હોમ લોનનો આ વિકલ્પ તમારા દેવાનો બોજો ઘટાડશે, ટેક્સ સહિત અનેક લાભો આપશે


 દરેક વ્યક્તિ પોતાની માલિકીનું ઘર ઈચ્છે છે, આ સ્વપ્નને પૂરૂ કરવા માટે આજે સરળતાથી અને ઝડપી હોમ લોન મળી રહી છે. પરંતુ તેના ઉંચા વ્યાજદરો અને આવકની મર્યાદા જેવા અનેક પડકારો નડતા હોય છે. આવા સમયે તમે હોમ લોનનો જોઈન્ટ હોમ લોન વિકલ્પ અપનાવી શકો છો, જેમાં વિવિધ લાભો મળવાપાત્ર છે.

જોઈન્ટ હોમ લોન વિકલ્પમાં બે વ્યક્તિએ સાથે મળીને લોન લેવાની હોવાથી બંનેના સિબિલ સ્કોર અને આવકનો લાભ મળે છે, ટેક્સમાં પણ રાહતો મળે છે. તેમાંય જો મહિલા હોય તો તેને અનેક પ્રકારની છૂટ મળે છે. લોહીના સંબંધો અથવા તો પતિ-પત્નિ એક સાથે મળી આ વિકલ્પનો લાભ લઈ શકે છે.

બેન્ક લોન આપતી વખતે અરજદારની આવક જોતી હોય છે. જોઈન્ટ હોમ લોનમાં બે વ્યક્તિ સાથે મળી લોન લેતી હોવાથી બંનેની આવકને સરખાવી લોનની રકમ મંજૂર થાય છે. જેનાથી લોનની રકમ વધી જાય છે.

હોમ લોન પર ઈનકમ ટેક્સની કલમ 80સી અંતર્ગત પ્રિન્સિપલ અમાઉન્ટ પર રૂ. 1.50 લાખ સુધીની છૂટ મળી શકે છે. તેમજ કલમ 24 (બી) અંતર્ગત રૂ. 2 લાખ સુધીના હોમ લોન વ્યાજ પર ટેક્સ ક્લેમ કરી શકો છો. આમ, હોમ લોનધારકોને મહત્તમ રૂ. 3.50 લાખ સુધીની ટેક્સ છૂટ મળી શકે છે. જો જોઈન્ટ હોમ લોન લીધી હોય તો બંને વ્યક્તિને કુલ રૂ. 7 લાખ સુધીની ઈનકમ ટેક્સમાં છૂટ મળી શકે છે.

ઘણી બેન્કો મહિલાઓને હોમ લોનના વ્યાજ પર વધારાની છૂટ આપે છે. મહિલાઓને મળતા વ્યાજમાં છૂટનો લાભ જોઈન્ટ હોમ લોનમાં લઈ શકો છો. એવામાં હોમ લોનનું ભારણ પણ ઘટે છે. અને ઈએમઆઈ ઘટે છે.

ઘણા રાજ્યોમાં મહિલાઓને સ્ટેમ્પ ડયૂટીમાં ખાસ છૂટ મળે છે. ઘણા રાજ્યોમાં તો મહિલાઓ માટે એક નિશ્ચિત સ્ટેમ્પ ડ્યૂટી પણ છે. હોમ લોન લેતી વખતે તેનો લાભ મળે છે. જોઈન્ટ હોમ લોનમાં હોમના ઈએમઆઈ બંને પાસેથી સમાન ધોરણે જમા કરાવી શકો છો. પાર્ટનર ઈચ્છે તો જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલાવી શકે છે. જેમાં રકમ જમા કરી ઈએમઆઈ ચૂકવી શકે છે. ઈનકમ ટેક્સ ફાઈલ કરતી વખતે આ એકાઉન્ટની વિગતો રજૂ કરવી પડશે.

જોઈન્ટ હોમ લોનમાં બંને વ્યક્તિનો સિબિલ સ્કોર ચકાસવામાં આવે છે, જો તેમાંથી કોઈ એકનો સિબિલ સ્કોર ખરાબ હોય અથવા નબળો હોય તો બીજાના મજબૂત સિબિલ સ્કોર પર હોમ લોન મંજૂર થઈ શકે છે.

ઉલ્લેખનીય છે, હોમ લોન મંજૂર કરવાની સત્તા બેન્કો પાસે છે. ઘણી વખત સિબિલ સ્કોર ખરાબ હોવાની સાથે ઈએમઆઈ ચૂકવવામાં વધુ સમયથી નિષ્ફળ રહ્યા હોય તો હોમ લોન મળવાની શક્યતા ઘટી જાય છે.

 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution