વોશિંગ્ટન-
અમેરિકાની સરકારે કેનેડા, મેક્સિકો અને આ વર્ષે ઓલિમ્પિક રમતોત્સવ યોજનાર જાપાન સહિત ૧૨૦ જેટલા દેશોમાં પ્રવાસ કરવા અંગે પોતાના નાગરિકો માટે લાગુ કરાયેલા કોરોના-નિયમોને હળવા કર્યા છે, પરંતુ આ યાદીમાં તેણે હજી ભારતનો ઉમેરો કર્યો નથી. અમેરિકાના વિદેશ ખાતાના એક સિનિયર અધિકારીએ કહ્યું કે પરિસ્થિતિનો અભ્યાસ કરતા રહીને અમે અમારા દેશના વિમાનપ્રવાસીઓ માટેની અમારી સલાહ-ચેતવણી સતત અપડેટ કરતા રહીએ છીએ. કોરોનાના નવા પ્રકારથી જ્યાં સૌથી પહેલા ચેપ ફેલાયો હતો તે સાઉથ આફ્રિકા દેશને પણ અમેરિકાએ યાદીમાં સામેલ કર્યો છે.
અમેરિકાના નાગરિકોએ માત્ર એવા જ દેશોના પ્રવાસે જવું જ્યાં કોરોના-પ્રતિરોધક રસીનું સંપૂર્ણ રસીકરણ થઈ ગયું હોય એવી સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન (સીડીસી) તરફથી સૂચના મળ્યા બાદ વિદેશ ખાતાએ તેની ટ્રાવેલ-ગાઈડલાઈન્સમાં સમીક્ષા કરી છે. જે દેશોમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે ત્યાં પ્રવાસે જવામાં ઓછું જાેખમ છે એવું સીડીસી દ્વારા જણાવવામાં આવ્યું છે.