથી, હિંસામય વિચારોથી અને હિંસક સંગતથી દૂર રહીએ અને એક સજ્જન તરીકેની, હિન્દુ તરીકેની આ વિશિષ્ટ વ્યાખ્યાના વાહક બનીએ.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution