બાળકોનો યોગ્ય ઉછેરનો ‘પરિચય’ કરાવે છે આ ફિલ્મ

લેખકઃ સિદ્ધાર્થ છાયા


બાળઉછેર એ વર્ષોથી એક સમસ્યા બની રહી છે. એક રીતે જાેવા જઈએ તો બાળકોનો ઉછેર કેમ કરવો એ કોઇપણ માતાપિતા માટે સમસ્યા ન હોવી જાેઈએ પરંતુ તેમ છતાં તે એક સમસ્યા તો છે જ. બાળકોને પ્રેમથી ઉછેરવા કે કડકાઈથી આ બંને અંતિમો વચ્ચે દરેક માતાપિતા ઝઝુમતા જાેવા મળ્યા છે. આ જ વિષય પર ૧૯૭૨માં એક ફિલ્મ આવી હતી જેનું નામ હતું પરિચય. ફિલ્મમાં એક રિટાયર કર્નલના દીકરાના છોકરાઓ જે અનાથ થઇ ગયા છે તેમના ઉછેરની વાત કરવામાં આવી છે. કર્નલ અત્યંત કડક સ્વભાવના હોય છે. તેમને પોતાના દીકરા સાથે અણબનાવ હોય છે. દીકરાએ તેમની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા હોવાથી તેમણે તેની સાથે સંબંધ તોડી નાંખ્યા હોય છે.


દીકરો ઘરેથી ચાલી નીકળે છે અને ગમતી છોકરી સાથે પરણી જાય છે. ત્યારબાદ તેને ચાર છોકરાં થાય છે અને પહેલાં પત્ની અને પછી પોતે આ દુનિયા છોડીને ચાલ્યો જાય છે. આથી આ છોકરાંઓની જવાબદારી કર્નલ સાહેબ પર આવી પડે છે. દીકરાના છોકરા હોવાથી કર્નલ તેમને સારામાં સારું ભણતર આપવા માંગે છે. આ માટે તેઓ શિક્ષકોને રોકે છે પરંતુ આ છોકરાઓ એટલા તોફાની હોય છે અને તેમના મનમાં પોતાના પિતાની બરબાદી માટે તેમના દાદા જ જવાબદાર છે તેવો ભ્રમ હોય છે. આ બંને કારણોને લીધે એક પણ શિક્ષક ટકી શકતો નથી. છેવટે એક યુવાન જેને નોકરીની શોધ હોય છે તે આ છોકરાઓને ભણાવવાની જવાબદારી લે છે.


શરૂઆતમાં તો આ યુવાનને પણ છોકરાઓના તોફાની સ્વભાવથી હેરાન થવું પડે છે પરંતુ તે અન્ય શિક્ષકોની જેમ ભાગી નથી જતો. તે પ્રેમથી આ છોકરાઓનું દિલ જીતે છે અને સહુથી મોટી દીકરીનું દિલ પણ. છેવટે કર્નલ સાહેબને પણ ખ્યાલ આવે છે કે તેમની કડકાઈ કામમાં નહીં આવે અને તેઓ પણ આ બાળકો સાથે પ્રેમભર્યું વર્તન કરવા લાગે છે. છે ને મારા-તમારા ઘરની જ વાત? આપણે પણ ક્યારેક બાળક રહ્યા હોઈશું અને આપણે પણ માતા અથવા પિતા છીએ. જ્યારે બાળક નાનું હોય, અણસમજુ હોય ત્યારે તેને ખબર નથી હોતી કે તે જે ક્રિયા કરી રહ્યું છે તેને તોફાન કહેવાય અને તેણે આ ન કરવું જાેઈએ. તેને એ બાબતની પણ ખબર નથી હોતી કે તેના આ કૃત્યથી ઘરના લોકોને કે ઘરની વસ્તુઓને નુકસાન થઇ શકે છે.


જાે તેમનામાં આ સમજણ ન વિકસી હોય તો આપણામાં તો સમજ વિકસી જ છે ને આપણે કેમ તેને પ્રેમથી ન સમજાવી શકીએ? ઘણી વાર બાળકને ધમકાવવા કે વઢવાથી તેના મનમાં માતાપિતા વિશે એક ધારણા બેસી જાય છે અને તે ધારણા તે મોટું થાય ત્યાં સુધી ટકી રહે છે. તેમને મનમાં એમ જ થાય છે કે મારી મમ્મી કે મારા પપ્પા મારી સાથે વઢ્યા વિના વાત જ નથી કરતા. તેમને મારામાં ફક્ત ખામીઓ જ દેખાય છે. છેવટે આ લાગણી વધતી જાય છે, મજબૂત થતી જાય છે, અને બાળકને એવું લાગે છે કે તેની તેના ઘરમાં અને તેના કુટુંબમાં કોઈ જ કિંમત નથી.આ રીતે તે નેગેટીવ માનસિકતા ધરાવતું થઇ જાય છે અને છેવટે કાયમી રીતે માતાપિતાથી ભાવનાત્મક રીતે દૂર થઇ જાય છે. જ્યારે માતાપિતાને પોતાના બાળકમાં ઘર કરી ગયેલી આ વાત વિશે ખબર પડે છે ત્યારે કદાચ ઘણું મોડું થઇ ગયું હોય છે. બાળક અને માતા પિતા એકબીજાથી દૂર થઇ જાય છે. ઘરનું વાતાવરણ સતત તણાવગ્રસ્ત રહે છે. જેના કારણે ઘરના તમામ સભ્યો પણ નેગેટીવ બની જતા હોય છે.


એટલે અહીં કહેવાનો અર્થ એટલો જ છે કે બાળક જ્યારે નાનું હોય ત્યારે તેને ટપારો, તેની સાથે પ્રેમથી વર્તન કરો, તેને સમજાવો તે જરૂર માની જશે. આમ કરવાથી તેના મનમાં પણ તમારા પ્રત્યે એક અલગ પ્રકારની લાગણી ઉભી થશે જે પોઝીટીવ હશે. હા, તેની જીદ બિલકુલ પૂરી ન કરો. પરંતુ જાે એ જ ઉંમરમાં તમે તેની જીદ સામે તેને ઠપકો આપવાનું કાર્ય કરશો તો ઉપર વાત કરી તેમ બાળક હાથમાંથી જતું રહેશે. આ વાત ફક્ત બાળકના માતાપિતા જ નહીં પરંતુ ઘરના વડીલોએ પણ સમજવાની છે. એવું પણ નથી કે ક્યારેય બાળકને વઢવું નહીં. તમે નક્કી કરેલી લીમીટ ક્રોસ થાય ત્યારે બાળકને જરૂર વઢો પણ થોડા સમય બાદ તેની સાથે વાત કરો અને પ્રેમથી પોતાની સાઈડ કેમ સાચી છે અને તેની સાઈડ કેમ ખોટી છે તેની સમજણ તેને આપો તે જરૂર સમજી જશે. બાળકનું કુમળું મન પોચી જમીન જેવું હોય છે તેમાં તમે જે વાવશો એ જ ઉગી નીકળશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution