દેશમાં ચાલુ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની આગાહી આ સંસ્થાએ કરી

નવી દિલ્હી-

આ વર્ષે દેશમાં ચોમાસું સારું રહેશે તેવી આગાહી આંતરરાષ્ટ્રીય હવામાન એજન્સી સ્કાયમેટ દ્વારા કરવામાં આવી છે. દેશમાં જુન-સપ્ટેમ્બર દરમિયાન ૭૫ ટકા વરસાદ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પવનો લાવે છે. જે આ વખતે નોર્મલ રહેવાની આશા છે તેમ સ્કાયમેટ વેધરના પ્રેસિડેન્ટ જી.પી. શર્માએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જુન-સપ્ટેમ્બર સુધીમાં સરેરાશ વરસાદ ૧૦૩ ટકા જેટલો રહી શકે છે.

૧૦૩ ટકા વરસાદ ઘણો સારો કહેવાય તેમ કહેતા તેમણે ઉમેર્યું હતું કે, ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા ૬૦ ટકા અને સામાન્યથી સારું રહેવાની શક્યતા ૧૫ ટકા જેટલી છે. દેશમાં પડતા સરેરાશ વરસાદનો જાે ૯૬-૧૦૪ ટકા વરસાદ પડે તો તેને સામાન્ય ચોમાસું ગણાય છે, જ્યારે ૧૦૩ ટકાથી વધુ વરસાદને સામાન્યથી વધુની કેટેગરીમાં મૂકવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી દેશમાં ચોમાસું સામાન્ય રહ્યું છે. જાે ૨૦૨૧માં પણ વરસાદ સારો રહેશે તો સળંગ ત્રીજા વર્ષે દેશનું ચોમાસું સામાન્ય રહેશે.

ભારતમાં સામાન્ય રીતે જુનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન ચોમાસાનો મોટાભાગનો વરસાદ પડી જાય છે. દેશમાં આ ગાળામાં સરેરાશ ૮૮૦.૬ મિલીમીટર વરસાદ પડે છે. સ્કાયમેટે આ અગાઉ ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ ચોમાસા અંગેના પોતાના વરતારામાં જણાવ્યું હતું કે ભારતમાં આ વર્ષે ચોમાસા દરમિયાન ૯૬-૧૦૪ ટકા જેટલો વરસાદ પડશે. તેના દ્વારા એમ પણ જણાવાયું છે કે, ઉત્તર અને ઉત્તરપૂર્વ ભારતમાં વરસાદ ઓછો રહેવાની શક્યતા છે. આ ઉપરાંત, કર્ણાટકના અંતરિયાળ વિસ્તારોમાં પણ વરસાદ ઓછો પડી શકે છે.

સંસ્થાના સીઈઓ યોગેશ પાટિલના જણાવ્યા અનુસાર, ગયા વર્ષથી પેસિફિક મહાસાગરમાં સર્જાઈ રહેલી લા નિના ઈફેક્ટ ન્યૂટ્રલ રહે તેવી શક્યતા છે. જેના કારણે ચોમાસા પર તેની અસર નહીં દેખાય. સ્કાયમેટ દ્વારા કયા મહિનામાં કેટલો વરસાદ પડશે તેની માહિતી આપતા જણાવાયું છે કે, જૂન મહિનામાં દેશમાં સરેરાશ વરસાદ ૧૬૬.૯ એમએમ એટલે કે ૧૦૬ ટકા જેટલો રહેશે. જુલાઈમાં તેનું પ્રમાણ ૨૮૫.૩ એમએમ એટલે કે ૯૭ ટકા રહેશે. ઓગષ્ટમાં સરેરાશ વરસાદ ૨૫૮.૨ એમએમ રહી શકે છે, જે ૯૯ ટકા જેટલો થાય છે. સપ્ટેમ્બર મહિનામાં ૧૭૦.૨ એમએમ વરસાદ પડવાની શક્યતા છે તેમ પણ તેણે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, દેશની ખેતી આજે પણ મોટાભાગે ચોમાસા પર આધારિત છે. માત્ર ખેતી જ નહીં, પરંતુ ચોમાસું કેવું રહેશે તેના પર દેશના અર્થતંત્રની ગતિ પણ મોટો મદાર રાખે છે. ખાસ કરીને ગ્રામિણ અર્થતંત્ર ચોમાસા પર આધારિત છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution